Mon Oct 05 2026

Logo

કાગડાને ખરીદી શકાતો નથી...

2026-09-13 09:49:00
Author: Vinod Bhatt
કાગડાને ખરીદી શકાતો નથી...

 

 

વિનોદ ભટ્ટ

 

એક ઇન્ટરવ્યુઅરે અમને એકવાર પૂછયું હતું કે તમારે પુનર્જન્મ લેવાનો થાય તો તમે કયા પક્ષી તરીકે અવતરવાનું પસંદ કરો? `કાગડો...' અમે જવાબ આપ્યો હતો. `કોયલ કેમ નહીં?' બીજો સવાલ કરવામાં આવ્યો, જેનો ઉત્તર અમે એ વખતે નહોતો આપ્યો. આજે આપીએ છીએ. અમારા મતે કોયલ પાસે સારું ગળું છે એટલું જ, એ સિવાય આકર્ષી શકે એવું એની પાસે  કશું નથી. અમને તો એ પણ ડર છે કે તેનો મધુર અવાજ સતત સાંભળનારને ડાયાબિટીસ કહેતાં મધુપ્રમેહ થઈ જાય.

જોકે કવિઓ સદીઓથી કોયલના ગળા પાછળ ગાંડા છે. મહાકવિ કાલિદાસે જયાં તક મળી ત્યાં કોયલની ગળાની પ્રશંસા મન મૂકીને કરી છે. `વિક્રમોર્વશિયમ'માં તેને મધુરપ્રલાપિની અને મંજુસ્વરા કહી છે, તો `માલવિકાગ્નિમિત્ર'માં તેને મધુરસ્વરાનો ખિતાબ આપ્યો છે, ને `કુમારસંભવ'માં તેને બોલવામાં આપણને અઘરી પડે એવી મધુરાલાપનિસર્ગપંડિતા કહી છે. આ છેલ્લી ઉપમા વાંચીને તો ખુદ કોયલ પણ શરમાઈને હસી પડે!

 

આ કોયલ આમ તો શરમાળ નથી. તેમ છતાં વૃક્ષોની ઘટામાં છુપાઈને, પ્લેબૅક સિંગરની જેમ ટહુકે છે. ખબર જ પડે કે કોણ ગાય છે, નરકોકિલ તે માદા? આપણે એવું માનીએ છીએ કે માદા કોયલ જ મધુર અવાજે કૂજે છે, પણ વાસ્તવમાં જે ગાય છે એ તો નરકોકિલ છે. માદા પાસે સૂરીલું ગળું નથી. કવિ કાલિદાસ પક્ષીવિદ્ નહોતો, છતાં આ હકીકતમાં તેને જાણ હતી. એટલે  તો તેણે કુમારસંભવ અને ઋતુસંહારમાં પુંસ્કોકિલના ટહુકવાનો વારંવાર ઉલ્લેખ કર્યો છે. માદાકોયલ કિક-કિક-કિક જેવો તીખો અવાજ માંડ કાઢી શકે છે, જે  સાંભળવામાં આપણને અરુચિકર લાગે, નરકોકિલને માદાનો અવાજ કેવો લાગતો હશે એ વિશે તો કોઈ પક્ષીની ભાષા જાણનાર જ કહી શકે.

 

પક્ષીશાસ્ત્રના પંડિતોએ તો એ પણ શોધી કાઢ્યું છે કે સારસ કે ચક્રવાક જેવાં કેટલાંક પંખીઓ એક પાત્ર શોધી લે છે ને પછી સુખેદુખે તેની સાથે જીવી નાખે છે, પડ્યુું  પાનું નિભાવી લે છે. તેમના શબ્દકોશમાં ડાઇવૉર્સ જેવો શબ્દ નથી. આર્યનારી જેવું, એક ગુજરી જાય તો બીજું તેની પાછળ માથું પટકી પટકીને પોતાનો પ્રાણ આપી દે છે, પણ કોયલ આ બાબત પાશ્ચાત્ય વિચારો ધરાવે છે. જે કોઈ નર (યા નારી) અડફેટે ચડી જાય એ તેનો પ્રેમી. મન ફાવે ત્યાં સુધી સાથે રહેવાનું, પછી તું તારે ઘેર ને હું મારે ઘેર-એકબીજાને ભૂલતાંય વાર નહીં.

 

અને કુમારસંભવ કે વાઇસેવર્સા હોય ત્યારે આપણી બહેન-દીકરીઓ નજીકના મૅટરનિટી હોમમાં પહોંચી જાય છે, જયારે કોયલ કાગડાનો માળો પાસે ક્યાં છે એની ભાળ મેળવવાના કામે લાગી જાય છે ને માળો શોધીને એના પર નજર રાખ્યા કરે છે. આ વખતે કયા કાગડાને મૂર્ખ બનાવવો છે એ નર અને માદા કોયલ બન્ને સાથે બેસીને નક્કી કરી નાખે છે. જોકે કાગડાની મથરાવટી મેલી છે. તેને મહાધૂર્ત અને વધુ પડતો ચાલાક માનવામાં આવે છે. સંસ્કૃતમાં એક ઉક્તિ એવી છે કે `નરાણાં નાપિતો ધૂર્ત: પક્ષિણાં ચૈવ વાયસ:!' પણ કોયલ આ કહેવાતા ચતુર કાગડાને બેવકૂફ શ્રેષ્ઠ બનાવીને પોતાનાં બચ્ચાં તેની પાસે ઉછેરાવે છે. પોતાનાં બચ્ચાનું બેબી સીટિંગ તે કાગડા પાસે ને એ પણ સાવ મફતમાં, છેતરપિંડીથી કરાવે છે.

 

કોયલની મોડસ ઑપરેન્ડી રસપ્રદ છે, માણસને પણ છક્કડ ખવડાવી દે એટલી તે ક્રિમિનલ છે. શરૂઆત તે આ રીતે કરે છે... કાગડા માળાની નજીક બેસીને નર કોકિલ ટહુકવાનું શરૂ કરે છે. કોયલનો અવાજ આપણને ગમે છે, પણ કાગડાને આ અવાજની સખત એલર્જી છે એટલે કોયલનો અવાજ કાને પડતાં જ કાગડો અને કાગડી તેના પર હુમલો કરવા ઘસી જાય છે, તેની પાછળ પડે છે. કાગડાના મુકાબલે કોયલના ઊડવાની સ્પીડ વધારે છે. આ કારણે કોયલ ઝડપ વધારીને કાગડા-કાગડીને દૂર સુધી ખેંચી જાય છે અને પછી દૂરથી નર કોકિલ `કર્ર કર્ર' બોલીને તેની માદાને સંદેશો આપી દે છે કે હવે તું બાજી સંભાળી લે અને માદા કોયલ તરત જ કાગડાના માળામાં ટે્રસપાસ (અનધિકૃત પ્રવેશ) કરીને પોતાના ઇંડાં ત્યાં ગોઠવી દે છે એટલું જ નહીં, કાગડાનાં ઇંડાંને ચાંચમાં  લઈ નીચે ફગાવી દે છે. પોતાનું આ કામ પતાવ્યા બાદ આ માદા કોયલ વિશિષ્ટ અને સાંકેતિક અવાજમાં તેના નરને માહિતી આપી દે છે કે `ઑપરેશન ઇડિયટ ઓવર...' બાત બન ગઈ હૈ, એટલે નર કોકિલ પોતાની ઝડપ એકદમ વધારીને કોઈ ઘટાદાર ઝાડની ડાળીઓમાં સંતાઈ જાય છે.

શિકાર છટકી ગયાની હતાશા  સાથે કાગડો-કાગડી પોતાના ઘેર પાછાં ફરે છે, ત્યારે એમને બાપડાંને અણસાર પણ નથી આવતો કે તે કોયલના ષડ્યંત્રનો શિકાર બની ગયાં છે. ઇંડાની હેરાફેરીની પણ તેમને લેશમાત્ર શંકા જતી નથી, કેમ કે કોયલ બે ઇંડાં લાવી હોય તો તે કાગડાનાં બે ઇંડાં જ નીચે પાડી નાખે છે. સંખ્યામાં કોઈ ફેર પડતો નથી, કર્ણ મરે કે અર્જુન-પાંડવો તો પાંચના પાંચ જ રહેવાના છે. અને ઇંડાંની સંખ્યા ધારો કે વધી જાય. તો પણ કાગડા-કાગડીને આની ખબર પડતી નથી, કારણ કે એટિકન નામના પક્ષીશાસ્ત્રીના જણાવ્યા પ્રમાણે કાગડાઓનું ગણિત કાચું હોય છે, તે ત્રણથી આગળ ગણી શકતા નથી. આથી તેમના ગણિતના અજ્ઞાનનો લાભ લઈને કોયલ કયારેક 13 જેટલાં ઇંડાં પણ કાગડાના માળામાં મૂકી આવે છે!

કાગડા-કોયલના ઇંડામાં પણ બહુ ફેર નથી હોતો. કોયલનું ઇંડું સાધારણ નાનું હોય છે. અને કોયલના સદ્ભાગ્યે કાગડા કરતાં તેનું ઇંડું થોડું વહેલું ફૂટે છે. આ બચ્ચાને પણ તેની માના પેટમાંથી જ ધૂર્તતા મળી ગઇ હોય છે. એટલે જન્મજાત ધૂર્તતાને લીધે શરૂઆતમાં આ બચ્ચાં કોયલનો અવાજ કાઢવાને બદલે કાગડાના અવાજની મિમિક્રી કરે છે, કાગડાની બોલી બોલવાની ચેષ્ટા કરે છે. આથી છેતરાઈને કાગડી પોતાનાં સંતાનોની સાથે આ બચ્ચાંને ખવરાવે-પિવરાવે છે, પછી જયારે ઊડવાની ક્ષમતા આવી જાય ત્યારે કાગડા-કાગડીએ લાડકોડમાં ઉછેરેલ કોયલનાં બચ્ચાં પોતાની ખરી મા પાસે પહોંચી જાય છે. કેટલાક ધનપતિઓ અનાથાશ્રમોને ઉદાર સખાવતી કરે છે, જેમાં ક્યારેક તેમની જાણ બહાર, તેમનાંય બે નંબરનાં બાળકો ઉછેરાતાં હોય છે, જ્યારે આ કાગડા તો વગર અનાથાશ્રમ ખોલ્યે અન્યનાં સંતાનોને પોતાનાં સમજીને સાચા વહાલથી ઉછેરે છે.

 

ટૂંકમાં, કોયલ વિશે જેમ જેમ અમે જાણતા ગયા તેમ તેમ કાગડા તરફનો અમારો આદર, અમારો અનુરાગ વધતો ગયો છે. કોઈને છેતરવા કરતાં કાઈથી  છેતરાવાનું અમે હંમેશાં પસંદ કરીએ છીએ, આ કારણે કાગડાની બાઘાઈ, બેવકૂફી યા મૂર્ખાઈ જે ગણો તે, અમને વિશેષ ગમે છે. પેલા ઇસપે પણ પોતાની કહેવાતી એક નીતિકથામાં કહ્યું છે કે કાગડાના અવાજનાં ખોટાં વખાણ કરીને શિયાળવું તેની પાસેથી પૂરી પડાવી ગયું હતું. પણ અમને ખાતરી છે કે ઇસપે તેની વાર્તામાં કાગડાને ચીતર્યો છે એટલો બેવકૂફ તે નહીં જ હોય. આમ તો શિયાળે તેના અવાજમાં મિથ્યા વખાણ કરવાની શરૂઆત કરી એ ક્ષણે જ તે પામી ગયો હશે કે આ બદમાશને મારી પૂરી સિવાય કશામાં રસ નથી.

તેણે ધાર્યું હોત તો તે પૂરી પોતાના પગના પંજા નીચે દબાવી, એટલો સમય ભોજન મુલતવી રાખીને પોતાના સંગીતનો લાભ શિયાળને આપી શક્યો હોત, પણ તેણે એમ ન કર્યું, કેમ કે માત્ર એક જ પૂરીમાં તેને મહાજ્ઞાન મળતું હતું કે જીવનમાં સંગીત એ સેક્નડરી વસ્તુ છે, ભૂખ્યા પેટે ગીત ગાવાની કે સાંભળવાની વાત જ વાહિયાત છે. પણ- પણ પૂરી કરતાંય માંસ કાગડાને વધારે પ્રિય હોવા છતાં તે શિયાળવેડા નથી કરતો. કાગડો ક્યારેક અન્ય કાગડાનું માંસ નથી ખાતો, એકબીજાનું ખૂન નથી કરતો. કાગડામાં સંપ ઘણો હોય છે. એક કાગડા પર કોઈ મોટું પક્ષી હુમલો કરી તેને ઘાયલ કરે તો અન્ય કાગડાઓનું ઝુંડ પેલા ઘવાયેલા કાગડાની મદદે પહોંચી જાય છે. એક કાગડો મરી જાય તો સેંકડો કાગડા ભેગા મળીને કાગારોળ કરી મૂકે છે. મરી ગયેલો કાગડો આપણા કવિને મન એક કવિતાનો વિષય માત્ર હશે, પણ કાગડાઓ માટે તો એ એક મસમોટી ઘટના હોય છે. અમે તો કાગડાઓની શોકસભાઓ પણ જોઈ છે.

 

કાગડાઓમાં કાળા અને વધુ કાળા એવો ભેદ નથી હોતા. કાગડાઓનો ધર્મ એકબીજાથી અલગ નથી હોતો, તેમને ધર્મ છે માત્ર કા...કા... કરવાનો. એ લોકો અંદર અંદર કોઈની ધાર્મિક લાગણી નથી દુભાવતા. આ કારણે કોઈ કાગડો અન્ય કાગડાનું સ્ટેબિંગ નથી કરતો, કોઈ કોઈને દગો નથી દેતા, એકબીજાની પીઠમાં ખંજર નથી ભોંકતા. એક પુખ્ત કાગડો સગીર કાગડીને નસાડી ગયો હોય યા દહેજ માટે કોઈ કાગડાએ કાગડીને બાળી મૂકી હોય એવો એક કિસ્સો પક્ષીવિદોએ નોંધ્યો નથી.

 

કાગડાને પાળી શકાતો નથી કે ખરીદી શકાતો નથી, છતાં કોઈ કાગડાએ સદાચારી હોવાનો ક્યારેક દાવો નથી કર્યો. એક કાગડો બીજા કાગડાની પૂરી ઝૂંટવી લેવાનો વિચાર સુધ્ધાં નથી કરતો. કાગડો મને કેમ ગમે છે એનાં અઢળક કારણો હજીય હું આપી શકું એમ છું, પણ હવે તેનું છેલ્લું કારણ આપીને અટકવા માગું છું. કાગડાને જૂઠ પ્રત્યે ખીજ પણ હોવી જોઈએ, એટલે તો પેલા લોકગીતમાં કહેવાયું છે કે `જૂઠ બોલે કૌઆ કાટે, કાલે કૌએ સે ડરિયો...' `સત્યમ્‌‍ બ્રુયાત્, પ્રિયમ્‌‍ બ્રુયાત્'માં કાગડાને શ્રદ્ધા નથી હોતી, કદાચ એટલે જ તેનો અવાજ કર્કશ છે, સત્યનો અવાજ પણ સાંભળનારને આટલો જ કર્કશ લાગતો હોય છે... કિ મૈં ના જૂઠ બોલિયા!!!