ચેન્નઈઃ આઇપીએલના પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમ એક તરફ સતત ચાર પરાજયને લીધે મોટી મુસીબતમાં છે ત્યાં ભૂતપૂર્વ ભારતીય ઓપનર ક્રિષ્ણમાચારી શ્રીકાંતે (SRIKKANT) આ ટીમ માટે એક ચર્ચાસ્પદ સલાહ આપી છે. શ્રીકાંતનું માનવું છે કે શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર આ ટીમમાં વધુ રહેવાને લાયક નથી અને મુંબઈ ઇન્ડિયન્સના ટીમ મૅનેજમેન્ટે તેમને જેટલી મૅચ રમ્યા એના પૈસા આપીને રવાના કરી દેવા જોઈએ.
શ્રીકાંતનું માનવું છે કે શાર્દુલ અને દીપક ચાહર મુંબઈ ઇન્ડિયન્સ ટીમથી દૂર રહે એ જ સારું છે. મુંબઈની ટીમ 29મી માર્ચે વાનખેડેમાં કોલકાતા સામેની પ્રથમ મૅચ જીતી ત્યાર પછી લાગલગાટ ચાર મૅચ હારી છે જેમાં બે પરાજય વાનખેડેમાં થયા છે. મુંબઈનો હવે સોમવારે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે મુકાબલો છે.
પંજાબના ઓપનર્સ પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહ સારા ફૉર્મમાં હોવા છતાં ગુરુવારે કૅપ્ટન હાર્દિક પંડ્યાએ જસપ્રીત બુમરાહને પ્રથમ ઓવર નહોતી આપી. તેણે દીપક ચાહરથી દાવની શરૂઆત કરી હતી અને એ ઓવરમાં પ્રિયાંશ-પ્રભસિમરને 21 રન બનાવ્યા હતા. આ અભિગમ મુંબઈની નબળી સંરક્ષણ નીતિની સાક્ષી પૂરે છે એવું ઘણાનું માનવું છે. પ્રભસિમરને એ દાવમાં 39 બૉલમાં 80 રન અને કૅપ્ટન શ્રેયસ ઐયરે 35 બૉલમાં 66 રન કરીને પંજાબને દમદાર વિજય અપાવ્યો હતો.
બુમરાહને 41 રનમાં ફરી એક વખત એક પણ વિકેટ નહોતી મળી. શાર્દુલ-ચાહરની કુલ 5.3 ઓવરમાં કુલ 87 રન થયા હતા. બન્ને બોલિંગમાં બૉલ ચારેય દિશામાં મોકલવામાં આવ્યો હતો. એને કારણે હાર્દિક આ બન્ને બોલર પાસે ચાર-ચાર ઓવર પૂરી નહોતી કરાવી શક્યો.
શાર્દુલને મુંબઈએ બે કરોડ રૂપિયામાં અને ચાહરને 9.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શાર્દુલ આ વખતે પાંચ મૅચ અને ચાહર ત્રણ મૅચ રમ્યો છે. જે ખેલાડી જેટલી મૅચ રમે અથવા રમવા માટે ઉપલબ્ધ હોય એટલી જ મૅચના પૈસા તેના ફ્રૅન્ચાઇઝી પાસેથી તેને મળે છે.
શાર્દુલ-ચાહરને ઘરભેગા કરી દોઃ શ્રીકાંત

શ્રીકાંતે પોતાના યુટ્યૂબ શૉ પર કહ્યું છે, `મુંબઈ ઇન્ડિયન્સ દીપક ચાહરને પ્લેઇંગ-ઇલેવનમાં શું કામ સામેલ કરે છે એ જ નથી સમજાતું. તેને રીટેન જ શું કામ કર્યો? પંજાબ સામેની પ્રથમ ઓવરમાં તેણે 21 રન આપ્યા. એ અગાઉની મૅચમાં બાવીસ રન આપ્યા હતા. તેણે કુલ તેની 2.3 ઓવરમાં 45 રન બન્યા હતા.
શાર્દુલની ત્રણ ઓવરમાં બન્યા 45 રન! આ બન્ને બોલરને પ્લેઇંગ-ઇલેવનમાં રાખવા જ શું કામ જોઈએ? મેં મૅચની પહેલાના શૉમાં પણ આ વાત કરી હતી. શું મુંબઈ પાસે બોલિંગમાં બીજા કોઈ સારા વિકલ્પ નથી? તેમને તેમના નીકળતા પૈસા આપી દો, ઘરભેગા કરી દો અને કહી દો કે આ સીઝનમાં પાછા મુંબઈ ઇન્ડિયન્સ વતી રમવા આવતા જ નહીં. જરૂર પડશે તો જ બોલાવીશું.'
બુમરાહ વિશે શ્રીકાંતે શું કહ્યું?

જસપ્રીત બુમરાહને પાંચ મૅચમાં એકેય વિકેટ નથી મળી. કે. શ્રીકાંતનું માનવું છે કે `મુંબઈ ઇન્ડિયન્સે બુમરાહને સીઝનની શરૂઆતમાં થોડો આરામ આપવો જોઈતો હતો. ટી-20 વર્લ્ડ કપ પછી તેને માનસિક અને શારીરિક આરામની ખાસ જરૂર હતી. ટી-20 વર્લ્ડ કપમાં તે પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ માટે દાવેદાર હતો.
મુંબઈની ટીમને તેના પર બોજ નાખી દીધો. મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ આક્રમણને કેટલું રેટિંગ આપવું એ જ નથી સમજાતું. મુંબઈએ 500 રન કર્યા હોત તો પણ હરીફ ટીમે એ ચેઝ કરી લીધા હોત એવું મુંબઈનું ખરાબ બોલિંગ-આક્રમણ છે.'