Wed May 06 2026

Logo

`આ બૅટ્સમૅને માંડ બે સારા શૉટ માર્યા છે અને તમે પાંચ વર્ષથી તેને ટીમમાં રાખી મૂક્યો છે': જાણી લો, શ્રીકાંતે આવું કોના વિશે કહ્યું

2026-05-06 18:47:51
Author: Ajay Motiwala
Article Image

લખનઊઃ રિષભ પંતના નેતૃત્વમાં લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ આ વખતે નવમાંથી સાત મૅચ હારી છે અને સૌથી ઓછા ચાર પૉઇન્ટ સાથે સાવ તળિયે (10મા નંબરે) છે ત્યારે ભૂતપૂર્વ ભારતીય ઓપનર ક્રિષ્નામાચારી શ્રીકાંતે (K. SRIKKANT) આ ટીમનું મૅનેજમેન્ટ વિચારતું થઈ જાય એવું કહ્યું છે. શ્રીકાંતનો કહેવાનો ભાવાર્થ એ છે કે આયુષ બદોની એલએસજી માટે બોજ છે.

સોમવારે વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ સામે લખનઊનો છ વિકેટે પરાજય થયો હતો. લખનઊએ નિકોલસ પૂરનના 63 રનની મદદથી પાંચ વિકેટે 228 રન કર્યા ત્યાર બાદ મુંબઈએ રોહિત શર્માના 84 રન, રાયન રિકલ્ટનના 83 રન તેમ જ નમન ધીરના અણનમ 23 રનની મદદથી 18.4 ઓવરમાં ચાર વિકેટે 229 રન બનાવીને મૅચ જીતી લીધી હતી.

સોમવારની મુંબઈ સામેની મૅચમાં 26 વર્ષીય બૅટ્સમૅન આયુષ બદોનીને નહોતો રમાડવામાં આવ્યો. આઠ મૅચમાં તેની માંડ એક હાફ સેન્ચુરી છે. તે બે વખત શૂન્યમાં આઉટ થયો છે અને બાકીની ઇનિંગ્સમાં તે ક્યારેય 40 રનનો આંકડો પાર નથી કરી શક્યો. આઠ મૅચમાં તે કુલ માંડ 172 રન બનાવી શક્યો છે.

IPL

ક્રિષ્નામાચારી શ્રીકાંતે આયુષ બદોની વિશે ટીકા કરતા લખનઊના ફ્રૅન્ચાઇઝી માટે કહ્યું છે કે `તમે જેને પાંચ વર્ષથી ટીમમાં રાખી મૂક્યો છે તે ઇનર સર્કલ પરથી બૉલ બાઉન્ડરી લાઇન તરફ જાય એવા સારા શૉટ પણ નથી રમી શક્તો. તેણે આવા માંડ બે શૉટ માર્યા છે. તમે તેની બૅટિંગ ઍવરેજ અને બીજા નંબર્સ વિશે જાણશો તો સમજાશે કે તમે ભૂલ કરી રહ્યા છો. જોકે આવી ભૂલ દરેક કરતા જ હોય છે. તમારી ટીમના કોચિંગ સ્ટાફમાં જાણીતા નામો છે એમ છતાં તમારા જૂના બૅટ્સમૅનનો પર્ફોર્મન્સ નબળો રહ્યો છે.'

શ્રીકાંતે લખનઊની ટીમ વિશે કહ્યું, `આ ટીમ પ્રગતિ કરી જ નહીં શકે. એના કૅપ્ટનને અને આખી ટીમને શું કરવું એ જ નથી સમજાતું. તેમની બોલિંગ લાઇન-અપ સારી છે, પરંતુ બાકી બધા પાસે કોઈ જ આશા ન રાખી શકાય. તેમણે આયુષ બદોની પાસે દાવની શરૂઆત કરાવી અને એક મૅચમાં તો તેમનો આઉટ-ઑફ-ફૉર્મ બૅટ્સમૅન રિન્કુ સિંહ 6/88ના સ્કોર વખતે પાછો ફૉર્મમાં આવ્યો હતો. આવી હતી આ ટીમની હાલત.'