Thu Jul 23 2026

Logo

જુહુ બીચ પર ૧૦ દિવસમાં ૧,૮૦૦ મેટ્રિક ટન કચરો જમા દરરોજ ૧૮૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ

2026-07-16 19:17:33
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુશળધાર વરસાદ અને તેને કારણે દરિયામાં વહી ગયેલો તેમ જ ભરતીના મોજાંની સાથે ફરી કિનારા પર આવનારા કચરાને ભેગો કરવા અને તેનો નિકાલ કરવા માટે મુંબઈ  મહાનગરપાલિકાએ જુહુ દરિયા કિનારા પર સ્વચ્છતા ઝુંબેશ વધુ તીવ્ર બનાવી છે, જેમાં છેલ્લા ૧૦ દિવસમાં બીચ પરથી લગભગ ૧,૮૦૦ મેટ્રિક ટન કચરો ઉપાડીને તેનો નિકાલ કરવામાં આવ્યો છે.



મુંબઈગરાની સાથે જ પર્યટકોમાં જુહુનો બીચ બહુ પ્રખ્યાત છે. દરરોજ મોટી સંખ્યામાં અહીં પર્યટકો ઉમટતા હોય છે. જોકે છેલ્લા થોડા દિવસ દરમ્યાન મુંબઈમાં રહેલા મુશળધાર વરસાદને પગલે વરસાદના પાણી સાથે મોટા પ્રમાણમાં કચરો દરિયામાં  વહી ગયો હતો. પાલિકાના સ્યુએજ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા હાલ જુહુ બીચ પરથી દરરોજ લગભગ ૧૮૦ મેટ્રિક ટન કચરો હટાવવામાં આવી રહ્યો છે, જેમાં છેલ્લા ૧૦ દિવસમાં જ લગભગ ૧,૮૦૦ મેટ્રિક ટન કચરો હટાવીને તેનો સાયન્ટિફિકલી નિકાલ કરવામાં આવ્યો છે.



પાલિકાના સ્યુએજ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ આ વર્ષે જુલાઈ મહિનાની શરૂઆતના સમયમાં ૧,૦૦૦ મિલીમીટર કરતા વધુ વરસાદની નોંધ થઈ હોવાથી નાનાં નાળાં અને નૈસર્ગિક  પાણીની લાઈનમાંથી તરતો કચરો અરબી સમુદ્રમાં વહીને ગયો હતો. ભરતીના સમયે ઉછળતાં મોજાંને કારણે આ કચરો ફરી કિનારા પર ફેંકાતો હોય છે. તેથી  સ્વચ્છતા વ્યવસ્થા પર વધારાનું દબાણ નિર્માણ થતું હોય છે. જોકે આવી પરિસ્થિતિમાં સ્યુએજ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વધારાની યંત્રણા ઊભી કરીને કિનારાના સ્વચ્છતા પર ભાર આપવામાં આવે છે.

લગગભગ સાત કિલોમીટર લાંબા જુહુ બીચ પર હાલ દરરોજ લગભગ ૩૫૦ મેટ્રિક ટન કચરો કિનારા પર વહીને આવે છે. દરરોજ લગભગ ૧૮૦ મેટ્રિક કચરો હટાવવામાં આવે છે. છેલ્લા ૧૦ દિવસમાં દરિયા કિનારા પાસેથી લગભગ ૧,૮૦૦ મેટ્રિક ટન કચરો હટાવીને તેનો સાયન્ટિફિકલી રીતે નિકાલ કરવામાં આવ્યો છે.



સામાન્ય રીતે પાલિકા દ્વારા જુહુ બીચની સફાઈ માટે બે બીચ ક્લિનિંગ મશીન, બે બૉબકૅટસ્, ૧૦ ડમ્પર, એક જેસીબી બે શિફ્ટમાં સામાન્ય રીતે ૬૦ મેટ્રિક ટન કચરો જમા કરે છે પણ આ વર્ષે ચોમાસામાં  કચરાના પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો. તેતી પાલિકાએ હંમેશાની યંત્રણા સાથે વધારાનું એક બીચ ક્લિનિંગ મશીન, બે બૉબકૅટ્સ, પાંચ ડમ્પર, એક જેસીબી, બે ટ્રેકટર ટ્રોલી, બે પોકલેન મશીન અને ૯૦ વધારાના કર્મચારી બે શિફ્ટમાં તહેનાત કરવામાં આવ્યા હતા.