રાજકારણ, વહીવટી તંત્ર કે જાહેર જીવનના ભ્રષ્ટાચારનો ઉલ્લેખ જ નથી કરાયો ને માત્ર ન્યાયતંત્રના ભ્રષ્ટાચારની જ વાત કરવામાં આવી છે એવા મુદ્દાને લઈને એક પાઠય પુસ્તક સામે દેશની સર્વોચ્ચ અદાલતે આંખ લાલ કરીને એની સામે કામ ચલાવવાનો કડક આદેશ આપ્યો છે, પણ ન્યાયતંત્ર સાથે સંકળાયેલા અનેક લોકો ભૂતકાળની સંખ્યાબંધ ઘટનાઓ ટાંકીને ભારતીય ન્યાયતંત્રમાં ભારોભાર ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એ દિશામાં આંગળી ચીંધે છે.
કવર સ્ટોરી - વિજય વ્યાસ
ભારતમાં સ્કૂલોનાં પાઠ્યપુસ્તકો તૈયાર કરતી ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ જ્યુડિશિયલ કરપ્શન- ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર અંગેના મુદ્દાને સ્પર્શ કર્યો તેમાં તો બબાલ થઈ ગઈ છે. ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં ‘ન્યાયિક ભ્રષ્ટાચાર- જ્યુડિશિયલ કરપ્શન’નું પ્રકરણ સમાવામાં આવ્યું તેમાં તો લાલચોળ થઈ ગયેલા સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતે ‘ન્યાયતંત્રને ખોટું બદનામ કરવામાં આવે છે.’ એવો આક્ષેપ કરીને કડક તપાસના આદેશ આપી દીધા. એની સાથે સુપ્રીમ કોર્ટે જ્યુડિશિયલ કરપ્શન ચેપ્ટરવાળા પુસ્તક પર પ્રતિબંધ મૂકી દીધો કે તરત જ તપાસના આદેશથી ફફડેલા NCERT ના કારભારીઓએ તમામ પુસ્તક બજારમાંથી પાછાં મંગાવી લીધાં છે. એમના કહેવા પ્રમાણે ઈ-બુક અપલોડ થઈ નહોતી અને પુસ્તકની 32 જ નકલો વેચાઈ હતી ને બધી નકલો પાછી ખેંચી લેવાઈ છે. ઉપરાંત નિષ્ણાતોની સલાહને આધારે આખું પ્રકરણ નવેસરથી લખવાની જાહેરાત પણ કરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સ્કૂલમાં ભણતાં છોકરાંને ન્યાયતંત્રના ભ્રષ્ટાચારના પાઠ ભણાવાય તેની સામે નારાજગી વ્યક્ત કરી હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે NCERT સહિતની સંસ્થાઓ આવી ચાંપલાશ સરકારના ઈશારે જ કરતી હોય છે. આ કિસ્સામાં આ સંસ્થા NCERT એ જાતે જ દોઢ ડહાપણ કરેલું, પણ પછી સુપ્રીમ કોર્ટના આકરા તેવર જોઈને સરકાર ફફડી ગઈ એ ખબર નથી પણ મોદીની નારાજગી પછી શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને પણ બિનશરતી માફી માગી લીધી. સરકારે પુસ્તક લખનારા બે લેખકોને આ અક્ષમ્ય ભૂલ બદલ પાઠ્યપુસ્તકો લખવા પર આજીવન પ્રતિબંધ જાહેર કરી દીધા છે.
આ પછી પણ સુપ્રીમ કોર્ટ ઠંડી પડી નથી એ જોતાં NCERT ટીમાંથી હજુ બીજા બે-ચારને બલિના બકરા બની જશે એવું લાગે છે.
સુપ્રીમ કોર્ટને આ પ્રકરણમાં બે મુદ્દે વાંધો પડ્યો છે. પહેલો વાંધો એ છે કે, રાજકારણ, વહીવટી તંત્ર કે જાહેર જીવનના ભ્રષ્ટાચારનો ઉલ્લેખ જ નથી કરાયો ને માત્ર ન્યાયતંત્રના ભ્રષ્ટાચારની જ વાત કરવામાં આવી છે.
બીજો વાંધો એ છે કે, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારની વાત પાયાવિહોણી હોવા છતાં છોકરાંને આ વાતો ભણાવીને તેમના માનસમાં ન્યાયતંત્ર વિરુધ્ધ ઝેર ભરવામાં આવી રહ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તે તો તેની પાછળ કોઈ કાવતરું હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે અને આ કેસની તપાસ પોતે જ કરશે એવું એલાન પણ કર્યું છે.
ચીફ જસ્ટિસની તપાસમાં શું બહાર આવશે એ ખબર નથી પણ સુપ્રીમ કોર્ટ ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચારના મુદ્દે વણજોઈતી આક્રમકતા બતાવી રહી હોય એવું લાગે છે. ચીફ જસ્ટિસે આક્રોશ ઠાલવ્યો છે કે, આ દેશના ન્યાયતંત્રને ભ્રષ્ટ ગણાવીને બદનામ કરવાનો કોઈને અધિકાર નથી. વાસ્તવમાં ન્યાયતંત્ર સાથે સંકળાયેલા સંખ્યાબંધ લોકો જ પહેલાં કહી ચૂક્યા છે કે, ભારતીય ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે.
સંખ્યાબંધ ઘટનાઓ એવી બની છે કે, જેના કારણે ન્યાયતંત્ર ભ્રષ્ટ હોવાનું સાબિત થાય. આમ છતાં દેશની સુપ્રીમ કોર્ટ પોતે એ ઘટનાઓને ધ્યાનમાં લેવા પણ તૈયાર નથી એ જોઈને આઘાત લાગે છે. સુપ્રીમ કોર્ટ વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીને ન્યાયતંત્રનાં પાપો પર પડદો ઢાંકવા મથી રહી હોય એવું લાગી રહ્યું છે.
આપણા ચીફ જસ્ટિસને ભલે લાગતું હોય કે, ન્યાયતંત્ર દૂધે ધોયેલું છે પણ કેટલીક ઘટનાઓ પર નજર નાંખશો તો સમજાશે આ વાત વાસ્તવિકતાથી સાવ વેગળી છે. ભારતીય ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર પ્રવર્તે છે તેનો સૌથી મોટો પુરાવો જસ્ટિસ રામાસ્વામી સામેની ઈમ્પિચમેન્ટ મોશન છે. સુપ્રીમ કોર્ટના જજ વી. રામાસ્વામી સામે ભ્રષ્ટાચાર મુદ્દે 1993માં મહાભિયોગની કાર્યવાહી કરવામાં આવી હતી. ભારતમાં ઈમ્પીચમેન્ટ મોશન લાવીને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હોય તેવા રામાસ્વામી પહેલા જજ હતા. જસ્ટિસ રામાસ્વામીએ પંજાબ અને હરિયાણા (ચંદીગઢ) હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોવાથી તેમની સામે ઈમ્પિચમેન્ટ મોશન દાખલ થયેલી. જોકે આ દરખાસ્ત પસાર ના થતાં રામાસ્વામી બચી ગયેલા પણ તેમની સામેનો ભ્રષ્ટાચારનો કેસ હોવાનું સંસદીય સમિતીએ સ્વીકારેલું તેથી એ દૂધે ધોયેલા તો નહોતા.
આ જ રીતે કોલકાતા હાઈકોર્ટના જજ જસ્ટિસ સૌમિત્ર સેન સામે 2011માં નાણાકીય ગેરરીતિઓનો આક્ષેપ લાગ્યો હતો.
રાજ્યસભામાં તેમની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવા બહુમતીથી મતદાન થયું હતું પણ લોકસભામાં કાર્યવાહી એ પહેલાં જસ્ટિસ સેને રાજીનામું આપી દીધું હતું. સિક્કિમ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પી. ડી. દિનાકરન સામે પણ ઈમ્પિચમેન્ટની કાર્યવાહી શરૂ થવાની હતી પણ તેમણે પણ રાજીનામું ધરીને બેશરમીથી બચવાનું પસંદ કરેલું. 2016માં આંધ્ર પ્રદેશ અને તેલંગણા હાઇ કોર્ટના જસ્ટિસ નાગાર્જુન રેડ્ડીએ એક દલિત જજ સામે ક્ધિનાખોરી રાખવા બદલ રાજ્યસભાના 61 સભ્યે મહાભિયોગની અરજી કરી હતી. બાદમાં 54 સભ્યે અરજી પાછી ખેંચતાં જસ્ટિસ રેડ્ડી આબાદ ઉગરી ગયા હતા.
આ તો હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની વાત કરી, બાકી નીચલી અદાલતોમાં તો આવા ખરડાયેલા જજોનો તોટો નથી. શાંતિ ભૂષણે 2010માં સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કરેલો કે, સુપ્રીમ કોર્ટના આઠ ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ ભ્રષ્ટ હતા. સુપ્રીમ કોર્ટે ભૂષણની અરજીને સ્વીકારીને તપાસના આદેશ નહોતા આપ્યા પણ જસ્ટિસ રાજેન્દ્રમલ લોઢા ભારતના ચીફ જસ્ટિસ બન્યા ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે, ભારતીય ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર છે અને આ ગંભીર સમસ્યા છે.
હવે ચીફ જસ્ટિસ લોઢા જે વાત સ્વીકારી ચૂક્યા છે એ વાત જસ્ટિસ સૂર્યકાંતને આકરી લાગે છે. સુપ્રીમ કોર્ટનાં જજ જસ્ટિસ રૂમા પાલે સાથીઓના અન્યાય વર્તન સામે ચૂપ રહેવું, ન્યાયતંત્રની સ્વતંત્રના નિયમોના ધજાગરા ઉડાડવા, જજોની નિમણૂકમાં ભ્રષ્ટાચાર,સગાવાદ,અહંકાર વગેરે સાત પાપ ઉચ્ચ ન્યાયતંત્રમાં ઘૂસી ગયાં છે એવું નિવેદન કરીને સૌને ઉઘાડા પાડી દીધેલા.
જજો ભ્રષ્ટાચારના કેસમાં સામેલ હોય એવી ઘટનાઓ પણ બની છે. હજુ થોડા સમય પહેલાં જ દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ઘરે લાગેલી આગ બુઝાવવા ગયેલા ફાયર બ્રિગેડના જવાનોને કરોડો રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. આ ઘટનામાં લાગતા-વળગતાએ ભીનું સંકેલવા બહુ મથામણ કરી હતી.
આમ ભારતના ન્યાયતંત્રમાં પ્રવર્તતા ભ્રષ્ટાચારનું આ ટ્રેલર છે ને આવા ઢગલાબંધ કિસ્સા છે તેમ છતાં સુપ્રીમ કોર્ટને લાગતું હોય કે, ન્યાયતંત્ર દૂધે ધોયેલું છે તો કોઈ શું કરી શકે? પણ શાહમૃગ રેતીમાં મોં છૂપાવી લે તેના કારણે તોફાન નથી એવું થોડું સાબિત થાય?
5.4 કરોડ પેન્ડિંગ કોર્ટ કેસ નિકાલ કરતાં 300 વર્ષ લાગે !
ભારતીય અદાલતોમાં અત્યારે 5.4 કરોડથી વધુ કેસ પેન્ડિંગ છે. આ પૈકી 4.7 કરોડથી વધુ કેસ જિલ્લા અને નીચલી અદાલતોમાં છે. આમાં સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટો પણ પાછળ નથી. હાઈ કોર્ટોમાં લગભગ 63 લાખથી વધુ જ્યારે સુપ્રીમ કોર્ટમાં 87 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે. હવે કોઈ નવા કેસ ના આવે તો પણ આ કેસોનો નિકાલ કરવામાં 300 વર્ષથી વધુ સમય લાગી શકે છે !
મોટા ભાગના કેસો પેન્ડિંગ હોવાનું કારણ ન્યાયતંત્રમાં પ્રવર્તતો ભ્રષ્ટાચાર છે. વકીલો -ન્યાયાધીશોની સાંઠગાંઠમાં કેસો લંબાવ્યા કરે છે અને અસીલોને ખંખેર્યા કરે છે. વકીલો સાથેની સાંઠગાંઠમાં ન્યાયાધીશો તારીખ પર તારીખ આપ્યા કરે તેમાં ઘણા કેસો તો 40-40 વર્ષથી પેન્ડિંગ છે. લગભગ 1.80 લાખથી વધુ કેસ 30 વર્ષથી વધુ સમયથી પેન્ડિંગ છે.
આ કેસોમાં 66 ટકાથી વધુ પેન્ડિંગ સિવિલ કેસ છે ને મોટા ભાગના જમીન અને મિલકતના વિવાદોને લગતા છે.
આ બધા વચ્ચે અદાલતો આકરું વલણ અપનાવીને અસીલોને સમાધાન કરવાની સૂચના આપે તો તરત નિવેડો આવી જાય,પણ તેના કારણે વકીલો અને ન્યાયાધીશોની દુકાન બંધ થઈ જાય તેથી અનેક કેસ અવિરત ચાલ્યા જ કરે છે.