નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયાઈ દેશોમાં કટોકટી પ્રવર્તી રહી હોવા છતાં સ્થાનિક સ્તરે દેશમાં ફર્ટિલાઈઝરનો સ્થાનિક માગ સંતોષી શકાય તેટલો પર્યાપ્ત સ્ટોક હોવાથી ખેડૂતોએ ચિંતિત થવાની જરૂર ન હોવાનું કેન્દ્રીય રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન જે પી નડ્ડાએ આજે જણાવ્યું હતું.
ભારતે માત્ર આ જ નહીં, પરંતુ ઘણી કટોકટી જોઈ છે. આપણી પાસે ફર્ટિલાઈઝરનો પૂરતો પુરવઠો છે અને કોઈ ચિંતા કરવાની કે ભીતિ રાખવાની જરૂર ન હોવાનું તેમણે ફર્ટિલાઈઝર કંપનીઓ અને ગ્રીન એમોનિયા ડેવલોપર્સ સાથે પુરવઠા કરાર કરતા જણાવ્યું હતું.
આ કરારને ઐતિહાસિક અને આગોતરાં પગલાં રૂપના કરાર તરીકે લેખાવતા તેમણે હિન્દીમાં કહ્યું હતું કે `આપદામે અવસર ઢૂંઢના હૈ' અને તેની શરૂઆત ગ્રીન એમોનિયાથી થઈ છે. સરકાર ફર્ટિલાઈઝર ક્ષેત્રમાં આયાત નિર્ભરતા ઘટાડવા અને આત્મનિર્ભર થવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
ગત નાણાકીય વર્ષ 2024-25માં દેશમાં 306.67 લાખ ટન યુરિયાનું ઉત્પાદન થયું હતું અને સ્થાનિક માગ સંતોષવા માટે 56.47 લાખ ટન ન્યુટ્રિયન્ટની આયાત કરી હતી, જ્યારે વર્તમાન નાણાકીય વર્ષના પહેલા 11 મહિનામાં દેશમાં 98 લાખ ટન યુરિયાની આયાત થઈ છે. નોંધનીય બાબત એ છે કે ગત સોમવારે સરકારે એક અધિકૃત યાદીમાં જણાવ્યું હતું વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા સ્થાનિકમાં યુરિયાના ઉત્પાદન પર પર માઠી અસર થઈ છે અને ડિપાર્ટમેન્ટ ઑફ ફર્ટિલાઈઝર માઠી અસર હળવી કરવાં પગલાં લઈ રહ્યું છે.
પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર વર્ષ 2026ની ખરીફ મોસમમાં ફર્ટિલાઈઝરની આવશ્યકતા ગત વર્ષ 2025ની ખરીફ મોસમના 361 લાખ ટનના વાસ્તવિક વેચાણ સામે 390 લાખ ટનની છે. જોકે, હાલમાં કુલ સ્ટોક ગત સાલના 147 લાખ ટન સામે 180 લાખ ટનનો છે. જોકે, કૃષિ માટે એપ્રિલ અને મે મહિનાનો સમયગાળો મંદ રહેતો હોય છે આમ આગામી ખરીફ મોસમ પૂર્વે પર્યાપ્ત સ્ટોક રહેશે.
એકંદરે હાલના તબક્કે તમામ પ્રકારના ફર્ટિલાઈઝર દેશમાં ઉપલબ્ધ છે. તેમ જ આગામી અઢી મહિના સુધી ફર્ટિલાઈઝરની કોઈ આવશ્યકતા પણ નથી, એમ સરકારે જણાવ્યું હતું. જોકે, ફર્ટિલાઈઝરની આયાતના મુખ્ય સ્રોત અખાતી દેશો છે. જે યુરિયાની આયાતનો 20થી 30 ટકા અને ડીએપીની આયાતનો 30 ટકા હિસ્સો ધરાવે છે. તેમ જ તેઓ દેશની કુલ લિક્વિફાઈડ નેચરલ ગૅસની આયાત પૈકી 50 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે ઈન્ટરમિડિએટ્સ અને કાચા માલ ગણાતા એમોનિયા, સલ્ફર અને સર્ફ્યુરિક એસિડની ખેંચને કારણે પી ઍન્ક કે ફર્ટિલાઈઝરના ઉત્પાદન પર પણ અસર થઈ છે.