Sun Sep 06 2026

Logo

ફીલ્ડિંગ-લેજન્ડ જૉન્ટીએ વિરાટની વાહ-વાહ કરતા કહ્યું કે...

2026-08-11 21:20:01
Author: Ajay Motiwala
ફીલ્ડિંગ-લેજન્ડ જૉન્ટીએ વિરાટની વાહ-વાહ કરતા કહ્યું કે...

મુંબઈઃ ક્રિકેટ જગતના સર્વશ્રેષ્ઠ ફીલ્ડર ગણાતા સાઉથ આફ્રિકાના જૉન્ટી રહોડસના મતે ભારતીય ટીમમાં જે પરિવર્તન આવ્યું છે એનું શ્રેય વિરાટ કોહલીને જવો જોઈએ. ભારતીય ટીમને (માનસિક અને શારીરિક રીતે) વધુ ફિટ બનાવવા અને ખેલાડીઓને ફીલ્ડિંગમાં વધુ ચપળ બનાવવામાં વિરાટ (Virat)ની મોટી ભૂમિકા રહી હોવાનું જૉન્ટીનું માનવું છે.

જૉન્ટી (Jonty)એ અહીં મંગળવારે એક યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગ (ઇટીપીએલ)ની ટીમ રૉટરડૅમ ડૉકર્સની એક ઇવેન્ટ દરમ્યાન કહ્યું કે `વિરાટે ભારતીય ટીમમાં એવું કલ્ચર ઊભું કર્યું છે જેમાં ખેલાડીઓ ફિટનેસ તથા ફીલ્ડિંગને ઉપલા સ્તર સુધી લઈ ગયા છે. ભારતીય ટીમના પરિવર્તનમાં એમએસ ધોનીનો પણ મહત્ત્વનો રોલ રહ્યો છે, પણ વિરાટે ટીમમાં એક એવો ઢાંચો ઊભો કર્યો છે

જેમાં તેણે ખેલાડીઓને એવું માનતા કરી દીધા છે કે દરેક પ્લેયરે ફિટ રહેવું જ પડે અને ચપળ ફીલ્ડર બનવું જ પડે. સામાન્ય રીતે કહું તો મારી કરીઅરના દિવસો બાદ મેં જોયું છે કે ખુદ ખેલાડીઓ ફીલ્ડિંગનું ધોરણ ઉપર લાવવા સ્વેચ્છાએ બહુ સારી પહેલ કરતા જોવા મળ્યા છે.'

જૉન્ટી અને બૉલીવૂડ અભિનેતા જૉન અબ્રાહમ રૉટરડૅમ ટીમના સહ-માલિક છે. જૉન્ટીના મતે `ભવિષ્યમાં વન-ડેની ઓછી દ્વિપક્ષી સિરીઝો જોવા મળશે, પરંતુ 50 ઓવરવાળા ફૉર્મેટ વિનાની ક્રિકેટની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ક્રિકેટચાહકો કોઈ પણ ફૉર્મેટમાં પોતાની પસંદગીની ટીમને સપોર્ટ કરવાના જ છે.'

જૉન્ટીનું એવું પણ માનવું છે કે ટી-20 ક્રિકેટ રમાવાની શરૂ થઈ ત્યારે લોકો કહેતા કે ટેસ્ટ ક્રિકેટ પર પ્રેશર આવશે. જોકે એવું તો ન થયું, કેટલીક ટેસ્ટ મૅચો ટી-20 જેવી રમાતી જોવા મળી. ટેસ્ટમાં થોડી આક્રમક બૅટિંગ-બોલિંગ જોવા મળી છે.'