Sun Sep 06 2026

Logo

જોગેશ્વરીમાં પથ્થર ફટકાર્યા પછી પત્નીનું ગળું ચીર્યું: પતિની ધરપકડ

2026-07-15 18:09:46
Author: Yogesh C. Patel
જોગેશ્વરીમાં પથ્થર ફટકાર્યા પછી પત્નીનું ગળું ચીર્યું: પતિની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
કામ માટે અમરાવતીથી મુંબઈ આવેલા દંપતી વચ્ચે વિવાદ થતાં પતિએ પત્નીની કરપીણ હત્યા કરી હોવાની ઘટના જોગેશ્વરીમાં બની હતી. પથ્થર ફટકાર્યા બાદ છરીથી પત્નીનું ગળું ચીરી ફરાર થઈ ગયેલા પતિને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો.

ઓશિવરા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ ધીરજ કલેક્ટર પવાર (35) તરીકે થઈ હતી. પત્ની ઝુમરી પવાર(30)ની હત્યાના આરોપસર ધરપકડ કરાયેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
અમરાવતીનું પવાર દંપતી ત્રણ સંતાન સાથે સમયાંતરે મુંબઈમાં રોજગાર માટે આવતું. દંપતી વચ્ચે છેલ્લા અમુક સમયથી ઘરેલુ વિવાદ હતો.

પોલીસના જણાવ્યા મુજબ સોમવારે પવાર દંપતી સંતાનો સાથે મુંબઈ આવ્યું હતું. જોગેશ્ર્વરી પશ્ર્ચિમમાં આદર્શ નગર ઝૂંપડપટ્ટીમાં સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ દંપતી વચ્ચે નજીવી બાબતને લઈ ઝઘડો થયો હતો. ગુસ્સામાં પવારે રસ્તા પરથી પથ્થર ઊંચકી પત્નીને માર્યો હતો. પછી છરીથી ગળું ચીરી પત્નીની હત્યા કરી હતી.

લોહીલુહાણ હાલતમાં જમીન પર ફસડાઈ પડેલી પત્નીને છોડી આરોપી ફરાર થઈ ગયો હતો. રાહદારીએ ઝુમરીને લોહીના ખાબોચિયામાં પડેલી જોઈ પોલીસ ક્ધટ્રોલ રૂમને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ઓશિવરા પોલીસ મહિલાને ટ્રોમા કૅર સેન્ટરમાં લઈ ગઈ હતી, જ્યાં તબીબે તેને મૃત જાહેર કરી હતી.

આ પ્રકરણે ઓશિવરા પોલીસે ગુનો નોંધી આરોપીની શોધ હાથ ધરી હતી. પોલીસ અધિકારીઓની અલગ અલગ ટીમ તપાસમાં લાગી ત્યારે આરોપી બેહરામબાગમાં નજરે પડ્યો હોવાની માહિતી મળી હતી. બુધવારના મળસકે પવારને તાબામાં લેવાયો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેણે ગુનો કબૂલ્યો હોવાનો દાવો પોલીસે કર્યો હતો.