Thu May 14 2026

Logo

આજે હાર્દિક અને સૂર્યા નહીં રમે તો કદાચ બુમરાહ બનશે કૅપ્ટન

2026-05-14 16:50:00
Author: Ajay Motiwala
Article Image

ધરમશાલાઃ હિમાચલ પ્રદેશનું ધરમશાલા કાતિલ ઠંડી માટે જાણીતું છે, પણ હાલમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમમાં જે ગરમાટો છે એ જલદી દૂર થઈ જાય અને બધુ ઠીકઠાક થઈ જાય એવી એના અસંખ્ય ચાહકોને આશા હશે, પરંતુ એક અહેવાલ એવું જણાવે છે કે ધરમશાલામાં પંજાબ કિંગ્સ (PBKS) સામે આજે (સાંજે 7.30 વાગ્યાથી) રમાનારી મૅચમાં કદાચ હાર્દિક પંડ્યા તેમ જ સૂર્યકુમાર યાદવ નહીં રમે અને તેમની ગેરહાજરીમાં જસપ્રીત બુમરાહને ટીમના નેતૃત્વની જવાબદારી સોંપવામાં આવશે.

રોહિત શર્મા મોટા ભાગે રમવાનો જ છે, પણ ટીમનું ફ્રૅન્ચાઇઝી તેને સુકાન સંભાળવા કહેશે એની સંભાવના બહુ ઓછી છે. એ જવાબદારી માટે બુમરાહ તેમ જ તિલક વર્મા દાવેદાર છે. હાર્દિક અને સૂર્યા બુધવારે ધરમશાલામાં ટીમ સાથેના પ્રૅક્ટિસ-સેશનમાં નહોતા. કારણ એ છે કે તેઓ હજી ત્યારે ધરમશાલામાં આવ્યા જ નહોતા. હાર્દિકે તો મંગળવારે મોડી રાતે નવી મુંબઈના રિલાયન્સ કોર્પોરેટ પાર્કમાં પ્રૅક્ટિસ કરી હતી.

33 વર્ષનો બુમરાહ અગાઉ કેટલીક વાર ભારતીય ટીમનું સુકાન સંભાળી ચૂક્યો છે એટલે તેના પર કળશ ઢોળાવાની વધુ સંભાવના છે. તે 2013થી (13 વર્ષથી) મુંબઈની ટીમ સાથે જોડાયેલો છે.

હાર્દિક પીઠના દુખાવાને કારણે છેલ્લી બે મૅચમાં નહોતો રમ્યો. તે ત્રીજી મૅચમાં પણ નહીં રમે એવી ચર્ચા વચ્ચે સૂર્યકુમાર વિશે કહેવાય છે કે તેની પત્ની દેવિશાએ તાજેતરમાં જ બાળકીને જન્મ આપ્યો અને સૂર્યા પત્ની-પુત્રી પાસે રહેવા માટે કદાચ પંજાબ સામેની મૅચમાં નહીં રમવાનો હોય. મુંબઈનું ફ્રૅન્ચાઇઝી ખેલાડીઓના પરિવારની બાબતમાં ખૂબ સંવેદનશીલ અને સહકારભર્યું વલણ રાખતું હોવાથી સૂર્યાને આસાનીથી પૅટરનિટી લીવ મળી ગઈ હશે એવું કહી શકાય.