અરાઉન્ડ ધ વર્લ્ડઃ પ્રતીક્ષા થાનકી
જાપાનમાં ઓસાકાની કુરોમોન ઇચિબા માર્કેટમાં ભીડ સામે જતાં લાગ્યું કે અહીં ઘણી મજા તો કરી છે પણ હવે ઘરે જવું છે. રોજનાં સરેરાશ વીસ હજાર સ્ટેપ્સ ચાલવામાં જોવા તો ઘણું મળતું હતું પણ હવે ઠૂસ થઈ જવાયું હતું. હજી સુધી નાની-મોટી શોપિંગ થઈ હતી, પણ હવે છેલ્લા દિવસના શોપિંગ માટે ઓસાકાના સબર્બનું આઉટલેટ જવા માટે સજ્જ થયાં.
જાપાનમાં માત્ર શોપિંગ કરવાના હેતુથી પણ જઈ શકાય. ત્યાંની સાધારણ દુકાનો પણ અલગ સ્તરની ક્વોલિટી બનાવે છે. અને ત્યાંની સ્થાનિક બ્રાન્ડ્સ જે આંતરરાષ્ટ્રીય સ્તરે માર્કેટિગ ન કરતી હોય તો પણ ત્યાંથી શંકાસ્પદ ચીજ મળવાના ચાન્સ ઓછા છે. વળી ત્યાં દુનિયાભરની બ્રાન્ડ્સ પણ જાપાનિફાય કરી દેવામાં આવી હોય તેવું લાગતું હતું. એવામાં ત્યાંની જાણીતી ચોકલેટોની ફ્લેવર્સ વચ્ચે માચા અને સાકુરા ફ્લેવરની પણ બોલબાલા હતી. જે પણ દેખાતું હતું તે લઈ લેવાની ઇચ્છા થઈ જતી હતી. ત્યાં એકદમ ગીચ વિસ્તાર હોવા છતાં દુકાનોનો જાણે કોઈ અંત જ નહોતો આવતો.
તે સમયે તો મિત્સુઈ આઉલેટમાં અમને થોડાં લોકો તો તેમની એરપોર્ટ જવાની બેગ્સ સાથે જ દેખાયાં. આમ પણ આ આઉટલેટ અને તેનું ટે્રન સ્ટેશન ઓસાકા એરપોર્ટ જતાં રસ્તામાં આવે એ રીતે પ્લાન પણ બનાવી શકાય. જોકે એટલી બધી છેલ્લી ઘડીની દોડધામ કરવાની હવે ક્ષમતા પણ બાકી રહી ન હતી.
સબવેથી આઉટલેટને જોડતા બ્રિજની એક તરફ એક બીચ પર મેળા જેવો માહોલ હતો. ત્યાં ઊભાં રહીને થોડી વાર સનસેટ જોવાનો પણ મેળ પડી જ ગયો. ત્યાં ઘણી ઈમારતોને જોઈને તો લાગતું હતું કે કોઈ પોલિટિકલ કે બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં આવી ગયાં હોઈએ, પણ તે બધી ઈમારતોમાં અંદર તો દુકાનો જ હતી. થોડો વિસ્તાર સાવ સાધારણ મોલ જેવો પણ હતો. અને સ્વાભાવિક છે જ્યાં મોલ હોય ત્યાં પણ ફૂડ કોર્ટ જેવો વિસ્તાર તો હોય જ. તે પણ અહીં જાપાનીઝ ખાણીપીણીની બજાર જેવો હતો.
એવામાં ત્યાં સ્થાનિકોમાં લોકપ્રિય ફુગુ ફિશના સ્ટોલ દેખાયા. તે પહેલાં કુરોમોનમાં પણ દેખાયેલા. ફુગુ ફિશ જોવામાં એટલી નાનકડી ગોળમટોળ લાગતી હતી કે તેને ચાખવા સુધી વાત જ ન પહોંચી. પણ ઓસાકાનાં લોકોને આ ફુગુ ફિશ એટલી ગમે છે કે તે ત્યાં ઘણાં સ્વરૂપોમાં મેસ્કોટ તરીકે જોવા મળી જાય છે. અને ખરી ફુગુ ફિશ અને ઓસાકા અને જાપાનભરનાં જળચર જીવો તો ઓસાકાના કૈયુકાન એક્વેરિયમમાં જ જોવા મળી ગયેલા. ત્યાં વ્હેલથી માંડીને શાર્ક સુધીની માછલીઓ તો જોવાની મજા હતી જ, પણ ત્યાં વધુ મજા ત્યાંનું આર્કિટેક્ચર જોઈને આવી હતી.
બાળકો સાથે આવ્યાં હોય તો પહેલાં સીધું જ એક્વેરિયમ જવાનું પણ કામ થઈ શકે. અમને પણ થયું કે ત્યાં સાવ છેલ્લા દિવસે જવાને બદલે થોડું વહેલાં ગયાં હોત તો અમે પણ ત્યાં વધુ સમય વિતાવ્યો હોત. શોપિંગ અને મ્યુઝિયમો પણ ઓસાકાની સૌથી યાદગાર સાઇટને ઓવરશેડો કરી શક્યાં નહીં. અમે ખાસ નામ્બા યાસાકા શ્રાઇનની ઇમારતને જાવા માટે લાંબો સમય રોકાયેલાં.
શ્રાઇન તો નાનકડી હતી, પણ ત્યાંનો દરવાજો જ સિંહનું માથું હોય તેવો હતો. વળી આ સિંહનું મોંઢું ભલે મંદિરનું પ્રવેશદ્વાર હોય, તેની સાથે લોકવાયકા એ જોડાયેલી છે કે તે સિંહ દરેક પ્રકારની મુસીબતોને ખાઈ જાય છે. ત્યાં પણ બાકીની જાપાનીઝ શ્રાઇનની જેમ લાકડાની નાની પેલેટ્સ પર લોકો પોતાની ઇચ્છાઓ અને પ્રાર્થનાઓ લખી જતાં હતાં. અહીંનાં પારંપરિક શ્રાઇનના ઓરેન્જ રંગના દરવાજાઓ તો હવે મનમાં જાપાનના વિચાર સાથે કાયમ માટે જોડાઈ ગયા હતા. આ ટ્રિપમાં જોયેલી છેલ્લી શ્રાઇનના દરવાજા તરીકે આમ સિંહનું મોઢું જાઈને લાગ્યું કે જાણે ત્યાં મનને શાંતિ મળવી જરૂર મુશ્કેલ બની જતી હશે.
આગલી સવારે ઓસાકા એરપોર્ટ નીકળીએ તે પહેલાં છેલ્લી સાઇટ હતી નિન્ટેન્ડો મ્યુઝિયમની. આ મ્યુઝિયમ જવા માટે મારી જર્મનીમાં રહેતી બ્રિટિશ મિત્ર બાર્બરાએ ખાસ સૂચવેલું. તે પહેલાં નિન્ટેન્ડોના જ ક્નટેટ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. નિન્ટેન્ડોના નામથી ગેમિંગમાં જરા પણ રસ રાખનારાં ભાગ્યે જ અજાણ હશે. પોકિમોન, કિર્બી અને મારિયો જેવી ગેમ્સને કારણે નિન્ટેન્ડો લોકપ્રિય તો છે જ, તેની જૂના જમાનાની ગેમ-બોયને એંસી-નેવુંના દશકમાં જે પણ રમ્યું છે તે આજે પણ તેને ભૂલી શક્યું નહીં હોય.
ગેમિંગની દુનિયામાં વાર્તાઓ કઈ રીતે બને છે, વીડિયો ગેમ હોય કે પત્તાંની ગેમ, કે પછી બોર્ડ ગેમ, આ બધું કઈ રીતે બને છે તે વિગતે જાણવા મળી રહ્યું હતું. અને તો સૌથી વધુ રાહત એ વાતની હતી કે ત્યાં વધુપડતું ચાલવું પડે તેમ ન હતું. મ્યુઝિયમમાં પ્રવેશતાની સાથે જ દરેક મુલાકાતીને ટિકિટ સાથે દસ કોઈનનું એક કાર્ડ આપવામાં આવે છે.
મ્યુઝિયમના વિવિધ ભાગમાં અનુભવો અને ગેમ્સમાં આ કોઈન્સ વાપરીને મ્યુઝિયમનો વધુ આનંદ ઉઠાવી શકાય તેમ હતું. ત્યાં મ્યુઝિયમના ભાગ રૂપે જ જાતે એક પત્તાંની ગેમ બનાવવા પણ મળી હતી. ગેમ્સનાં સ્ટોરી બોર્ડ કઈ રીતે બને એ જાણીને તો ઓર મજા પડી. ત્યાં પણ સવારથી સાંજ રહીને ઘણી ગેમ્સ અને ક્રિયેટિવ ઇવેન્ટ્સમાં ભાગ લઈ શકાય. ત્યાંનાં લોકલ આર્િટસ્ટ, ત્યાંની હિસ્ટ્રી, બધું એટલું આયોજનથી ડિસ્પ્લે પર હતું કે આવા ઓફ-બીટ સબ્જેક્ટ પરની જાપાનની માસ્ટરી સાફ નજરે પડી રહી હતી.
જાપાનમાં રામેન મ્યુઝિયમથી માંડીને માંગા મ્યુઝિયમ અને સ્ટુડિયો જિબલીનું મ્યુઝિયમ અને ટીમ-લેબ્સનું વિઝુઅલ ટેકનોલોજીનું મ્યુઝિયમ, બધું જ એવી રીતે માણવા મળેલું કે ત્યાં જોયેલું અને અનુભવેલું બધું પ્રોસેસ કરવામાં પણ લાંબો સમય લાગવાનો હતો. થાક ભલે ગમે તેટલો લાગ્યો હોય, જાપાનને અલવિદા કહેવાનું ધાર્યા કરતાં જરા વધુ મુશ્કેલ લાગતું હતું.