Mon Oct 05 2026

Logo

ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે પદયાત્રિકો સપડા પહોંચ્યા; સિદ્ધિ વિનાયક ધામમાં ભક્તિનો માહોલ

2026-09-14 11:10:00
Author: Mayur Patel
ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે પદયાત્રિકો સપડા પહોંચ્યા; સિદ્ધિ વિનાયક ધામમાં ભક્તિનો માહોલ

 જામનગર: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સપડા ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજીના મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ગણેશજીના દર્શન માટે જામનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સપડા ગામે પહોંચ્યા હતા.

 ગણેશ ચતુર્થી નિમિત્તે જામનગરથી રાત્રિના સમયે મોટી સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા સપડા ગામ તરફ નીકળ્યા હતા. વહેલી સવારે પદયાત્રીઓ મંદિર ખાતે પહોંચીને શ્રી સિદ્ધિ વિનાયક ગણેશજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ઠેરઠેર સેવા કેમ્પો

પદયાત્રીઓની સુવિધા અને સેવા માટે જામનગરથી સપડા ગામ સુધીના માર્ગમાં ઠેરઠેર સેવાભાવી સંસ્થાઓ તથા કાર્યકરો દ્વારા સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પોમાં પદયાત્રીઓ માટે ઠંડા પીણાં, ચા, ગાંઠિયા, ભજીયા, ચીપ્સ સહિત વિવિધ ફરાળી વાનગીઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

 સેવાભાવી કાર્યકરો દ્વારા પદયાત્રીઓની સેવા માટે કરવામાં આવેલી વ્યવસ્થાને શ્રદ્ધાળુઓએ આવકારી હતી. સમગ્ર માર્ગ પર ભક્તિમય વાતાવરણ વચ્ચે ગણેશ ચતુર્થી પર્વની શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ગણેશોત્સવનો પાવન પર્વ રાજ્યભરમાં શાંતિપૂર્ણ, સલામત અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. તાજેતરમાં રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા તેમજ જિલ્લા પોલીસ વડાઓ સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠક દરમિયાન ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટેના સુરક્ષા આયોજનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.