Sun Sep 13 2026

Logo

ગાઝામાં ઇદની પૂર્વ સંધ્યાએ ઇઝરાયેલની એર સ્ટ્રાઇક, હમાસના નવા મિલિટ્રી ચીફને કર્યા ટાર્ગેટ

2026-05-27 08:37:47
Author: Mumbai Samachar Team
ગાઝામાં ઇદની પૂર્વ સંધ્યાએ ઇઝરાયેલની એર સ્ટ્રાઇક, હમાસના નવા મિલિટ્રી ચીફને કર્યા ટાર્ગેટ

નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ગાઝામાં ફરી એકવાર મોટા હવાઈ હુમલા થયા છે. મંગળવારે મોડી રાત્રે ઇઝરાયેલી સેનાએ ગાઝા સિટીમાં બે એરસ્ટ્રાઇક કરી, જેમાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય 12 લોકો ઘાયલ થયા છે. આ હુમલો ઇદ-ઉલ-અઝહા (બકરી ઇદ)ના એક દિવસ પહેલા થયો, જ્યારે ગાઝાના લોકો તહેવારની તૈયારીઓમાં વ્યસ્ત હતા.

ઇઝરાયેલનો દાવો છે કે આ સર્જિકલ સ્ટ્રાઇકમાં તેમણે હમાસની સૈન્ય પાંખના નવા કમાન્ડર મોહમ્મદ ઓદેહને નિશાન બનાવ્યો છે, જે 7 ઓક્ટોબર 2023ના રોજ ઇઝરાયેલ પર થયેલા હુમલાનો મુખ્ય રણનીતિકાર હતો.

બે અઠવાડિયામાં હમાસના બીજા સૈન્ય વડા પર હુમલો

ઇઝરાયેલે આ મોટી કાર્યવાહી હમાસના અગાઉના મિલિટરી ચીફ ઇજ્જ અલ-દીન અલ-હદાદને ઠાર કર્યાના બરાબર બે અઠવાડિયા પછી કરી છે. અલ-હદાદના મોત બાદ હમાસે માત્ર એક અઠવાડિયા પહેલા જ મોહમ્મદ ઓદેહને પોતાની સૈન્ય પાંખની કમાન સોંપી હતી, પરંતુ ઇઝરાયેલી ગુપ્તચર તંત્રે તેને બચવાની તક આપ્યા વિના જ નિશાન બનાવી લીધો. હાલમાં આ હવાઈ હુમલામાં ઓદેહ માર્યો ગયો છે કે નહીં, તેને લઈને હમાસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ગાઝાની શિફા હોસ્પિટલના વહીવટીતંત્રે પુષ્ટિ કરી છે કે હુમલામાં માર્યા ગયેલા ત્રણ લોકોના મૃતદેહ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, ઓક્ટોબર 2023માં હમાસ દ્વારા ઇઝરાયેલ પર કરવામાં આવેલા અચાનક હુમલા બાદ આ ભીષણ યુદ્ધ શરૂ થયું હતું. હમાસના એ હુમલામાં આશરે 1,200 ઇઝરાયેલી નાગરિકો માર્યા ગયા હતા અને અંદાજે 250 લોકોને બંધક બનાવી લેવામાં આવ્યા હતા. તેના જવાબમાં ઇઝરાયેલ દ્વારા શરૂ કરવામાં આવેલા સૈન્ય અભિયાનમાં અત્યાર સુધીમાં ગાઝા પટ્ટી સંપૂર્ણપણે ખંડેરમાં ફેરવાઈ ગઈ છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ઇઝરાયેલી હુમલાઓમાં અત્યાર સુધીમાં 72,700થી વધુ ફિલિસ્તીની નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.