ભરત ભારદ્વાજ
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની અસર આપણા પાડોશી દેશો પર પડવા માંડી છે તેથી ભારતમાં ચિંતાનો માહોલ છે. આપણા પાડોશી દેશોમાં પાકિસ્તાને તો લોકડાઉન જ જાહેર કરી દીધું છે જ્યારે બાંગ્લાદેશમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર ટોચ મર્યાદા લાગુ કરી દીધી છે. તેના કારણે સોશ્યલ મીડિયા પર પડીકાં ફરતાં થઈ ગયાં છે કે, ભારતમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે પણ ભારતીયોએ જરાય ચિંતા કરવાની જરૂર નથી કેમ કે ભારતનું અર્થતંત્ર આખી દુનિયામાં વિશિષ્ટ છે તેથી ભારતમાં પાકિસ્તાન જેવી સ્થિતિ સર્જાઈ શકે એવી કોઈ શક્યતા નથી.
પાકિસ્તાનમાં ક્રૂડ ઓઈલની વધી રહેલી કિમતને ધ્યાનમાં રાખીને ખર્ચમાં કાપની ઢગલો જાહેરાતો કરાઈ છે. આ જાહેરાતો પ્રમાણે, હવે સરકારી કચેરીઓ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ ખુલશે અને અડધા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરશે. શાળાઓ બે અઠવાડિયા માટે બંધ રહેશે. અને મંત્રીઓ અને સલાહકારો વિદેશ પ્રવાસે નહીં જઈ શકે. મંત્રીઓ બે મહિના સુધી પગાર નહીં લે અને સાંસદોના પગારમાં 25 ટકાનો ઘટાડો થશે.
બે મહિના સુધી 60 ટકા સરકારી વાહનો બહાર નહીં કઢાય ને વપરાશે એ સરકારી વાહનોને અડધું જ પેટ્રોલ-ડીઝલ મળશે. તમામ સરકારી વિભાગો પણ ખર્ચમાં 20 ટકાનો ઘટાડો કરશે. બજારમાં મળતા પેટ્રોલ અને ડીઝલની કિમતમાં પણ 55 રૂપિયા પ્રતિ લિટર સુધીનો વધારો કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશમાં બાઇક માટે દિવસમાં માત્ર 2 લિટર પેટ્રોલ મળશે. ખાનગી કારને મહત્તમ 10 લિટર જ્યારે બસો અને ટ્રકોને 70 થી 220 લિટર સુધીની મર્યાદામાં પેટ્રોલ-ડીઝલ મળશે. દરેક પેટ્રોલ પંપ પર રસીદ આપવી ફરજિયાત કરાઈ છે અને અગાઉની ખરીદીની રસીદ બતાવ્યા વિના નવું પેટ્રોલ-ડીઝલ નહીં મળે.
ભારતમાં આ પ્રકારનું રેશનિંગ દાખલ કરવું પડશે ? બિલકુલ નહીં. નરેન્દ્ર મોદી સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, ભારતમાં પેટ્રોલ-ડીઝલની તંગી પણ નથી સર્જાવાની કે પેટ્રોલ-ડીઝલના ભાવ પણ નથી વધવાના તેથી સાવ નચિંત થઈને બેસો ને સંગ્રહખોરી ના કરશો. આ સધિયારા વચ્ચે કેન્દ્ર સરકારની માલિકીની ઓઈલ કંપનીઓએ એલપીજી એટલે કે રાંધણ ગેસના બાટલામાં 60 રૂપિયાનો ભાવવધારો ઝીંકી જ દીધો તેના કારણે કોને ભારતમાં પણ હાલત ખરાબ થશે તેની ચિંતા છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે તો બીજી ચીજોના પણ ભાવ વધશે ને પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે એવી ચિંતા સામાન્ય લોકોને છે.
દુનિયામાં બધે યુદ્ધના કારણે ક્રૂડનો કકળાટ છે તેથી આ ચિંતા સ્વાભાવિક છે પણ કમ સે કમ આ વખતે મોદી સરકારની વાત પર ભરોસો કરવા જેવો છે. તેનું કારણ એ કે, ભારત ક્રૂડ ઓઈલ માટે ઈરાન તે અખાતના દેશો પર જ નિર્ભર નથી. ભારતનું મોટા ભાગનું ક્રૂડ અખાતના દેશોમાંથી જ આવે છે એ સાચું પણ આ આપત્તિના સમયમાં ભારત પાસે રશિયા અને વેનેઝુએલા એ બે મોટા વિકલ્પ પણ છે.
અમેરિકાએ આપણા પર દબાણ કરીને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરાવેલી પણ ઈરાન સાથે યુદ્ધ પછી અમેરિકાએ ભારતને 30 દિવસ માટે રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાની છૂટ આપી છે તેથી આપણે રશિયા પાસેથી જોઈએ એટલું ક્રૂડ ઓઈલ ખરીદી શકીએ છીએ. રશિયાને યુક્રેન સામેનો જંગ ચાલુ રાખવા માટે નાણાં જોઈએ જ છે તેથી ભારત માંગે એટલું ક્રૂડ રશિયા આપી શકે તેમ છે.
અમેરિકાએ 30 દિવસની છૂટ આપી છે પણ યુધ્ધ લંબાય તો છૂટ પણ લંબાઈ શકે છે તેથી ક્રૂડની ચિંતા નથી. આ ક્રૂડ થોડુંક મોંઘું પડી શકે પણ એ સરકારનો પ્રશ્ન છે. સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે એવો સધિયારો આપ્યો એટલે નાક રાખવા પણ સરકારી ઓઈલ કંપનીઓ ભાવ નહીં વધારે. તેના કારણે સરકારી કંપનીઓને કે સરકારને કંઈ નુકસાન નથી જવાનું. ક્રૂડની ખરીદી માટે ઊંચો ભાવ આપવો પડે તેના કારણે જે વધારાનો બોજ આવશે તેના લીધે સરકારી ઓઈલ કંપનીઓના નફામાં કાપ આવશે પણ નુકસાન નથી જવાનું.
મોદી સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ હમણાં નહીં વધવા દે એ માટે એક બીજું પણ નક્કર કારણ છે. ચાલુ વર્ષના મે સુધીમાં આસામ, પશ્ચિમ બંગાળ, પુડ્ડુચેરી, કેરળ અને તમિળનાડુ એ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે. આસામમાં ભાજપ છેલ્લાં 10 વર્ષથી સત્તામાં છે ને આ વખતે સત્તા જાળવી રાખવાનો પડકાર છે તેથી મોદી સરકાર કોઈ જોખમ ના લે.
પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિળનાડુમાં ભાજપના કટ્ટર રાજકીય હરીફોની સરકારો છે. ભાજપ આ ત્રણેય રાજ્યોમાં સત્તા કબજે કરવા ફાંફાં મારે છે પણ ફાવતો નથી. કેરળ અને તમિળનાડુમાં તો ભાજપ આ વખતે પણ ફાવે એવી શક્યતા નથી પણ પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે થોડો ચાન્સ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારીને એ ચાન્સ ગુમાવવાની મૂર્ખામી મોદી સરકાર કરે એ વાતમાં માલ નથી. ટૂંકમાં મેના અંત સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની કોઈ શક્યતા નથી તેથી બે-અઢી મહિના તો નિરાંતે ખેંચાઈ જ જશે.
ભારતમાં અનાજ, દૂધ વગેરે સામાન્ય જનજીવન માટે જરૂરી ચીજો પૂરતા પ્રમાણમાં થાય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ ના વધે તો આ ચીજોના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ના વધે તેથી સામાન્ય લોકોને કમ સે કમ મે સુધી તો રાહત રહેશે જ તેની ગેરંટી છે. યુદ્ધના કારણે નેચરલ ગેસના પુરવઠામાં કાપ આવ્યો છે તેની અસર નાના ઉદ્યોગો પર પડી છે.
ગુજરાતમાં મોરબી સહિતનાં ઘણાં નાનાં નાનાં કારખાનાં ધરાવતાં સેન્ટરોમાં અત્યારે ઉત્પાદન ઠપ્પ થઈ ગયું છે. યુદ્ધ લંબાય તો આ સેન્ટરોની સંખ્યા વધશે. દેશની નિકાસ પર પણ અસર પડશે ને અખાતના દેશોમાં રહેતા ભારતીયોને મુશ્કેલીઓ પડશે તેથી ત્યાંથી આવતા નાણાંના પ્રવાહમાં પણ ઓટ આવશે. આ બધાં કારણોસર આર્થિક ફટકો તો પડશે જ પણ પાકિસ્તાનની જેમ બધું બંધ કરી દેવાની નોબત નહીં આવે તેની ગેરંટી છે.
આપણી પાડોશમાં જ યુદ્ધ ચાલતું હોય તેની કિમત ચૂકવવી જ પડે પણ ભારત એટલે બહું મોટી કિમત નહીં ચૂકવે કે ભારતનું સામાન્ય જનજીવન મહ્દ અંશે આત્મનિર્ભર છે. પેટ્રોલ-ડીઝલ કે ઉદ્યોગો માટેના કાચા માલને બાદ કરતાં ભારતમાં બાકીની ચીજો એટલા પ્રમાણમાં થાય છે કે, સામાન્ય લોકોના જીવનને અસર ના થાય.
આપણી સરકાર કશું ના કરે કે દુનિયાના બીજા દેશોમાં આભ તૂટી પડે તો પણ આપણું કામ ચાલી જાય એવું આર્થિક સ્વાવલંબન આપણે આઝાદી પહેલાંથી મેળવી લીધેલું તેથી બહુ ચિંતા કરવી નહીં. યુદ્ધ જલદી પતે તો સારું પણ ડોનલ્ડ ટ્રમ્પ ને ખામેનેઇ જેવા માથાના ફરેલા માણસોના કારણે યુદ્ધ લેવાઈ શકે છે તેથી તેની માનસિક તૈયારી રાખવી.