Sat Sep 05 2026

Logo

શું ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ ત્રીજું વિશ્વયુદ્ધ છે? જાણો શું કહે છે ઈતિહાસ અને કાયદો...

tehran   2026-03-01 22:44:00
Author: Devayat Khatana
શું ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષ ત્રીજું વિશ્વયુદ્ધ છે? જાણો શું કહે છે ઈતિહાસ અને કાયદો...

અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનના પરમાણુ મથકો અને સૈન્ય ઠેકાણાઓ પર કરવામાં આવેલા ભીષણ હવાઈ હુમલાએ મધ્ય પૂર્વમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જી છે. ઈરાની સરકારી મીડિયાએ આ હુમલામાં તેમના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે. આ ઘટનાના વળતા પ્રહારમાં ઈરાને દુબઈ, બહેરીન, કુવૈત અને કતાર જેવા દેશો પર મિસાઈલ મારો ચલાવીને યુદ્ધની જ્વાળાને વધુ ભડકાવી છે. એક તરફ રશિયા-યુક્રેન યુદ્ધ પાંચમા વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે, ત્યારે ઈરાન પરના આ હુમલાઓએ વૈશ્વિક સ્તરે 'વર્લ્ડ વોર'નો ડર પેદા કર્યો છે.

કોઈપણ સંઘર્ષ ક્યારે 'વિશ્વયુદ્ધ' ગણાય, તે માટે કોઈ ચોક્કસ દેશોની સંખ્યા નિર્ધારિત નથી, પરંતુ તે લડાઈના સ્કેલ, ભૌગોલિક વ્યાપ અને વૈશ્વિક ભાગીદારી પર આધાર રાખે છે. આંતરરાષ્ટ્રીય કાયદામાં તેની કોઈ કાનૂની વ્યાખ્યા નથી, પરંતુ ઈતિહાસકારો આ શબ્દનો પ્રયોગ ત્યારે કરે છે જ્યારે વિશ્વની મોટી સત્તાઓ તેમાં સીધી રીતે સામેલ થાય અને યુદ્ધ એક ક્ષેત્ર પૂરતું મર્યાદિત ન રહેતા અનેક દેશો અને ખંડોમાં ફેલાઈ જાય. જો લડાઈમાં અનેક દેશો હોય પણ તે કોઈ એક સીમામાં જ લડાતી હોય, તો તેને પ્રાદેશિક યુદ્ધ જ માનવામાં આવે છે.

વિશ્વયુદ્ધની મુખ્ય શરત અમેરિકા, રશિયા, ચીન જેવી મહાસત્તાઓ અને NATO જેવા શક્તિશાળી સૈન્ય સંગઠનોનું સીધું યુદ્ધમાં ઝંપલાવવું છે. અગાઉના બંને વિશ્વયુદ્ધોમાં આવી જ રીતે મોટી સત્તાઓ સામેલ થતા સ્થાનિક વિવાદોએ વૈશ્વિક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઉપરાંત, યુદ્ધનો વ્યાપ સમુદ્ર, હવાઈ માર્ગો અને બહુવિધ ખંડો સુધી વિસ્તરેલો હોવો જોઈએ. પ્રથમ વિશ્વયુદ્ધ યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વમાં લડાયું હતું, જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ એશિયા અને પ્રશાંત મહાસાગર સુધી ફેલાઈ ગયું હતું.