Fri Apr 17 2026

Logo

અમેરિકા-ઈરાન શાંતિમંત્રણા: પ્રથમ રાઉન્ડ નિષ્ફળ રહ્યા બાદ બીજા રાઉન્ડના લોકેશન મુદ્દે સસ્પેન્સ

islamabad   2026-04-14 15:53:24
Author: Mumbai Samachar Team
Article Image

ઈસ્લામાબાદઃ ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ અંગેની શાંતિવાર્તાની બેઠક આગામી ગુરૂવારે થાય એવી પૂરી શક્યતાઓ છે. આ માટે પાકિસ્તાને તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, પરંતુ આ બેઠકને લઈને પાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓ ચિંતામાં છે. આ પહેલા પણ ઈસ્લામાબાદની ધરતી પર બન્ને દેશ વચ્ચે 21 કલાક લાંબી વાતચીત બાદ પણ કોઈ પ્રકારનો નીવેડો આવ્યો ન હતો. હવે પછીની બેઠકમાં પરિણામ આવે એ માટે પાકિસ્તાન પર દબાણ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળે છે. ગુરૂવારે બન્ને રાષ્ટ્રના ઉચ્ચ અધિકારીઓ એક જ ટેબલ પર આમને સામને આવે એવા અણસાર દેખાઈ રહ્યા છે. 

ડિપ્લોમેટે આપી મોટી ખાતરી
રિપોર્ટ અનુસાર અમેરિકાના અધિકારીઓ અને મધ્યસ્થી બેઠકમાં ભાગ લેનારા કેટલાક ડિપ્લોમેટે એવી ખાતરી આપી છે કે, બન્ને દેશના અધિકારીઓ મૌખિક રીતે આગામી બેઠકમાં વાતચીત કરવા માટે સહમત થયા છે, પણ સમય-જગ્યા કે મિટિંગના હાઈલેવલના કેટલાક નિયમો પર હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. આગામી બેઠક ક્યાં થાય છે એ પણ હજુ નક્કી નથી માત્ર બેઠક થશે એની તૈયારીઓ શરૂ થઈચૂકી છે. શાંતિવાર્તાનું પહેલું સોપાન પાકિસ્તાનના મહાનગર ઈસ્લામાબાદથી શરૂ થયું હતું. 

એક જ ટેબલ પર આમને-સામને
દેશ-દુનિયાની નજર એ સમયે ઈસ્લામાબાદ પર ચોંટી હતી પણ આ બેઠકમાં કોઈ પ્રકારનું સમાધાન થયું જ નહીં. યુદ્ધમાં હુમલાઓ બંધ થયા છે, પરંતુ મોટાભાગના રાષ્ટ્રની નજર હોર્મુઝ સ્ટ્રેટ પર છે. 16 એપ્રિલ 2026ના રોજ ફરી એકવાર બન્ને દેશ એક જ ટેબલ પર આમને-સામને આવે એવી પૂરી શક્યતાઓ છે. વેન્યૂ પર હાલ તો ત્રણ જગ્યાઓ પર પસંદગી ઊતારવામાં આવી છે પણ અંતિમ નિર્ણય પાકિસ્તાને કોઈ રીતે લીધો નથી. ઈસ્લામાબાદ ફરી આ બેઠકમાં માધ્યમ બની શકે છે. આ સિવાય જિનેવા અને ઈસ્તાંબુલની પસંદગી કરવામાં આવી છે. 

બે શહેરો પર પસંદગી
જિનેવા એટલા માટે કારણ કે, જેનેવા પર અમેરિકાની પસંદગી છે જ્યારે ઈસ્તંબુલ એટલા માટે કારણ કે, તુર્કીયેની ધરતી પરથી અનેક એવી સમજૂતીઓ થઈ ચૂકી છે. બન્ને દેશોની પ્રજા શાંતિ ઈચ્છે છે પણ હજુ કેટલા મુદ્દાઓ પર સહમતી થઈ નથી.હવે સમગ્ર દુનિયાના દેશની નજર આગામી બેઠક પર છે. આ પહેલા જ્યારે ઈસ્લામાબાદમાં જે બેઠક થઈ એમાં તુર્કીયે, મિસર અને ઓમાનના ઉચ્ચ અધિકારીઓ મધ્યસ્થી કરવા માટે આવ્યા હતા. ઈરાનના એક અધિકારીએ એવી પણ વાત જાહેર કરી કે, શાંતિવાર્તા અચાનક ખતમ થવા પાછળ સુરક્ષાનો મુદ્દો પણ રહ્યો હતો. 

સાઉદી અરેબિયા શાંત રહેશે
અમેરિકાએ કહ્યું હતું કે, ઈરાન કેટલીક સમજૂતીઓ પર સહમત થાય તો અમેરિકા ફરી શાંતિની અપીલ કરી શકે છે. અમેરિકા એવું ઈચ્છે છે કે, ઈરાન 20 વર્ષ સુધી યુરેનિયમ સંવર્ધન બંધ કરે, સામે ઈરાન તેલ ટર્મિનલ પર થયેલા હુમલાનો હિસાબ માગી રહ્યો છે. બીજી તરફ સાઉદી અરબ અને પાકિસ્તાનના સંબંધો ખૂબ જ સારા રહ્યા છે. આ મધ્યસ્થીને લઈને હજુ સુધી સાઉદી અરેબિયાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી.