Mon Sep 07 2026

Logo

ઈરાનની શાળા પર મિસાઈલ હુમલામાં અનેક વિદ્યાર્થિનીઓના મોત; મૃત્યુઆંક 53એ પહોંચ્યો

Tehran   2026-02-28 19:21:53
Author: Devayat Khatana
ઈરાનની શાળા પર મિસાઈલ હુમલામાં અનેક વિદ્યાર્થિનીઓના મોત; મૃત્યુઆંક 53એ પહોંચ્યો

તહેરાન: મિડલ ઈસ્ટમાં હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ છે, ત્યારે ઈરાનના મીનાબ શહેરમાં એક શાળા હવાઈ હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 53 પર પહોંચી ગયો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં અન્ય 45 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રારંભિક અહેવાલોમાં મૃતકોની સંખ્યા 24 જણાવવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ આંકડો ઝડપથી વધ્યો છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓમાં મોટાભાગની પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીઓ હોવાનું સામે આવ્યું છે, જેના કારણે સમગ્ર વિશ્વમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અહેવાલો અનુસાર, આ હુમલો ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાનના વિવિધ સૈન્ય ઠેકાણાઓ પર શરૂ કરવામાં આવેલા મોટા લશ્કરી અભિયાનનો એક ભાગ છે. મીનાબ શહેરમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સનું એક યુનિટ કાર્યરત છે, જેને સંભવિત લક્ષ્ય બનાવવામાં આવ્યું હતું. જોકે, મિસાઈલ સીધી શાળા પર પડતા નાગરિકો અને બાળકીઓએ જીવ ગુમાવ્યા છે. 

મળતી વિગતો અનુસાર, તેહરાનમાં સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈના કાર્યાલયની આસપાસ પણ ભારે વિસ્ફોટો અને ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા, જોકે ખામેનેઈની સુરક્ષા અંગે હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. આ હુમલાના જવાબમાં ઈરાને પણ ઈઝરાયેલ પર ડ્રોન અને મિસાઈલ વડે વળતો પ્રહાર કર્યો છે, જેનાથી પશ્ચિમ એશિયામાં પ્રાદેશિક તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે આ ઘટનાની આકરી નિંદા કરવામાં આવી રહી છે, કારણ કે શાળા જેવી નાગરિક સંરચના પર હુમલો કરવો એ આંતરરાષ્ટ્રીય કાયદાઓનું જાહેર ઉલ્લંઘન છે. ઈરાની સત્તાધીશોએ તેને નાગરિકો પરનો ક્રૂર હુમલો ગણાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા પરમાણુ વિવાદ અને પ્રાદેશિક વર્ચસ્વની લડાઈમાં આ ઘટનાએ નવો વળાંક આપ્યો છે.