Sun Sep 13 2026

Logo

હોર્મુઝ સ્ટ્રેટ બન્યું 'ડેથ વેલી': ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ, ટ્રમ્પે ઉડાવી 16 બોટો...

Tehran   2026-03-11 09:13:51
Author: Mumbai Samachar Team
હોર્મુઝ સ્ટ્રેટ બન્યું 'ડેથ વેલી': ઈરાને સમુદ્રમાં પ્લાન્ટ કરી માઈન્સ, ટ્રમ્પે ઉડાવી 16 બોટો...

AI Generated Images


તહેરાન: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક વળાંક લીધો છે. અમેરિકા અને ઈઝરાયલના સતત હુમલાઓ સામે નમતું જોખવાને બદલે ઈરાને આક્રમક વલણ અપનાવ્યું છે. તાજેતરના અહેવાલો મુજબ, ઈરાને વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' જળમાર્ગમાં અત્યંત ખતરનાક દરિયાઈ માઈન્સ (Mines) પ્લાન્ટ કરવાનું શરૂ કરી દીધું છે. આ પગલાથી વૈશ્વિક સ્તરે તેલના પુરવઠા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે અને આ વિસ્તાર હવે યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે, ઈરાને છેલ્લા કેટલાક દિવસોમાં ડઝનબંધ સમુદ્રી માઈન્સ પાણીમાં ફેંક્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે ઈરાન પાસે હજુ પણ 80 થી 90 ટકા માઈન લગાવવાની ક્ષમતાના સાધનો સુરક્ષિત છે, જેનો અર્થ એ છે કે તે સેંકડોની સંખ્યામાં વિસ્ફોટકો પ્લાન્ટ કરી શકે છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) પાસે ઝડપી નૌકાઓ અને કિનારા પરની મિસાઈલ બેટરીઓ છે, જેના દ્વારા તેઓ આખા જળમાર્ગને બ્લોક કરી શકે છે. આ જ કારણ છે કે હાલમાં આ રસ્તો વહાણો માટે અત્યંત જોખમી બની ગયો છે.

આ ગંભીર સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ખુલ્લી ચેતવણી આપી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકી દળોએ માઈન્સ પ્લાન્ટ કરતી ઈરાનની 16 બોટને તોડી પાડી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન આ માઈન્સ તાત્કાલિક નહીં હટાવે તો તેણે એવા સૈન્ય પરિણામો ભોગવવા પડશે જે તેણે ક્યારેય જોયા નહીં હોય. ટ્રમ્પે વધુમાં ઉમેર્યું કે હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રહેશે અને અમેરિકા પાસે દરિયામાં બિછાવેલી માઈન્સ શોધવા માટે વિશ્વના શ્રેષ્ઠ સાધનો ઉપલબ્ધ છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી આ અસ્થિરતાને કારણે વિશ્વભરમાં દરરોજ સપ્લાય થતા 1.5 કરોડ બેરલ કાચા તેલ અને 45 લાખ બેરલ રિફાઈન્ડ ઈંધણ પર જોખમ ઊભું થયું છે. ઈરાક અને કુવેત જેવા દેશો પાસે તેલની નિકાસ માટે બીજો કોઈ વિકલ્પ નથી. આ કપરી પરિસ્થિતિને જોતા G7 દેશોએ સંકેત આપ્યા છે કે જો તેલની અછત સર્જાશે તો તેઓ બજારમાં વધારાનું તેલ મુકીને સ્થિતિને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે. હાલમાં આ જળમાર્ગ લગભગ બંધ હાલતમાં હોવાથી તેને 'ડેથ વેલી' તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.