Fri Apr 17 2026

Logo

સમુદ્રમાં માઈન્સ યથાવત પણ ઈરાને સૂચવ્યો હોર્મુઝ સિવાયનો વૈકલ્પિક જળમાર્ગ

Tehran   2026-04-09 16:29:00
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાનઃ મિડલ ઈસ્ટમાં યુદ્ધવિરામ થઈ ચૂક્યું છે, આ સીઝફાયર વચ્ચે પણ ઘણાય જહાજ હોર્મુઝમાં ફસાયા છે. હોર્મુઝ સ્ટ્રેટ ખૂલે એની અનેક દેશ રાહ જોઈને બેઠા છે. દુનિયાનો સૌથી મહત્ત્વનો ક્રૂડ અને ગેસનો ટ્રાંસપ્લાન્ટનો રૂટ હોર્મુઝ ખૂલે એની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. ઈરાને સમુદ્રમાં માઈન્સ નાખી દેતા અહીંયાથી પસાર થવું જોખમથી ખાલી નથી. 

વૈકલ્પિક જળમાર્ગ પણ ઈરાને જણાવ્યો
હવે હોર્મુઝ સિવાય પણ વૈકલ્પિક જળમાર્ગ મારફતે ટ્રાંસપોર્ટ કરી શકાય છે. આ પગલું એવા સમયે લેવાઈ રહ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયાનું સીઝફાયર લાગુ થયું છે. પણ સ્થિતિ હજુ પણ નાજુક છે. ઈરાન રીવોલ્યુશનરી ગાર્ડે સ્પષ્ટતા કરી હતી કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝના મુખ્ય શિપિંગ લેનમાં માઈન્સનું જોખમ છે. એવામાં જહાજ પસાર થાય તો મોટી દુર્ઘટના બની શકે છે. આવું ન થાય એ માટે નવો જળમાર્ગ ઉપયોગમાં લેવાની વાત ખુદ ઈરાને જ કરી દીધી છે. 

શિપિંગ કંપનીઓને મોટી મદદ
આનાથી વૈશ્વિક ધોરણે ઘણી શિપિંગ કંપનીઓને મોટી મદદ મળી શકે છે. તણાવભરી સ્થિતિમાં એક નાનકડુ રિસ્ક પણ ક્રૂડ-ગેસની સપ્લાયને વધારે વિકટ બનાવી શકે છે. એન્ટ્રી અને એક્ઝિટ માટે બે નવા રસ્તા સૂચવ્યા છે. ઈનબાઉન્ડ રૂટમાં ગલ્ફ ઓફ ઓમાનથી ઉત્તર દિશામાં લારક દ્વીપથી આગળ વધીને જહાજને પર્શિયન ગલ્ફમાં એન્ટર કરાવી શકાય. આઉટર બાઉન્ડ રૂટમાં પર્શિયન ગલ્ફમાંથી નીકળતી વખતે જહાજને લારક દ્વીપથી દક્ષિણ દિશામાં લઈ જઈ ગલ્ફ ઓફ ઓમાન બાજુ આગળ વધારીને અન્ય સમુદ્રી જળમાર્ગમાં જોડી શકાય છે. 

સૌથી વ્યસ્ત સમુદ્રી જળમાર્ગ
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાનો સૌથી વ્યસ્ત અને રણનીતિક સમુદ્ર જળમાર્ગ છે, જે પર્શિયન ગલ્ફને ગલ્ફ ઓફ ઓમાન સાથે જોડે છે. આ જળમાર્ગ થોડો સાંકળો છે અને 33 કિમીનો છે. દુનિયાભરના દેશમાં ક્રૂડ અને ગેસનો વ્યાપાર થાય છે એમાં 20 ટકા જહાજ અહીંયાથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાક, કુવૈત, UAE, કતાર અને ઈરાન જેવા દેશ માટે કાચું તેલ એશિયાના દેશમાં રવાના કરવા આ જળમાર્ગ અતિમહત્ત્વનો છે. હવે આની આસપાસના સમુદ્ર રૂટમાં કોઈ વિકટ સ્થિતિ પેદા થઈ તો સમગ્ર દુનિયાની અર્થવ્યવસ્થાને ફટકો પડે એમ છે. 

સ્થિતિ સામાન્ય થતા વાર લાગશે
સીઝફાયરનું એલાન થયું હોવા છતા સમગ્ર મિડલ ઈસ્ટમાં સ્થિતિ સામાન્ય થઈ નથી. ઈરાને એલાન કર્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ અને ઈરાનના સમુદ્રી વિસ્તારમાં માઈન્સ લગાવેલા છે, જે સમુદ્રની નીચે છે. આ માઈન્સ હજુ દૂર કરવામાં આવી નથી. આથી હોર્મુઝ મુખ્યરૂટ હોવા છતા સુરક્ષિત નથી. નિષ્ણાંતો કહે છે કે, હોર્મુઝનો સમુદ્રી રસ્તો ખુલશે તો સ્થિતિ સામાન્ય થતા હજુ વાર લાગશે, કારણ કે ઘણાય જહાજ અહીંયા ફસાયા છે. દરેક જહાજ એકસાથે સમુદ્ર ક્રોસ કરી શકે એમ નથી.