અબુધાબી: શનિવારે યુએસ અને ઇઝરાયેલે ઈરાન પર મિસાઈલ હુમલા કર્યા હતાં, જેના જવાબમાં ઈરાને પણ વળતી કાર્યવાહી કરી હતી. ઇરાને યુનાઇટેડ આરબ અમીરાત (UAE)માં આવેલા યુએસના મથકો પર હુમલા કર્યા હતાં., જેમાંથી કેટલીક મિસાઈલો અને ડ્રોન્સ દુબઈ અને અબુધાબીના નાગરિક વિસ્તારમાં પડ્યા હતાં, આજે બીજા દિવસે ઈરાને UAE ના દુબઈ અને શારજાહ શહેરને નિશાન બનાવ્યા હતાં.
અહેવાલ મુજબ શારજાહ શહેરના કેટલાક સ્થળોએથી ધુમાડાના ગોટા નીકળતા જોવા મળ્યા હતાં. ઈરાને બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોનની મદદથી હુમલો કર્યો હતો. શારજાહમાં એક શોપિંગ મોલ પર ઈરાનના શાહેદ ડ્રોનનો કાટમાળ પડ્યો હતો, જેને કારણે શોપિંગ મોલને મોટું નુકસાન પહોંચ્યું છે, શારજાહનાં એક મોટા સ્ટોરહાઉસ પર પણ ડ્રોન પડ્યું હતું.
દુબઈમાં મોટું નુકશાન:
દુબઈમાં પણ કેટલાક સ્થળોએ આજે બીજા દિવસે પણ હુમલા કરવામાં આવ્યા હતાં. મિસાઈલ હુમલાને કારણે દુબઈના જેબેલ અલી બંદર પર આગ ફાટી નીકળી હતી. પામ જુમેરાહ પર ફેરમોન્ટ હોટેલ અને બુર્જ અલ અરબ પર મિસાઈલ પડતા મોટું નુકસાન પહોંચ્યું છે.
ત્રણ લોકોના મોત:
UAE ના સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે અત્યાર સુધીમાં 165 બેલિસ્ટિક મિસાઇલો, 2 ક્રુઝ મિસાઇલો અને 541 ઇરાની ડ્રોનનો UAEમાં પ્રવેશ્યા હતાં, જેમાંથી 506 ને ઇન્ટરસેપ્ટ કરીને નાશ કરવામાં આવ્યા હતા, જ્યારે 35 પડ્યા હતાં જેને કારને દેશનો સંપતિને નુકસાન થયું હતું.
ઈરાનના હુમલાને કારણે UAEમાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાંથી એક મૃતક પાકિસ્તાન, એક નેપાળ અને એક બાંગ્લાદેશનો વતની હતો. આ ઉપરાંત અમીરાત, ઇજિપ્તીયન, ઇથોપિયન, ફિલિપિનો, પાકિસ્તાની, ઈરાની, ભારતીય, બાંગ્લાદેશી, શ્રીલંકા, અઝરબૈજાની, યેમેની, યુગાન્ડા, એરિટ્રિયન, લેબનીઝ અને અફઘાન નાગરિકો સહિત 58 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે.