જયપુરઃ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ સહિતના દિગ્ગજ બોલરો સામે પહેલા જ બૉલમાં સિક્સર ફટકારવામાં સફળતા મેળવી છે તેમ જ કૅગિસો રબાડા જેવા મોટા બોલર્સની બોલિંગમાં ધુલાઈ કરી છે, પરંતુ મંગળવારે અહીં સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં તે લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના પેસ બોલર મોહસિન ખાન સામે એવું નહોતો રમી શક્યો. એ તો ઠીક, પણ તેની સામે વૈભવનું બૅટ સાવ શાંત થઈ ગયું હતું.
આઇપીએલની વર્તમાન ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 53 છગ્ગા તેમ જ 50 ચોગ્ગા સાથે હાઇએસ્ટ 579 રન બનાવનાર રાજસ્થાન રૉયલ્સ (RR)નો વૈભવ સૂર્યવંશી રનનો ઢગલો કરી ચૂક્યો છે, પણ મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના સંભલ નગરના મોહસિન ખાન સામે તે એકદમ નિસ્તેજ થઈ ગયો હતો અને છેવટે તેના જ બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. આ વિકેટ ગુમાવવાની સાથે તે ફક્ત સાત રન માટે આ વખતની ટૂર્નામેન્ટની બીજી સદી પણ ચૂકી ગયો હતો.
કેવા બૉલમાં વૈભવ આઉટ થયો?
27 વર્ષનો મોહસિન ખાન (MOHSIN KHAN) મંગળવારે 31 રનમાં રાજસ્થાનની એક જ વિકેટ લેવામાં સફળ થયો હતો અને એ એક વિકેટ વૈભવ સૂર્યવંશી (VAIBHAV SURYAVANSHI)ની હતી. 37 બૉલમાં દસ સિક્સર અને સાત ફોરની મદદથી 93 રન બનાવનાર વૈભવે 38મા બૉલમાં વિકેટ ગુમાવી હતી. મોહસિને કલાકે 121 કિલોમીટરની ઝડપવાળો થોડો ધીમો બૉલ ફેંક્યો હતો જેમાં વૈભવ બિગ શૉટ મારવાના પ્રયાસમાં લૉન્ગ-ઑન પર અબ્દુલ સમદને કૅચ આપી બેઠો હતો. હતાશ વૈભવ પાછો આવી રહ્યો હતો ત્યારે પ્રેક્ષકોએ તાળી પાડીને તેનું પૅવિલિયનમાં શાનદાર સ્વાગત કર્યું હતું.

મોહસિનના બૉલને વૈભવ નથી રમી શક્તો
વૈભવે બે મૅચમાં મોહસિન ખાનનો સામનો કર્યો છે. વૈભવ તેના કુલ 12 બૉલમાં માત્ર બે રન બનાવી શક્યો છે. વૈભવ સામે મોહસિનના આઠ ડૉટ-બૉલ રહ્યા છે અને બે બૉલમાં મોહસિન તેની વિકેટ લઈ શક્યો છે.

વૈભવના કોચ શું કહે છે?
સવાલ એ છે કે મોહસિન ખાન સામે વૈભવનું બૅટ કેમ શાંત થઈ જતું હોય છે?, કેમ વૈભવ વિકેટ ગુમાવી બેસતો હોય છે? એક વેબસાઇટના અહેવાલ મુજબ વૈભવને ક્રિકેટનો કક્કો શીખવનાર કોચ મનીષ ઓઝાનું કહેવું છે કે `મોહસિનના ચેન્જ ઑફ પેસ (બૉલની ઝડપમાં ફેરફાર)ની પરેશાનીનો શિકાર થયો વૈભવ સૂર્યવંશી. જોકે એનો અર્થ એવો નથી કે વૈભવ તેના આવા બૉલને સફળતાથી કેવી રીતે રમવું એ વિશે એકદમ અજાણ છે. હવે પછી જ્યારે પણ તેઓ ફરી સામસામે આવશે એમાં મોહસિનને વૈભવ ભારે પડી શકે છે.'