Sun Sep 06 2026

Logo

PBKSની જીત સાથે શરૂઆત, પણ કેપ્ટન શ્રેયસ અય્યરને લાગ્યો મોટો ઝટકો, BCCIએ ફટકાર્યો દંડ!

2026-04-01 12:53:00
Author: Savan Zalariya
PBKSની જીત સાથે શરૂઆત, પણ કેપ્ટન શ્રેયસ અય્યરને લાગ્યો મોટો ઝટકો, BCCIએ ફટકાર્યો દંડ!

ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026ની ચોથી મેચ ગઈ કાલે મંગળવારે સાંજે ન્યુ ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ, જેમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે પંજાબ કિંગ્સ(PBKS)એ 3 વિકેટથી જીત મેળવી. PBKSએ આ સિઝનમાં જીત સાથે શરૂઆત કરી છે, પરંતુ ટીમના કેપ્ટન શ્રેયસ ઐયરને મોટો ઝટકો લાગ્યો છે. શ્રેયસ સ્લો ઓવર રેટ બદલ દોષી ઠર્યો અને તેના પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું, “ન્યુ ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની મેચ નંબર 4 દરમિયાન ગુજરાત ટાઇટન્સ (GT) સામે સ્લોઓવર-રેટ જાળવવા બદલ પંજાબ કિંગ્સ (PBKS) ના કેપ્ટન શ્રેયસ ઐયર પર દંડ ફટકારવામાં આવ્યો છે.”

નિવેદનમાં જણાવવામાં આવ્યું, "મિનિમમ ઓવર-રેટ ગુનાઓ સાથે સંબંધિત IPLની આચારસંહિતાના કલમ 2.22 હેઠળ, આ સિઝનમાં આ તેની ટીમનો પહેલો ગુનો છે, આથી ઐયર પર 12 લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવે છે."

ગત વર્ષે પણ દંડ ફટકારવામાં આવ્યો હતો:
ગત વર્ષે IPLની 18મી સિઝન દરમિયાન સ્લો ઓવર રેટ જાળવવા બદલ શ્રેયસ ઐયર બે વાર દંડ ફટકારવામાં આવ્યો હતો. ગત સિઝનમાં પહેલીવાર ઉલ્લંઘન માટે ₹12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, પરંતુ બીજી વાર ₹24 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

કૂપર કોનોલીએ PBKSને બચાવી:
શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ PBKSએ આ સિઝનની જીત સાથે શરૂઆત કરી છે, PBKSના બોલરો GTની મજબુત બેટિંગ લાઇન-અપને 162 ના સ્કોર પર રોકી. PBKSની ઇનિંગની શરૂઆત ખરાબ રહી, 7 રનના સ્કોર પર પહેલી વિકેટ પડી, ત્યાર બાદ પ્રભસિમરન સિંહ અને કૂપર કોનોલીએ બીજી વિકેટ માટે 77 રનની પાર્ટનરશીપ થઈ હતી. 

એક સમયે PBKSનો સ્કોર 110/2 હતો, ત્યાર બાદ સતત વિકેટો પડી અને સ્કોર 118/6  થઇ ગયો હતો, ચાહકોએ જીતની આશા છોડી દીધી હતી, પરંતુ કોનોલીએ બાજી સંભાળી અને ટીમને જીત સુધી લઇ ગયો. કોનોલી 44 બોલમાં 72 રન બનાવીને અણનમ રહ્યો, તેને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો.