અમદાવાદઃ આઇપીએલની ફાઇનલ (ipl final) દરેક સીઝનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયનના હોમ-ગ્રાઉન્ડમાં જ રાખવાની પરંપરા છે, પણ આ વખતે એ પ્રણાલી તોડીને બીસીસીઆઇએ ફાઇનલનું સ્થળ બેંગ્લૂરુથી બદલીને અમદાવાદ કરી નાખ્યું એને પગલે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિયેશને નારાજગી વ્યક્ત કરી છે અને એવામાં કેટલાક અહેવાલો મુજબ બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સેક્રેટરી દેવાજિત સૈકિયા તથા આઇપીએલના ચૅરમૅન અરુણ સિંહ ધુમાલ તરફથી મહત્ત્વના નિવેદનો કરવામાં આવ્યા છે. બીજી રીતે કહીએ તો તેમણે ફાઇનલ અમદાવાદમાં રાખવા પાછળના કારણો પર પ્રકાશ પાડ્યો છે.
લીગ રાઉન્ડ 24મી મે સુધી ચાલશે. એ દિવસે વાનખેડેમાં મુંબઈ-રાજસ્થાનની તથા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં કોલકાતા-દિલ્હી વચ્ચે મૅચ રમાશે. ત્યાર બાદ 26મી મેએ શરૂ થનારા પ્લે-ઑફ રાઉન્ડમાં ક્વૉલિફાયર-વન ધરમશાલામાં, એલિમિનેટર ન્યૂ ચંડીગઢમાં, ક્વૉલિફાયર-ટૂ પણ ન્યૂ ચંડીગઢમાં અને 31મી મેની ફાઇનલ અમદાવાદમાં 1,32,000 સીટની ક્ષમતા ધરાવતા ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ તમામ નૉકઆઉટ મૅચો સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. એનાથી વિપરીત, બેંગ્લૂરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 33,000 પ્રેક્ષક બેસી શકે એટલી સીટ છે. એમાંથી 7000-8000 જેટલી સીટ સ્પૉન્સર્સ તથા અન્ય વીઆઇપીઓ માટે રિઝર્વ્ડ રાખવી પડતી હોય છે. જનતા માટે માત્ર 25,000 સીટ ઉપલબ્ધ હોય છે.

અમદાવાદમાં બૅક-ટુ-બૅક આઇપીએલ ફાઇનલ રમાશે. 2025ની આઇપીએલની ફાઇનલ અમદાવાદમાં રમાઈ હતી જેમાં બેંગ્લૂરુએ પંજાબને છ રનથી હરાવ્યું હતું.
બીસીસીઆઇના સેક્રેટરી દેવાજિત સૈકિયાએ શું કહ્યું?
(1) બેંગ્લૂરુમાં ફાઇનલ રખાઈ હોત તો બીસીસીઆઇએ (કર્ણાટક) રાજ્ય સરકાર તથા સ્થાનિક સત્તાવાળાઓ તરફથી ટિકિટોની મોટી ડિમાન્ડનો સામનો કરવો પડ્યો હોત.
(2) વધારાની 10,000 ટિકિટો આપવી એવી શરત તેમ જ આયોજન સંબંધમાં કેટલીક મુશ્કેલીઓ નડી શકે એમ હતી.
(3) કર્ણાટક ક્રિકેટ અસોસિયેશને નિર્ધારિત 15 ટકા કૉમ્પ્લીમેન્ટરી ટિકિટો કરતાં ક્યાંય વધુ ટિકિટોની ડિમાન્ડ કરી હતી.
(4) 900 ટિકિટ કર્ણાટક રાજ્યના વિધાનસભા તથા વિધાન પરિષદના મેમ્બર્સ તેમ જ સંસદસભ્યો માટે માગવામાં આવી હતી. આવી બધી ડિમાન્ડ બીસીસીઆઇના નિયમો અને પ્રૉટોકૉલના હદની બહાર હતી.
(5) રાજ્યની ક્લબો તથા લાઇફટાઇમ મેમ્બર્સ માટે 10,000 વધુ ટિકિટ માગવામાં આવી હતી. આવા બધા કારણોસર આયોજનમાં વિઘ્નો જણાતાં ફાઇનલ અમદાવાદને આપી દેવામાં આવી.
આઇપીએલના ચૅરમૅન અરુણ ધુમાલે શું કહ્યું?
(1) ખરેખર તો ફાઇનલ બેંગ્લૂરુમાં જ રમાવી જોઈતી હતી. અમે કર્ણાટક અસોસિયેશન સાથે ચર્ચા પણ કરી હતી, પરંતુ ગયા વર્ષે બેંગ્લૂરુના સ્ટેડિયમની બહાર નાસભાગની જે જીવલેણ ઘટના બની હતી એને કારણે રાજ્ય સરકારની સામે કેટલાક પડકારો હતા.
(2) બેંગ્લૂરુના સ્ટેડિયમમાં સીટોની સંખ્યા બહુ મોટી નથી. લીગ મૅચો માટે પણ જાહેર જનતા માટે બહુ ઓછી ટિકિટો ઉપલબ્ધ હતી, કારણકે રાજ્ય સરકારે ઘણી મફત ટિકિટો આપવી પડી હતી.
(3) આઇપીએલની ફાઇનલ જોવા વિશ્વભરમાંથી આવતા લોકોની સંખ્યા મોટી હોવાથી તેમ જ વિશ્વભરમાંથી મોટી હસ્તીઓ આવતી હોવાથી ક્રિકેટપ્રેમી જનતા માટે મોટી સંખ્યામાં અમારે ટિકિટો ઉપલબ્ધ રાખવી પડે.
(4) ફાઇનલના જ અરસામાં આઇસીસીની બોર્ડ મીટિંગ પણ થવાની છે એટલે ઘણા મેમ્બર્સ તથા મહાનુભાવો પણ ભારત આવશે.
(5) આ બધુ જોતાં બીસીસીઆઇએ મોટા સ્ટેડિયમમાં જ ફાઇનલ રાખવાનું નક્કી કર્યું છે.