મુંબઈઃ આઇપીએલ-2026ની સીઝનમાં છેલ્લી પાંચ લીગ મૅચ બાકી છે, ત્રણ ટીમ પ્લે-ઑફ Play-Off)માં પહોંચી ગઈ છે અને એના ચોથા સ્થાન માટે હવે ચાર ટીમ વચ્ચે ખરી હરીફાઈ છે. રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લે-ઑફમાં પહોંચી ગયા છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ અને લખનઊ સુપર જાયન્ટ્સની ટીમ હરીફાઈની બહાર થઈ ગઈ છે. દિલ્હી કૅપિટલ્સ (જે પ્લે-ઑફની રેસમાંથી હજી પૂર્ણપણે બહાર નથી) તેમ જ બીજી ચાર ટીમને પ્લે-ઑફમાં પહોંચવા કેટલી તક છે, કોના કેટલા પૉઇન્ટ છે અને કોનો રન-રેટ કેવો છે તેમ જ કોને ચોથું સ્થાન ભરવા માટે વધુ મોકો છે એ સમીકરણ (Scenario) ખૂબ રસપ્રદ છે.
હવે કઈ પાંચ લીગ મૅચ બાકી છે?
(1) આજે (સાંજે 7.30 વાગ્યાથી) ગુજરાત વિરુદ્ધ ચેન્નઈ (2) શુક્રવારે (સાંજે 7.30 વાગ્યાથી) હૈદરાબાદ વિરુદ્ધ બેંગ્લૂરુ (3) શનિવારે (સાંજે 7.30 વાગ્યાથી) પંજાબ વિરુદ્ધ લખનઊ (4) રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) મુંબઈ વિરુદ્ધ રાજસ્થાન અને (5) રવિવારે (સાંજે 7.30 વાગ્યાથી) કોલકાતા વિરુદ્ધ દિલ્હી. ત્રણ મૅચનો પ્લે-ઑફ રાઉન્ડ 26મી મેએ શરૂ થશે. 31મી મેએ અમદાવાદમાં ફાઇનલ રમાશે.
કઈ ટીમને પ્લે-ઑફનો કેટલો મોકો?
કોલકાતા નાઇટ રાઇડર્સ (13 મૅચ, 13 પૉઇન્ટ, +0.011નો રનરેટ):

અજિંક્ય રહાણેના સુકાનમાં આ ટીમે બુધવારે ઈડન ગાર્ડન્સમાં મુંબઈ સામે વિજય મેળવ્યો એને લીધે પ્લે-ઑફના એના ચાન્સ વધી ગયા છે અને રનરેટ સકારાત્મક સ્થિતિમાં આવી ગયો છે. કોલકાતા જો રવિવારે ઈડનમાં દિલ્હી સામેની મૅચ પણ જીતશે તો પ્લે-ઑફની એની સંભાવના ખૂબ વધી જશે.
જોકે રાજસ્થાન અને પંજાબ પોતપોતાની મૅચ હારી જાય એ પણ કોલકાતા માટે જરૂરી છે. રવિવારે મુંબઈ સામે જો રાજસ્થાન જીતી જશે તો કોલકાતાની પ્લે-ઑફમાં એન્ટ્રી નહીં થઈ શકે. જો રાજસ્થાન હારી જશે અને પંજાબે શનિવારે લખનઊને હરાવ્યું હશે તો કોલકાતાએ રવિવારે દિલ્હીને તોતિંગ માર્જિનથી હરાવવું જ પડશે.
ચેન્નઈ સુપર કિંગ્સઃ

(13 મૅચ, 12 પૉઇન્ટ, -0.016નો રનરેટ)ઃ ચેન્નઈએ પોતાના જોરે પ્લે-ઑફમાં પહોંચવા કરતાં અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડે એવી સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન, પંજાબ અને કોલકાતા પોતપોતાની છેલ્લી લીગ મૅચ હારે એવું ચેન્નઈ ઇચ્છશે. એવું થાય તો ચેન્નઈ રનરેટના બળ પર રાજસ્થાનને પાછળ રાખી શકશે. એકંદરે, દિલ્હી કરતાં ચેન્નઈને વધુ મોકો છે. કારણ એ છે કે દિલ્હીનો રનરેટ (-0.871) બહુ ખરાબ છે.
રાજસ્થાન રૉયલ્સઃ

(13 મૅચ, 14 પૉઇન્ટ, +0.083નો રનરેટ)ઃ રાજસ્થાનને પ્લે-ઑફમાં પોતાની તાકાત પર પહોંચવાની તક છે. રવિવારે રાજસ્થાન જો મુંબઈને વાનખેડેમાં હરાવશે 16 પૉઇન્ટ સાથે પ્લે-ઑફમાં પહોંચી જશે અને એ માટે એણે બીજા કોઈ પણ પરિણામો પર આધાર નહીં રાખવો પડે. જો ગુજરાત અને હૈદરાબાદ પોતાની અંતિમ લીગ મૅચ હાર્યા હશે તો રાજસ્થાનને ટૉપ-ટૂમાં પહોંચવાનો પણ મોકો મળશે.
પંજાબ કિંગ્સઃ

(13 મૅચ, 13 પૉઇન્ટ, +0.227નો રનરેટ)ઃ છેલ્લી તમામ છ મૅચ હારી જનાર આ ટીમ જો શનિવારે લખનઊને હરાવશે અને રનરેટમાં કોલકાતાથી ઉપર રહેશે તો પ્લે-ઑફમાં પહોંચી શકશે. જોકે એ માટે જરૂરી છે કે રવિવારે વાનખેડેમાં રાજસ્થાનને મુંબઈ હરાવી દે. રનરેટની ગણતરી થશે તો કોલકાતા કરતાં પંજાબનો ઘોડો આગળ જ રહેશે એની પાક્કી સંભાવના છે.
દિલ્હી કૅપિટલ્સઃ

(13 મૅચ, 12 પૉઇન્ટ, -0.871નો રનરેટ)ઃ મંગળવારે લખનઊ સામે રાજસ્થાન જીતી ગયું એ સાથે દિલ્હીની પ્લે-ઑફની સંભાવનાનો મોટા ભાગે ant આવી ગયો છે. કોઈ ચમત્કાર જ દિલ્હીને લાસ્ટ-ફોરમાં પહોંચાડી શકે.