Sun Sep 06 2026

Logo

IPL: ખેડૂત પુત્રએ ગુજરાત તરફથી પંજાબ સામે કર્યું ડેબ્યૂ, જાણો કોણ છે અશોક શર્મા

2026-04-01 09:11:00
Author: Mayur Patel
IPL: ખેડૂત પુત્રએ ગુજરાત તરફથી પંજાબ સામે કર્યું ડેબ્યૂ, જાણો કોણ છે અશોક શર્મા

નવી દિલ્હીઃ પંજાબ કિંગ્સે  અત્યંત રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઇટન્સને ત્રણ વિકેટે હરાવ્યું હતું. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 162 રન કર્યા હતા. જેના જવાબમાં પંજાબે 19.1 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 165 રન બનાવી મેચ જીતી લીધી હતી. 

90 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો

ગુજરાત તરફથી આ મેચમાં ફાસ્ટ બોલર અશોક શર્માએ ડેબ્યૂ કર્યું હતું. તેણે 3 ઓવરમાં 31 રન આપી 1 વિકેટ ઝડપી હતી. તેણે માર્કો યાન્સેનને ગિલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અશોકને ગુજરાતે 90 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. તે ખેડૂત પુત્ર છે અને પોતાના મોટાભાઈને જોઈને ક્રિકેટમાં આવ્યો હતો.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર દેખાવ

રાજસ્થાનો રહેવાસી અશોક તેની સ્પીડ માટે જાણીતો છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેણે 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. તેણે 22 વિકેટ ઝડપી હતી અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ ઝડપનારો બોલર બન્યો હતો.

અશોકના કહેવા પ્રમાણે, તે તેના ભાઈના કારણે ક્રિકેટમાં આવ્યો છે. તેની પાસે જે સ્પીડ છે તે નેચરલ છે. જ્યારથી મેં બોલિંગ શરૂ કરી છે ત્યારથી ફાસ્ટ બોલિંગ જ કરી છે. હું મારા ભાઈ અક્ષય પાસેથી શીખ્યો છું. તે પણ બોલર છે. હું તેને સ્કૂલની મેચમાં જોતો હતો. તેણે મને ફાસ્ટ બોલિંગનું કૌશલ્ય શીખવાડ્યું હતું અને મને એકેડમી સુધી લઈ ગયો હતો.

જયપુરના રામપુર ગામના રહેવાસી અશોકના પિતા નાથુલાલ ઈચ્છતા હતા કે તેનો પુત્ર અભ્યાસ કરે અથવા તેની સાથે ખેતી કામ કરે. પરંતુ ભાઈ અક્ષયે તેના તમામ સપનાની કુરબાની આપીને તેને ક્રિકેટર બનાવ્યો.