Wed Sep 09 2026

Logo

IPL 2026: મુંબઈ ઇન્ડિયન્સ માટે રાહતના સમાચાર, બુમરાહ ફીટ હોવાનો દાવો

2026-03-25 19:31:07
Author: Mumbai Samachar Team
IPL 2026: મુંબઈ ઇન્ડિયન્સ માટે રાહતના સમાચાર, બુમરાહ ફીટ હોવાનો દાવો

બેંગલુરુઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 28 માર્ચથી શરૂ થવાની છે. આ પહેલા મુંબઈ ઇન્ડિયન્સના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બેંગલુરુમાં બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ પહોંચ્યો છે. જોકે, સારા સમાચાર એ છે કે બુમરાહ ઘાયલ નથી અને વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે સ્ટ્રેન્થ અને કન્ડિશનિંગ પર કામ કરવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પહોંચ્યો છે. 

એક રિપોર્ટ અનુસાર, બુમરાહ મુખ્યત્વે સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ પર કામ કરવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે પહોંચ્યો છે. મેડિકલ ટીમ બુમરાહને જૂલાઈમાં ઇંગ્લેન્ડ સામે ભારતની શ્રેણી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે બોલાવવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડ પ્રવાસમાં પાંચ ટી-20 અને ત્રણ વન-ડે મેચ રમાશે. 

જસપ્રીત બુમરાહ સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે બોલિંગ ચાલુ રાખશે અને ટૂંક સમયમાં મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાશે, જેથી તે આઈપીએલ 2026ની પહેલી મેચમાં રમે તેવી સંભાવના છે. મુંબઈ ઇન્ડિયન્સ 29 માર્ચે કોલકાતા નાઈટ રાઇડર્સ સામે પોતાનો હોમ મેચ રમશે. માર્ચની શરૂઆતમાં ભારતને સતત બીજા ટી-20 વર્લ્ડ કપ ટાઇટલ અપાવવામાં બુમરાહે મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

જસપ્રીત બુમરાહ તેની આઈપીએલ કારકિર્દીમાં ફક્ત મુંબઈ ઈન્ડિયન્સ માટે રમ્યો છે. તેણે 148 મેચોમાં 186 વિકેટ લીધી છે અને મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર મલિંગાથી માત્ર નવ વિકેટ પાછળ છે. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે તાલીમ શરૂ કરી છે. પાંચ વખતના ચેમ્પિયને છેલ્લે 2020 માં ટ્રોફી જીતી હતી.