રાયપુર: કોલકાતા સતત ચાર મૅચ જીત્યા પછી બુધવારે બેંગ્લૂર સામે જે મૅચમાં હારી ગયું એમાં જે ટર્નિંગ પોઇન્ટ આવ્યો એ વિશે કોલકાતાના હેડ-કોચ અભિષેક નાયર ખૂબ હતાશ હતા અને એ વળાંક વિરાટ કોહલીની ઇનિંગ્સમાં આવ્યો હતો. વિરાટ 21 રન પર હતો ત્યારે તેનો કૅચ છૂટ્યો હતો અને એ જીવતદાન કોલકાતાને ભારે પડી ગયું.
બેંગલૂરુએ છ વિકેટ અને પાંચ બૉલ બાકી રાખીને 193 રનનો લક્ષ્યાંક મેળવી લીધો હતો. ચેઝ માસ્ટર કોહલીએ આ મૅચ-વિનિંગ ઈનિંગ્સની મદદથી બેંગ્લૂરુને પોઇન્ટ્સ-ટેબલમાં મોખરે પહોંચાડી દીધું હતું. કોહલી 21 રન પર હતો ત્યારે શ્રેષ્ઠ ફીલ્ડર રૉવમૅન પૉવેલથી તેનો કૅચ છૂટી ગયો હતો.
મૅન ઑફ ધ મૅચ કોહલી (Kohli) 60 બૉલમાં ત્રણ છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી 105 રન બનાવીને અણનમ રહ્યો હતો. કૅચ (Catch) છૂટ્યા પછી તેણે બીજા 84 રન બનાવ્યા હતા.
અભિષેક નાયરે (Nayar) મૅચ પછી કહ્યું કે ‘વિરાટ જેવો દિગ્ગજ ખેલાડી ટાર્ગેટ ચેઝ કરી રહ્યો હોય ત્યારે તેનો કૅચ છૂટે તો પછી ફીલ્ડિંગ ટીમ માટે જીતવું બહુ મુશ્કેલ થઈ જાય. કોલકાતા 192 રન બનાવ્યા પછી આ મૅચ જીતી શકે એમ હતું, પણ ધીમે ધીમે મૅચ પરની પકડ હાથમાંથી સરી પડી હતી. આ મૅચમાં એવું ઘણું થયું હતું જે નહોતું થવું જોઈતું હતું.'