પ્રફુલ શાહ
હા, ભારતીય ઇતિહાસના સૌથી મોટા કૌભાંડની યાદીમાં મૂકી શકાય એવું છે તેલગી સ્ટેમ્પ પેપર સ્કેમ. આશ્ચર્ય, મજા અને આઘાતની વાત એ છે કે ત્રણેક દાયકા વિતી ગયા છતાં આ કૌભાંડના વ્યાપ વિશે કોઈ ખાત્રીપૂર્વક ગળું ખોખારીને કઈ જ કહી શકે એમ નથી. એમાં સગેવગે થયેલી સરકારી રકમ અંગે હજી મતભેદ છે. અલબત્ત, સત્તાવાર રીતે જ કૌભાંડની રકમ હજારો કરોડ રૂપિયાની માનવામાં આવે છે, પરંતુ વિવિધ તપાસ અહેવાલોમાં આંકડા અલગ-અલગ જોવા મળે છે. કેટલાક અંદાજો મુજબ સરકારી તિજોરીને થયેલું નુકસાન ₹20,000 કરોડથી પણ વધુ હોઈ શકે.
સ્ટેમ્પ પેપર સ્કેમના મુખ્ય સૂત્રધાર અબ્દુલ કરીમ તેલગીની મજલ ફળ વેચનારથી હજારો કરોડના કૌભાંડ સુધીની હતી. એ કેવી રીતે શક્ય બન્યું. ચલણી નોટ જેટલી જ સલામતી અને ચોકસાઈ સાથે માત્ર સરકાર દ્વારા જ છપાતા સ્ટેમ્પ પેપર બાબત કૌભાંડ કેવી રીતે આચરાયું, પાર પડાયું અને લાંબો સમય સફળતાપૂર્વક ચલાવાયું?
અબ્દુલ કરીમ તેલગીનો જન્મ 1961ની 29 જુલાઈએ બેલગામ (જેને સત્તાવાર રીતે ‘બેલાગાવી’ પણ કહેવાય છે)માં થયો હતો. દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના વાયવ્ય ખૂણે આવેલું આ એક ઐતિહાસિક અને ઔદ્યોગિક શહેર છે. મહારાષ્ટ્ર અને ગોવાની સરહદની નજીક પશ્ર્ચિમ ઘાટમાં સ્થિત આ શહેર કર્ણાટકની બીજી રાજધાની ગણાય છે.
બેલગામના ખાનાપુરમાં જન્મેલા અબ્દુલની માતાનું નામ શરીફા ગૃહિણી હતાં. પિતા લદસાબ તેલગી રેલવેમાં નોકરી કરતા હતા. પિતાના અવસાન વખતે અબ્દુલ નાની ઉંમરનો હતો. ખાનાપુરની અંગ્રેજી માધ્યમની શાળા સર્વોદય વિદ્યાલયમાં અભ્યાસનો ખર્ચ ઉઠાવવા ટ્રેનોમાં ફળ અને શાકભાજી વેચ્યા હતા. પછી બેલગામની ગોગટે કોલેજ ઑફ કોમર્સમાં અભ્યાસ કર્યો ને તેમણે 1984માં એમ.કોમ. પૂરુ કર્યું. પહેલી નોકરી તેઓ સાઉદી અરેબિયામાં કરી, સાતેક વર્ષ સુધી.
ભારત પરત ફરીને નકલી દસ્તાવેજો બનાવવાના ક્ષેત્રે પાપાપગલી ભરી. શરૂઆત કરી નકલી પાસપોર્ટ બનાવવાથી. મુખ્ય ધંધો હતો સઉદી અરેબિયામાં માનવબળ નિકાસ કરવાનો એટલે કે કારીગરો મોકલવાનો. આ વ્યવસાય માટે ટ્રાવેલ કંપની ખોલી. તે અનેક નકલી દસ્તાવેજો તૈયાર કરતા, જેના કારણે મજૂરોને એરપોર્ટ પર સરળતાથી પસાર થવામાં મદદ મળતી. આ પ્રથા માનવબળ નિકાસકારોની ભાષામાં ‘પુશિંગ’ના નામે ઓળખાતી. આમાં ભલે કારીગરના પાસપોર્ટ પર ECR (Emigration Check Required) ની મુદ્રા હોય અથવા અન્ય એવી સમસ્યાઓ હોય જે ઇમિગ્રેશન અધિકારીઓ માટે શંકાસ્પદ બની શકે પણ તેલગીએ બનાવેલા બનાવટી પેપર્સથી મોટેભાગે વાંધો આવતો નહોતો.
આમાં સફળતા મળી પણ એમાંથી થતી આવકથી સંતોષ નહોતો. પણ આ કામિયાબીએ હિમ્મત ખૂબ વધારી દીધી. આથી અબ્દુલ કરીમ વધુ જટિલ, જોખમી પણ ભારે કમાણીની ગેરંટીવાળી નકલ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આ પ્રવૃત્તિ હતી સ્ટેમ્પ પેપરની નકલ બનાવવાની. (ક્રમશ:)