Fri May 01 2026

Logo

મન હોય તો માત્ર માળવે જ નહીં... ઈચ્છો ત્યાં પણ  જવાય !

2026-03-19 10:53:00
Author: Neela Sanghavi
Article Image

 

નીલા સંઘવી

દરેકને નાનપણથી કોઇક શોખ તો હોય જ છે. કોઇને સ્પોર્ટસમાં, કોઇને ગાવાનો, કોઇને ડાન્સ કરવાનો શોખ હોય તો કોઇને રસોઇ કરવાનો ... 

દરેક શોખ પોતાની રીતે યુનિક છે. મહિલાઓને વિશેષ કરીને ગુજરાતી મહિલાઓને નૃત્ય-ગાયન-સાહિત્યનો શોખ વધુ કરીને હોય છે. ગુજરાતી સ્ત્રીઓ રમતગમતના ક્ષેત્રે પ્રમાણમાં ઓછો રસ લે છે. કોઇ પણ શોખ હોવો એ અહોભાગ્ય જ છે. 

સ્ત્રીને નાનપણમાં તો અનેક વિષયમાં રસ-હોય ખાસ શોખ હોય, પરંતુ મોટેભાગે એવું બને છે કે લગ્ન પછી સ્ત્રી ઘર-પતિ-પરિવાર અને પછી બાળકોમાં એટલી તો ઓતપ્રોત થઇ જાય છે કે એક જમાનામાં એને કોઇ શોખ હતો એ વાત જ ભૂલી જાય છે અને આમેય એની પાસે પોતાનો શોખ પૂરો કરવાનો સમય જ ક્યાં હોય છે? એનો સમય તો પરિવારનો સમય છે.

મુંબઇમાં રહેતાં રીટાબહેન સાથે પણ એવું જ બન્યું. નાનપણથી જ એમને ડાન્સનો શોખ.સ્કૂલનાં કાર્યક્રમોમાં ભાગ લેતાં હતાં, પણ કમનસીબે જે શિક્ષિકા બહેન ભારત નાટયમ્ શીખવતાં હતાં તેમનાં લગ્ન થઇ ગયાં અને રીટાબહેનનું કલાસમાં જવાનું બંધ થઇ ગયું. પછી કોલેજના કાર્યકમમાં પણ એ ભાગ લેતાં રહ્યાં. વિવિધ મંડળોના રાસ-ગરબામાં પણ ભાગ લેતાં રહ્યાં. 

પણ પછી રાબેતા મુજબ દરેક સ્ત્રી સાથે બને છે તેમ જ બન્યું રીટાબહેન સાથે. હા, સારો વર-સારું ઘર જોઇને રીટાબહેનને સાસરે વળાવી દીધાં તેમનાં માતા-પિતાએ પછી તો રીટાબહેન ઘરપરિવારમાં વ્યસ્ત થઇ ગયાં. વળી રીટાબહેન પોતે કામ પણ કરતાં હતાં. ઇન્સ્યુરન્સ એજન્ટ તરીકે વ્યસ્ત હતાં. આ  બધા વચ્ચે  ડાન્સ કરવાનું ક્યાંથી યાદ આવે? ડાન્સનો શોખ નવરાત્રિ પૂરતાં સીમિત થઇ ગયો.

રીટાબહેને પોતાની પુત્રીને ભરત નાટયમ્ શીખવા મૂકી. એમને થયું કે દીકરી સાથે પોતે પણ ડાન્સ શીખવાનું શરૂ કરશે, પણ એવું ન બન્યું.... બેવડી જવાબદારીની વ્યસ્તતાને કારણે રીટાબહેન ભારત નાટયમ આગળ શીખી ન શકયા. દીકરીએ ભરત નાટયમ્ની તાલીમપૂર્ણ કરીને આરંગેત્રમ પણ કર્યું. રીટાબહેનની ઇચ્છા મા-દીકરી સાથે આરંગેત્રમ કરીશું એવી હતી પણ આપણી બધી ઇચ્છાઓ થોડી પૂરી થાય છે ? આરંગેત્રમ કરવાની રીટાબહેનની ઇચ્છા મનની મનમાં રહી ગઇ, પણ મનનાં એક ખૂણે એ ઇચ્છા લપાયેલી તો હતી જ.

સમય જતાં રીટાબહેન 62વર્ષનાં થયાં અને ઘૂંટણનો દુખાવો શરૂ થયો, ઘૂંટણની સર્જરી થઇ. રીટાબહેનને થયું હવે ખલાસ હવે તો ડાન્સ કરી જ નહીં શકાય, પણ મજબૂત મનોબળવાળાં રીટાબહેન હારે તેમ ન હતા. તેમણે યોગ શીખવાનું શરૂ કર્યું. યોગના આસનોથી તેમને ઘણો ફાયદો થયો. પછી લૉકડાઉન આવ્યું. એ વખતે રીટાબહેનની ઉંમર 64 વર્ષની લોકડાઉન દરમિયાન રીટાબહેન સાથે બીજી બે મહિલાઓ જ પણ સાઇઠ પ્લસ ઉંમરની હતી એ પણ ભારત નાટયમ શીખતી હતી. આમ લૉકડાઉન દરમિયાન રીટાબહેને સારું એવું જ્ઞાન ભરત નાટયમ્માં મેળવ્યું.

લૉકડાઉન પૂરું થયા પછી રીટાબહેન અને બીજી જે બહેનો ઓનલાઇન તેમની સાથે શીખતી હતી તેમણે નક્કી કર્યું કે હવે આપણે કોઇ નૃત્યુ ગુરુને શોધીને ફિઝિકલ ડાન્સ શીખીએ. ત્રણેયે એક જ ગુરુ પાસે શીખવાનું શરૂ કર્યું. ફરીથી રીટાબહેન અઢી વર્ષ સુધી ડાન્સ શીખ્યાં.

પેલી બીજી બે મહિલા જેમને આપણે હર્ષા અને સ્મિતા કહીશું, એ બંને પણ શીખ્યા, હવે ત્રણેયની ઇચ્છા આરંગેત્રમ કરવાની. ગુરુ મીતાબહેનના માર્ગદર્શન હેઠળ  ત્રણ મહિનાની સતત અને સખત પ્રેક્ટિસ પછી આ ત્રણેય બહેનોએ સાથે આરંગેત્રમ કરવાનું નક્કી કર્યું. એ સમયે રીટાબહેનને 70મું વર્ષ ચાલતું હતું, હર્ષાબહેનને 66મું અને સ્મિતાબહેનને પણ 66મું વર્ષ ચાલતું હતું. 

હવે આ બહેનોના માથેથી ઘર પરિવારની જવાબદારી ઓછી થઇ હતી. તેથી તેમણે જોયેલા સ્વપ્નને સાકર કરવાનું નક્કી કરી જ લીધું. મન હતું તો માળવે જવા તૈયાર થઇ ગયા. આટલી મોટી ઉંમરે સ્ટેજ પર પરફોર્મન્સ આપવો એ સરળ વાત ન હતી. પણ તેમના સિકસ્ટી પ્લસના નૃત્ય ગુરુ મીતાબહેનના પ્રોત્સાહન અને આ બહેનોની ધગશને કારણે આ કપરું કામ સરસ રીતે પાર પડયું. આ ઉંમરે આ બહેનોએ જે ડાન્સ કર્યો કે ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યું.

રીટાબહેને તો કાલાઘોડા ફેસ્ટિવલમાં સંદીપ સોપરકરના ગ્રૂપ સાથે પણ ડાન્સ કર્યો છે. એ  ટ્રેકિંગ પણ કરે છે. આજે પણ પોતાની સોસાયટીમાં વારતહેવાર કાર્યક્રમનું આયોજન થાય તેમાં રીટાબહેન મોટી ઉંમરની બહેનોને ડાન્સ શીખવીને ડાન્સનો કાર્યક્રમ ગોઠવી જ દે છે. મોટી ઉંમરે પણ તમે તમારા શોખ, તમારા સ્વપ્નાં પૂર્ણ કરી શકો છો એનું ઉદાહરણ છે રીટાબહેન....