Wed Jun 10 2026

Logo

કચ્છની ધોળાવીરા સાઇટ ઇજિપ્તના પિરામિડની પણ 'દાદી' સાબિત થશે? કાર્બન ડેટિંગના નવા તારણોથી ઇતિહાસકારો સ્તબ્ધ

2026-02-15 14:20:00
Author: Mumbaisamachar Team
Article Image

ભુજઃ કચ્છ-સૌરાષ્ટ્ર, ગુજરાત અને છેક હરિયાણા સુધી વિસ્તરેલી હડ્ડપન સંસ્કૃતિ, જેને સિંધુ સંસ્કૃતિ તરીકે પણ ઇતિહાસમાં ઓળખાય છે તે પ્રાચીન ઇજિપ્તના પિરામિડ અને 'ફેરોસ' કરતાં પણ વધુ પ્રાચીન હોવાનું એક નવાં સંશોધનમાં બહાર આવ્યું છે. આ સંશોધનમાં બહાર આવેલા તારણો મુજબ, સિંધુ સંસ્કૃતિ અગાઉ દર્શાવ્યા  કરતાં પણ હજારો વર્ષ પ્રાચીન છે. આ સંસ્કૃતિના મૂળ ૮૦૦૦ વર્ષ જુના છે અને તે ઇજિપ્તના પિરામિડ કાળ કરતાં પણ પહેલાં ઉદભવી છે. 

ઉલ્લેખનીય છે કે, દાયકાઓથી ઇતિહાસના પુસ્તકોમાં એવું દર્શાવાયું છે કે, આ સંસ્કૃતિ મેસોપોટેમીયા, ઇજિપ્ત બાદની સંસ્કૃતિ છે પણ હવે હકીકત પલટાઈ હોવાનું આ સંશોધનમાં જણાવાયું છે. સિંધુ ખીણ સંસ્કૃતિ જેને હડ્ડપન સંસ્કૃતિ તરીકે ઓળખાય છે તે ઈશુના સમયગાળા પહેલાં ૨૬૦૦ અને ૧૯૦૦ના વર્ષમાં પાંગરી હતી અને તેનો વિસ્તાર ઉત્તર-પશ્ચિમ ભારત ઉપરાંત છેક પાકિસ્તાન સુધી વિસ્તરેલો હતો. 

આર્ક્યોલૉજિકલ સર્વે ઓફ ઇન્ડિયા અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનોમાં માટીકામના નમૂનાઓ, પ્રાણીઓના હાડકાં અને જમીનની ઊંડેના પળોના વૈજ્ઞાનિક પૃથકરણ કરાયાં હતાં અને તેના પરથી મળેલા 'રેડીઓ કાર્બન' સંશોધનના પરિણામોથી એવા તારણો બહાર આવ્યા છે કે આ હડ્ડપન વસાહતો ૯૦૦૦ વર્ષ કે તેનાથી વધારે પ્રાચીન છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા 'મોંહે જો દડો' અને હરપ્પામાં 'ગ્રીડ પેટર્ન'થી તૈયાર કરાયેલી શેરીઓ ઉપરાંત સંખ્યાબંધ ઘરો તેમજ કુવાઓ અને ન્હાવા-ધોવાના વિસ્તાર સુધીના 'એસેસ' અપાયા છે. આ ઉપરાંત ભૂગર્ભ ગટર વ્યવસ્થા પણ જોવા મળી છે. 

સંશોધકોનું કહેવું છે કે, આ પ્રકારની ગ્રામ્ય સેનીટેશન વ્યવસ્થા વિશ્વમાં અન્ય ક્યાંય પણ જોવા મળતી નથી અને આ ઉપરાંત કેટલાંક મકાનો બે માળના હોવાનું ઉપરાંત બજારો તે દર્શાવે છે કે,એ સમયગાળા દરમ્યાન વેપાર-ધંધા પણ વિકસિત હતા. જો કે આશ્ચર્યની વાત એ છે કે, હડ્ડપન સંસ્કૃતિની વસાહતમાં કોઈ દેવ મંદિરો કે પૂજાના સ્થાનકોના અવષેશો પ્રાપ્ત થયા નથી, અલબત્ત કચ્છના કુરન ખાતેથી એક વિશાળ કબ્રસ્તાન મળી આવ્યું છે. આ વસાહત  અરબી સમુદ્રથી શરૂ કરીને ગંગાના મેદાનો સુધી વિસ્તરેલી છે, જે પ્રાચીન વિશ્વની સૌથી મોટી સાંસ્કૃતિક વસાહતો છે. જો કે સંશોધકોને હજુ હડ્ડપન લિપિના  અર્થઘટનમાં ભારે મુશ્કેલી પડી રહી છે. 

પુરાતત્વવિદોએ 'જેમસ્ટોન', સામાન્ય  પથ્થરો, ધાતુના ઓજારો પર જોવા મળતાં લખાણો હજુ સુધી ઉકેલી શકાયાં નથી.  ઉલ્લેખનીય છે કે, હરિયાણાના ભીરાના ખાતે મળી આવેલી હડ્ડપન વસાહતમાંના  કેટલાક અવશેષોનું ફરીથી કાર્બન રી-ડેટિંગ કરવામાં આવી રહ્યું છે. આનો અર્થ એવો પણ થવા જાય છે કે, કચ્છની ધોળાવીરા ખાતેની વર્લ્ડ હેરિટેજમાં સમાવાયેલી હડ્ડપન સાઈટ ઇજિપ્તના ફેરો અને પિરામિડો કરતાં પણ વધુ પ્રાચીન છે અને આ હડ્ડપન સંસ્કૃતિ મેસોપોટેમીયા  અને ઇજિપ્તની સંસ્કૃતિથી પણ વધુ પ્રાચીન છે જે વાત રોમાંચ ઉપજાવનારી બની રહી છે.

(ઉત્સવ વૈદ્ય)