(અમારા પ્રતિનિધિ તરફથી)
બીડ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પરલી ખાતે આયોજિત 'મહા પશુધન એક્સ્પો'માં જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર કરાર ભારતીય ખેડૂતો માટે સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. આ કરારથી ખેડૂતોને એક વિશાળ આંતરરાષ્ટ્રીય બજાર મળશે. જોકે, કેટલાક લોકો અને રાજકીય પક્ષો આ બાબતે ખોટી માહિતી અને અફવાઓ ફેલાવી રહ્યા છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલેથી જ ખાતરી આપી છે કે દેશના ખેડૂતોના હિતને નુકસાન પહોંચાડે તેવા કોઈ પણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે નહીં.
મુખ્ય પ્રધાને આગળ કહ્યુ હતું કે અમેરિકા અને યુરોપના બજારો ખોલતી વખતે ભારતના ડેરી અને કૃષિ ક્ષેત્રને અસર ન થાય, તે વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. બહારના સસ્તા ઉત્પાદનો સ્થાનિક બજારને નુકસાન પહોંચાડે તેવી મંજૂરી કોઈને આપવામાં આવશે નહીં. સોયાબીનનો સારો ભાવ મળી રહ્યો હતો પરંતુ અમુકે અફવા ફેલાવી અને તેમાં પ્રતિ ક્વિન્ટલ ૫૦૦ રૂપિયાનો ઘટાડો થયો. તેમણે ખેડૂતોને ખાતરી આપતો કહ્યુ હતુ કે કોઈ પણ સોયાબીન કે કપાસ બહારથી નહીં આવે. આવી અફવાઓ ફેલાવનારા લોકોને તેમનું સ્થાન બતાવવા હાકલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે કપાસ અને સોયાબીનની ખેતી વધવાને કારણે ખેતરો નાના થયા છે અને ઘાસચારાની સમસ્યા ઊભી થઈ છે, જેના લીધે પશુઓની સંખ્યા ઘટી છે. ઓર્ગેનિક ખેતીમાં પશુઓ મહત્વનો ભાગ ભજવે છે, જે ખેતીના ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો કરે છે. સરકાર હવે ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી પેઈન્ટ અને દવાઓ જેવી વસ્તુઓના મોટા પાયે ઉત્પાદન પર ધ્યાન આપી રહી છે.
આ પ્રસંગે પ્રધાન પંકજા મુંડેએ જણાવ્યું હતું કે પશુપાલન ક્ષેત્ર હાલમાં રાજ્યના જીડીપીમાં 2.8 ટકા ફાળો આપે છે. મહારાષ્ટ્ર દૂધ ઉત્પાદનમાં પાંચમા અને ઈંડાના ઉત્પાદનમાં સાતમા ક્રમે છે. સરકારનો લક્ષ્યાંક આ ક્ષેત્રના વિકાસ દરને વર્તમાન 4-8 ટકાથી વધારીને 25 ટકા સુધી લઈ જવાનો છે.