Tue Jul 28 2026

Logo

ફ્લેશ બૅકઃ પ્રથમ ઈરાની બોલપટમાં ભારતનો સહયોગ

2026-03-13 11:59:00
Author: Mumbai Samachar Team
Article Image

હેન્રી શાસ્ત્રી

ઈરાન એક રૂઢિચુસ્ત દેશ તરીકે ખ્યાતિ ધરાવે છે. જોકે, ઈરાનની (પર્શિયાની) ફિલ્મ ઈન્ડસ્ટ્રી, એના ફિલ્મમેકરો અને એના ચિત્રપટો એકદમ અલગ જ દ્રષ્ટિકોણ ધરાવે છે. મૂંગી ફિલ્મોના પ્રારંભ પછી ઈરાની બોલપટની શરૂઆત કેવી રીતે થઈ એ જાણવું એટલા માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે કે પ્રથમ ઈરાની બોલપટ ભારત અને ભારતીય ફિલ્મમેકર અરદેશર ઈરાનીના સહયોગ અને સહકારથી તૈયાર થયું હતું અને અસાધારણ સફળતાને વર્યું હતું.

પર્શિયન બોલપટના જન્મદાતા અબ્દુલ હુસેન સેપંટાનો જન્મ 1907માં તહેરાનમાં થયો હતો. કિશોરાવસ્થામાં લખાણમાં રુચિ જાગી અને વીસ વર્ષનો થયો ત્યાં સુધીમાં કવિતા લખતો થઈ ગયો હતો. ભાષા પ્રીતિને પગલે વિષયમાં ઊંડાં ઊતરવાની ઈચ્છા થઈ. પર્શિયન ભાષા અને એના ઈતિહાસનો વિગતે અભ્યાસ કરવા લેખક અને કવિના લેબલ સાથે સેપંટા 1928માં ભારત આવ્યા. 

સદનસીબે મુંબઈમાં એમની મુલાકાત ઈરાનની પ્રાચીન ભાષાના જાણકાર ને વિદ્વાન બી. ટી. અંકલેસરિયા સાથે થઈ. અંકલેસરિયા સાહેબે યુવાન લેખકના ઉત્સાહને બિરદાવ્યો. બનતી બધી મદદ કરવાની ખાતરી આપી અને સૌથી મહત્ત્વની વાત એ કરી કે વિકસી રહેલા નવા સિનેમા માધ્યમને સમજવા અને રસ પડે તો એમાં આગળ વધવાની સલાહ આપી.

વિદ્વાન અંકલેસરિયાની વાત ગરમ ગરમ શીરાની જેમ અબ્દુલ હુસેનના ગળે ઊતરી ગઈ. મિસ્ટર દિનશા ઈરાની નામના અંકલેસરિયા સાહેબના સલાહકારની મદદથી યુવાન સેપંટા ભારતમાં બોલપટ યુગનો પ્રારંભ કરનારા અરદેશર ઈરાનીને મળ્યો. એ સમયે ઈરાની સાહેબ અને એમની ઈમ્પિરિયલ ફિલ્મ કંપનીની બોલબાલા હતી. અરદેશર ઈરાનીએ હોંશીલા ઈરાની યુવકની વાત ધ્યાનથી સાંભળી અને બે ચાર મીટિગ અને ચર્ચા - વિચારણા પછી પ્રભાવિત થઈ એ યુવાનની ફિલ્મમાં રોકાણ કરવા તૈયાર થયા. આ સાથે પહેલી પર્શિયન ટોકી (બોલપટ)ની કલ્પનાનો જન્મ થયો.

પ્રથમ ભારતીય બોલપટ `આલમ આરા'ના નિર્માતા - દિગ્દર્શક અને એ સમયની પ્રખ્યાત ફિલ્મ કંપની ઇમ્પિરિયલ ફિલ્મ કંપનીના સ્થાપક અરદેશર ઈરાનીનું ગંજાવર પીઠબળ મળતા અબ્દુલ હુસેન સેપંટાના ઉત્સાહનો ગુણાકાર થયો. તાબડતોબ ફિલ્મ માધ્યમથી પરિચિત થવાની કોશિશ શરૂ કરી દીધી. સૌપ્રથમ મુલાકાત થઈ દેવકી બોઝ સાથે. ન્યુ થિયેટર્સ ફિલ્મ કંપનીમાં લેખક અને દિગ્દર્શક તરીકે સંકળાયેલા મિસ્ટર બોઝ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયેલી પ્રથમ ભારતીય ફિલ્મ `સીતા'ના દિગ્દર્શક તરીકે વધુ ખ્યાતિ ધરાવે છે. 

મિસ્ટર બોઝ પાસે ફિલ્મ માધ્યમની પ્રાથમિક-પાયાની જાણકારી મેળવી સેપંટાએ ફિલ્મની પટકથા લખવાનું શરૂ કર્યું. અરદેશર ઈરાનીએ ટેકનિકલ સુપરવાઈઝર ઉપરાંત નિર્માતા અને સહ દિગ્દર્શક તરીકે પણ ફરજ બજાવી. બંનેના સંગઠિત પ્રયાસથી Dokhtar - e - Lor (અર્થાત `લોરની છોકરી `ઈરાનના પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં રહેતા લોકો લોર તરીકે ઓળખ ધરાવે છે) નામનું પ્રથમ ઈરાનનું બોલપટ 1933માં રિલીઝ થયું.

રસપ્રદ વાત એ છે કે 1930ના દાયકામાં ફિલ્મમાં સ્ત્રી કામ નહોતી કરતી. સામાજિક પ્રતિબંધ હતો. અરદેશર ઈરાની - સેપંટાની ફિલ્મ પરિસ્થિતિ બદલવામાં નિમિત્ત બની. મિસ્ટર ઈરાનીના ઇમ્પિરિયલ સ્ટુડિયોના એક કર્મચારીની પત્ની રૂહાનગી સેમિનેઝાને ફિલ્મની મુખ્ય ભૂમિકામાં ચમકાવવામાં આવી. ફિલ્મને ફાંકડી સફળતા મળતા રૂહાનગીને અફાટ લોકપ્રિયતા મળી, પણ એનો પ્રસિદ્ધિકાળ ટૂંકો સાબિત થયો. ચિત્રપટમાં નાયકના રોલમાં ખુદ અબ્દુલ હુસેન સેપંટા હાજર હતા. 

1933ના ઓક્ટોબર મહિનામાં આ ફિલ્મ શરૂઆતમાં ઈરાનના માત્ર બે થિયેટરમાં રિલીઝ કરવામાં આવી. કારણ એવું હતું કે યુરોપિયન કોમેડી ફિલ્મ્સ જોવા ટેવાયેલા ઈરાની પ્રેક્ષકોને ઈરાની ચિત્રપટમાં રસ પડશે કે કેમ એ દ્વિધા હતી. જોકે, વિદેશી ફિલ્મો જોઈ ધરાઈ ગયેલા કે કંટાળી ગયેલા દર્શકો પ્રથમ ઈરાની ફિલ્મ જોવા મળતા રોમાંચિત થઈ ગયા. ફિલ્મ બોક્સ ઓફિસ પર સડસડાટ દોડી અને પહેલે જ દિવસે બધા શો હાઉસફુલ થઈ ગયા. પછી મોઢામોઢ એવી પબ્લિસિટી થઈ કે બે વર્ષથી વધુ સમય ઈરાનના ચિત્રપટગૃહોમાં એ દર્શકોને આકર્ષતી રહી.

બોલપટની અનોખી અને અણધારી સફળતાથી પોરસાઈ જઈ ઈમ્પિરિયલ ફિલ્મ કંપનીએ અન્ય એક ફિલ્મમાં સેપંટાને પ્રોડક્શન કંટ્રોલની જવાબદારી સોંપી. નવી જવાબદારીથી હરખાઈ ગયેલા અબ્દુલ હુસેન સેપંટાએ કંપની માટે ચાર ફિલ્મનું નિર્માણ કર્યું. ત્યારબાદ કલકત્તાની ઈસ્ટ ઈન્ડિયા ફિલ્મ કંપની માટે પણ એક બોલપટ બનાવ્યું. આ પાંચેપાંચ ફિલ્મમાં ઈરાનની સંસ્કૃતિની ભવ્યતા અને આશાસ્પદ આધુનિક ઈરાનનું ચિત્ર ઉપસાવવામાં આવ્યું હતું.

ભારતમાં ફિલ્મમેકિગનાં વિવિધ પાસાં અરદેશર ઈરાની અને તેમની ફિલ્મ કંપની પાસેથી શીખી એક કુશળ ફિલ્મમેકર બની સેપંટા ઈરાન પાછા ફર્યા. સરકારી સહાય અને પ્રાઈવેટ સેકટરની આર્થિક મદદથી સ્વદેશમાં ફિલ્મ કંપની શરૂ કરવાનું સપનું તેમણે સેવ્યું હતું. કમનસીબે ન તો સરકારનો સાથ મળ્યો કે પ્રાઈવેટ સેક્ટર પાસેથી નાણાકીય ભંડોળ પણ ન મળ્યું. અધૂરામાં માતુશ્રીની માંદગી અને પોતાની નબળી આર્થિક અવસ્થાને કારણે સેપંટા ઈરાન છોડી ભારત કે બીજે ક્યાંય જવાનું સાહસ ન કરી શક્યા. 

પરિસ્થિતિ એ હદે કથળી ગઈ કે પરિવારના ભરણપોષણ માટે ફિલ્મો બનાવવાના સપનાનું ફિડલું વાળી એને મેડા પર ચડાવી દેવું પડ્યું અને ઊનનું કારખાનું શરૂ કર્યું. તેમણે 18 પુસ્તક લખ્યાં અને પાંચ ફિલ્મ બનાવી. મેગેઝિનમાં તંત્રી બન્યા અને કળા-સંસ્કૃતિના વિષયો પર લેખો લખ્યા. 1965માં તેમણે ફરી ફિલ્મ બનાવવાનું સાહસ કર્યું. જોકે, આ પ્રયાસ અગાઉની જેમ મોટા પાયે નહોતો. નાના અમથા આઠ એમએમના કેમેરા સાથે દૈનિક જીવનની વાસ્તવિકતાનું ફિલ્માંકન કર્યું. 

જોકે, જાહેર જનતા માટે એનું પ્રદર્શન ક્યારેય ન થયું. 1968માં --પર્શિયન બોલપટના જન્મદાતા અબ્દુલ હુસેન સેપંટાનું અવસાન થયું.            
                                     
`લોરની છોકરી'ની કથા .... 

ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં એક બાળકી છે, જેનું લોરેસ્તાનમાંથી ડાકુઓ અપહરણ કરી જાય છે. ત્યારબાદ ડાકુઓ એની પાસે બળજબરીથી કામ કરાવે છે. આ બાળકી યુવતી બને છે. જાફર નામનો એક સરકારી એજન્ટ ડાકુઓના અત્યાચારને ડામવા આવે છે અને એ દરમિયાન યુવતી એના પ્રેમમાં પડે છે. બંને નાસી ભારત પહોંચે છે અને પછી આધુનિક ઈરાનમાં એ બન્ને દાખલ થાય છે. 
ટૂંકમાં અંધકારમાંથી ઉજાસ, નિરાશામાંથી આશા તરફનું પ્રયાણ છે. આ ફિલ્મ ઈરાનના પાટનગર તહેરાનમાં રિલીઝ થઈ ત્યારે એનું નામ બદલી Dokhtar-e-Lor ya Irane Diruz va Emruz (લોરની છોકરી અથવા ગઈકાલ અને આજનું ઈરાન) એવું રાખવામાં આવ્યું હતું. અબ્દુલ હુસેન સેપંટાએ `બ્લેક આઈઝ' નામની ઈરાની ફિલ્મ પણ બનાવી હતી. આ ચિત્રપટમાં ઈરાનના શાસક નાદિર શાહની વાત હતી. 

ભારત પર આક્રમણ કરી લૂંટફાટ કરી હતી. મુઘલ બાદશાહ મુહમ્મદ શાહને હરાવી નાદિર શાહે પ્રસિદ્ધ કોહિનૂર હીરો અને અઢળક સંપત્તિ લૂંટી લીધી હતી. આ ફિલ્મનું નિર્માણ મુંબઈની `શ્રી કૃષ્ણ ફિલ્મ કંપની'એ કર્યું હોવાની સત્તાવાર નોંધ છે. આ સિવાય ઈરાનના પ્રખ્યાત પ્રેમી યુગલ શીરીન (રાજકુમારી) અને ફરહાદ (શિલ્પી) તેમજ લૈલા મજનૂ પર પણ તેમણે ફિલ્મ બનાવી હતી.