Tue Aug 25 2026

Logo

વર્લ્ડ કપ માટે ઇંગ્લૅન્ડ જતાં પહેલાં ભારતીય મહિલા ક્રિકેટરો પહોંચી ઉજ્જૈનના મહાકાલના મંદિરે

2026-05-16 16:49:18
Author: Ajay Motiwala
વર્લ્ડ કપ માટે ઇંગ્લૅન્ડ જતાં પહેલાં ભારતીય મહિલા ક્રિકેટરો પહોંચી ઉજ્જૈનના મહાકાલના મંદિરે

ઉજ્જૈનઃ આગામી 12મી જૂને ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ શરૂ થશે અને એ માટેનો પ્રવાસ શરૂ કરતાં પહેલાં ભારતીય મહિલા ખેલાડીઓએ ભગવાન શિવજીના આશીર્વાદ લેવા ઉજ્જૈનમાં શ્રી મહાકાળેશ્વર મંદિરની મુલાકાત લીધી છે. આ વિશ્વ કપમાં 14મી જૂને ભારતની પ્રથમ મૅચ પાકિસ્તાન સામે રમાશે.

કૅપ્ટન હરમનપ્રીત કૌર (Harmanpreet Kaur) તેમ જ કેટલીક ખેલાડીઓ શનિવારે વહેલી સવારે આ જગવિખ્યાત જ્યોર્તિર્લિંગ મંદિરમાં આવી હતી અને તેમણે ભસ્મ આરતી (Bhasma Aarti)માં પણ હાજરી આપી હતી. એક અહેવાલ મુજબ ભારતીય ખેલાડીઓ પરોઢ પહેલાં 3.00 વાગ્યે મહાકાલના આશીર્વાદ લેવા આવી હતી. હરમનપ્રીત સાથે શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, રેણુકા ઠાકુર સિંહ, અરુંધતી રેડ્ડી, શ્રેયંકા પાટીલ, નંદની શર્મા, ક્રાંતિ ગૌડ, યસ્તિકા ભાટિયા, રિચા ઘોષ, રાધા યાદવ વગેરે ખેલાડીઓ હતી. તેઓ ભસ્મ આરતી દરમ્યાન ભક્તિમાં પૂર્ણપણે મગ્ન હતી. લગભગ બે કલાક સુધી આરતીમાં ભાગ લીધા બાદ તેમણે નંદી હૉલમાં પૂજન-અભિષેક કર્યા હતા તેમ જ નંદી બળદના કાનમાં પોતાની મનોકામના જણાવી હતી. ત્યાર બાદ ખેલાડીઓએ ચાંદી દ્વારમાંથી ભગવાન મહાકાલને પુજારીના હાથે જળ અર્પિત કરીને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આરતી અને અન્ય પૂજા-અર્ચના બાદ મંદિરની પ્રબંધ કમિટી દ્વારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by India Today (@indiatoday)

કેટલીક ખેલાડીઓએ પરિવારજનો સાથે મંદિરએ આવ્યા હતા. વિકેટકીપર યસ્તિકા ભાટિયાએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, `હું ગયા મહિને જ આ મંદિરે આવી હતી અને અહીંની મુલાકાત બાદ બાબા મહાકાલના દર્શનના આશીર્વાદથી મને ઘણું જ સારું લાગ્યું હતું.'નવેમ્બર, 2025માં ભારતની મહિલા ખેલાડીઓ વન-ડેનો વર્લ્ડ કપ જીત્યા બાદ આ મંદિરે આવી હતી. તેમને પ્રથમ વિશ્વકપ ટ્રોફીની ઐતિહાસિક સિદ્ધિ મળી એ બદલ શિવજીનો આભાર વ્યક્ત કરવા તેમણે આ ટેમ્પલની મુલાકાત લીધી હતી.