Tue Jun 30 2026

Logo

વર્લ્ડ કપમાં હાર બાદ ભારતીય મહિલા ટીમને મળ્યા સારા સમાચારઃ ઓલિમ્પિક્સ માટે કર્યું ક્વોલિફાય

2026-06-29 20:44:59
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ આઈસીસી  મહિલા ટી-20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઈન્ડિયાની સફર ભલે ગ્રુપ સ્ટેજમાં જ સમાપ્ત થઈ ગઈ હોય, પરંતુ હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ માટે સારા સમાચાર છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ લોસ એન્જલસ ઓલિમ્પિક્સ 2028 માટે ક્વોલિફાય થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા સામે છ વિકેટથી હાર સાથે ભારતનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું હતું, પરંતુ હવે તે ઓલિમ્પિક્સ 2028 માટે ક્વોલિફાય થઈ હતી.

સોમવારે આઈસીસીએ 128 વર્ષ પછી ઓલિમ્પિક્સમાં ક્રિકેટની વાપસી માટે ક્વોલિફાય પ્રક્રિયાની જાહેરાત કરી. આ સાથે ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ચાર મહિલા ટીમોના નામ પણ જાહેર કરાયા હતા જેમાં ભારતીય ટીમનો પણ સમાવેશ થાય છે.

આઈસીસીના નવા નિયમો હેઠળ, એશિયાને ફક્ત એક જ સીધો ક્વોટા મળ્યો અને તે ભારતને મળ્યો છે. નિયમો અનુસાર, આફ્રિકા, એશિયા, યુરોપ અને ઓશનિયામાંથી એક-એક ટીમને સીધો પ્રવેશ મળવાનો હતો. પરિણામે ભારત (એશિયા), ઓસ્ટ્રેલિયા (ઓશિનિયા), દક્ષિણ આફ્રિકા (આફ્રિકા) અને ગ્રેટ બ્રિટન (યુરોપ) 2028માં લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં મહિલા ક્રિકેટ ઇવેન્ટ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ચાર ટીમો બની હતી.

વિવિધ ખંડોમાંથી ચાર ક્વોટા સ્થાનો રેન્કિંગના આધારે નક્કી કરવામાં આવશે. આઈસીસીએ જણાવ્યું હતું કે, આઈસીસી પુરુષ ટી-20 ટીમ રેન્કિંગમાં મહાદ્વિપોના આધાર પર સૌથી વધુ રેન્કિંગ ધરાવતી રાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને આ ચાર સ્થાન માટે ફાળવવામાં આવશે." કટ-ઓફ તારીખ 31 ડિસેમ્બર, 2026 છે.

યજમાન અમેરિકાને પુરુષો અને મહિલાઓની કેટેગરીમાં એક ક્વોટા સ્થાન મળશે કારણ કે તેઓ ક્વોલિફિકેશન સમયગાળા દરમિયાન 15મા કે તેથી વધુ ક્રમાંકિત થવાના આઈસીસી માપદંડોને પૂર્ણ કરે છે. ફાઇનલ ઓલિમ્પિક્સ ગ્લોબલ ક્વોલિફિકેશન ટુર્નામેન્ટ પુરુષો અને મહિલાઓની શ્રેણીઓ માટે અલગથી યોજાશે જેની તારીખો પછીથી નક્કી કરવામાં આવશે.

આગામી આઠ ટોચની ક્રમાંકિત ટીમો જે રેન્કિંગના આધારે ક્વોલિફાય થઈ ન હતી પરંતુ લાયક રહી હતી તે પુરુષો અને મહિલાઓની શ્રેણીઓમાં એક સ્થાન માટે સ્પર્ધા કરશે. અંતિમ ક્વોલિફાયરમાં ખંડીય પ્રતિનિધિત્વ માટે કોઈ મહત્તમ મર્યાદા રહેશે નહીં.