Mon May 11 2026

Logo

ડૉલર સામે રૂપિયો 32 પૈસા ગબડ્યો

2026-04-10 20:02:35
Author: Ramesh Gohil
Article Image

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ એશિયામાં ખાસ કરીને અમેરિકા-ઈરાન વચ્ચેના વિવાદને કારણે વધેલા ભૂરાજકીય તણાવ ઉપરાંત રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ બૅન્કોને નેટ ઓપન પોઝિશનની મર્યાદા ઘટાડીને 10 કરોડ ડૉલર સુધી સીમિત રાખવા માટે આપેલી મુદતનો આજે છેલ્લો દિવસ હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ભારે ચંચળતાને અંતે ડૉલર સામે રૂપિયો 32 પૈસાના ગબડીને 92.83ના મથાળે બંધ રહ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 92.51ના બંધ સામે સાધારણ નરમાઈના અન્ડરટોને 92.58ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 92.83 અને ઉપરમાં 92.41 સુધી મજબૂત થઈને અંતે 32 પૈસાના ઘટાડા સાથે 92.83ના મથાળે બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં સાધારણ ત્રણ પૈસાનો સુધારો આવ્યો હતો. 

અમેરિકા-ઈરાન વચ્ચે હજુ નાજુક સ્થિતિ છે અને તેના ઉકેલ અંગે અનિશ્ચિતતાનાં વાદળો ઘેરાયેલાં હોવાની સાથે હોર્મુઝ દરિયાઈ માર્ગ પણ બંધ હોવાનું આઈએફએ ગ્લોબલે એક અહેવાલમાં જણાવ્યું હતું. દરમિયાન આજે વિશ્વ બજારમાં યુદ્ધવિરામના આશાવાદ હેઠળ ડૉલરમાં સલામતી માટેની માગ ઘટતાં ડૉલર ઈન્ડેક્સમાં ઘટાડો આવ્યો હતો, પરંતુ ત્યાર બાદ યુદ્ધવિરામ અંગે આશંકા સપાટી પર આવતાં ગઈકાલના બંધ સામે 0.03 ટકા વધીને 98.84 આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તે જ પ્રમાણે બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં પણ ભાવ ઘટ્યા મથાળેથી 0.97 ટકા વધીને બેરલદીઠ 96.86 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આ સિવાય ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 1711.19 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. 

પ્રાપ્ત અહેવાલ અનુસાર પશ્ચિમ એશિયાની કટોકટીનો અંત આણવા અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઉપપ્રમુખ જે ડી વાન્સના વડપણ હેઠળના પ્રતિનિધિમંડળને ઈસ્લામાબાદ મોકલ્યું હોવાના અહેવાલ છે. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 918.60 પૉઈન્ટનો અને 275.50 પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.