Mon Oct 05 2026

Logo

કમલજીત-સુરુચિના હાથે ભારતને મળ્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ અને એ પણ વિક્રમ સાથે!

Nagoya   2026-09-25 13:25:00
Author: Ajay Motiwala
કમલજીત-સુરુચિના હાથે ભારતને મળ્યો ઐતિહાસિક ગોલ્ડ મેડલ અને એ પણ વિક્રમ સાથે!

નાગોયા: જાપાનની એશિયન ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ મેડલ (Gold Medal) નિશાનબાજો કમલજીત સિંહ અને સુરુચિ ઇન્દર સિંહની જોડીએ અપાવ્યો છે. વધુ નવાઈની વાત એ છે કે એશિયન ગેમ્સના ઈતિહાસમાં ભારતે પહેલી જ વખત 10 મીટર ઍર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતી લીધો છે અને એ પણ વિક્રમજનક સ્કોર સાથે!

કમલજીત અને સુરુચિની જોડીએ 10 મીટર ઍર પિસ્તોલ (Air Pistol) મિકસ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલમાં 484.6ના હાઈએસ્ટ સ્કોર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. એશિયન ગેમ્સની આ પ્રકારની શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય જોડીનો આ સ્કોર નવો એશિયન વિક્રમ છે. તેમણે આટલા ઊંચા સ્કોર સાથે ગોલ્ડ મેડલ પર આસાનીથી કબજો કરી લીધો હતો. 2022માં ચીનમાં આયોજિત એશિયન ગેમ્સની આ પ્રકારની ઇવેન્ટમાં ભારતીય જોડી સિલ્વર મેડલ જીતી હતી.

શુક્રવારે બંને નિશાનબાજે ફાઇનલમાં પોતાનું અભિયાન પૂરું કર્યા બાદ મુઠ્ઠી વાળીને જોશપૂર્વક પ્રથમ સ્થાનની સિદ્ધિ સેલિબ્રેટ કરી હતી. ભારતને શૂટિંગમાં આ વખતે ગોલ્ડ મેડલના રૂપમાં પહેલું ગૌરવ અપાવવા બદલ પણ તેમના ચહેરા પર આનંદ છવાયેલો હતો. આ વખતની ટૂર્નામેન્ટમાં શૂટર્સ શુક્રવાર પહેલાં માત્ર સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જ જીતી શક્યા હતા. જોકે કમલજીતની જોડીએ ભારતીય શૂટિંગને હવે ગોલ્ડન ટર્ન અપાવી દીધો છે. આવક અને એશિયન ગેમ્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મહિલા ક્રિકેટ ટીમે અપાવ્યો હતો.

શુક્રવારે સાઉથ કોરિયાની જોડીએ 478.00ના સ્કોર સાથે રજતચંદ્રક અને ઈરાનની જોડીએ 415.08ના સ્કોર સાથે કાંસ્યચંદ્રક મેળવ્યો હતો.

50 મીટરના શૂટિંગમાં ભારતને સિલ્વર

એશિયન ગેમ્સમાં શુક્રવારે 50 મીટર 3-પી રાઈફલ શૂટિંગ ટીમ ઇવેન્ટમાં ભારતે સિલ્વર મેડલ જીતી લીધો હતો. ભારતને આ ગૌરવ અપાવનાર શૂટર્સમાં ઐશ્વરી પ્રતાપસિંહ તોમર, નીરજ કુમાર અને રુદરાંક્ષ પાટીલનો સમાવેશ હતો.

શુક્રવારે સવારે ભારત બે ગોલ્ડ સહિત કુલ ૧૯ મેડલ સાથે બારમા નંબર પર હતું.