Thu May 14 2026

Logo

સ્પોર્ટ્સવુમનઃ વન-ડેનું સર્વોચ્ચ શિખર સર કર્યું, હવે ટી-20નો વર્લ્ડ કપ જીતવાનો છે

2026-05-14 08:45:00
Author: Shasa
Article Image

 

સાશા

ગયા વર્ષે બીજી નવેમ્બરે નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ભારતની મહિલા ટીમે વન-ડેના વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવીને ભારતને પહેલી જ વખત વિમેન્સ વર્લ્ડ કપની ટ્રોફી અપાવી હતી. સ્વાભાવિક છે કે એ સફળતાથી ભારતીય મહિલા ટીમનો જુસ્સો બુલંદ થઈ ગયો હતો અને એ સાથે એવી વધુ ઉપલબ્ધિઓ મેળવવાની ભૂખ પણ જાગી હતી. એ સપનું પણ સાકાર કરવા માટેના દિવસો હવે બહુ દૂર નથી, કારણકે મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ નજીક આવી ગયો છે. આગામી 12મી જૂનથી ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં આ વિશ્વ કપ રમાશે.

12 દેશ વચ્ચેના વિમેન્સ ટી-20 વર્લ્ડ કપમાં કુલ 33 મૅચ રમાશે. આ મહા ટૂર્નામેન્ટ પછી તરત જ (10મી જુલાઈથી) ક્રિકેટના મક્કા ગણાતા લૉર્ડ્સમાં એક ઐતિહાસિક ટેસ્ટ મૅચ રમાવાની છે. આ બન્ને મોટી ઇવેન્ટ માટે ભારતે ટીમોની જાહેરાત કરી દીધી છે અને એમાં ખાસ કંઈ ફેરફાર નથી, પરંતુ વિશેષ બાબત એ છે કે પેસ બોલર નંદની શર્માને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ કરવામાં આવી છે. તેણે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં પોતાની પહેલી જ સીઝનમાં પ્રભાવ પાડ્યો હતો. તેણે દિલ્હી કૅપિટલ્સ વતી 17 વિકેટ લીધી હતી. 

બીજી વિશેષ વાત એ છે કે ડબ્લ્યૂપીએલમાં તેણે પોતાની બીજી જ મૅચમાં હૅટ-ટ્રિક લીધી હતી. એ જોતાં, આગામી વર્લ્ડ કપમાં ભારત સામે રમનારી ટીમોની બૅટર્સ તેની સામે ખાસ સાવધ રહેશે.

સવાલ એ છે કે શું આપણી ખેલાડીઓ વન-ડે વર્લ્ડ કપ જેવો જ પ્રભાવ હવે ટી-20 વિશ્વ કપમાં પાડી શકશે ખરી? સંભાવના પ્રબળ છે. ભારતીય ટીમમાં સારું સંતુલન છે અને આ ફૉર્મેટમાં ભારતે તાજેતરમાં સારું પર્ફોર્મ પણ કર્યું હતું. કૅપ્ટન હરમનપ્રીત કૌરનું કહેવું છે, ‘પાછલી જીત (વન-ડે વર્લ્ડ કપ) વિશેષ હતી, પરંતુ અમારું અભિયાન હજી પૂરું નથી થયું.’

સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સ કહે છે, ‘વન-ડે વિશ્વ કપની સફળતાએ ટીમને વધુ મહત્ત્વકાંક્ષી બનાવી દીધી છે. અમારી ભૂખ અગાઉ કરતાં ઘણી વધી ગઈ છે. એક મોટી જીત અમને બીજી મોટી જીત મેળવવા પ્રેરિત કરી રહી છે. સામાન્ય રીતે વિશ્વ કપ પછી ટીમો લાપરવાહ થઈ જતી હોય છે, પણ અમારી આ ટીમ સાવ અલગ છે. અમે ફરી એક વાર સફળતાની સીડી ચઢવા તત્પર છીએ.’

ખરેખર તો ટીમની જાહેરાત પહેલાંથી જ ટી-20 વિશ્વ કપ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. નવેમ્બર, 2025ના વન-ડે વિશ્ર્વ કપ બાદ ચૅમ્પિયન ભારતીય ટીમ ડિસેમ્બરમાં ઘરઆંગણે શ્રીલંકા સામે ટી-20 સિરીઝ રમી હતી જે 5-0થી જીતી લીધી હતી. ત્યાંથી જ ટી-20 વિશ્ર્વ કપની યાત્રા શરૂ થઈ હતી. ત્યાર પછી ભારતીય ટીમ વધુ બે ટી-20 શ્રેણી રમી હતી. 

ભારતે ઑસ્ટ્રેલિયાને ઑસ્ટ્રેલિયામાં 2-1થી પરાજિત કર્યું હતું, જ્યારે દુર્ભાગ્યપણે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી ભારત સામે જરાય સારી નહોતી. એમાં ભારતનો 1-4થી પરાભવ થયો હતો. એ વિશે જેમિમા રૉડ્રિગ્સ કહે છે, ‘ક્યારેક નિષ્ફળતા ખેલાડીને જીતની તુલનામાં વધુ બોધ આપે છે. એ પરાજયમાં અમારું રિયાલિટી-ચેક થઈ ગયું હતું. અમે શું ભૂલ કરી એ બરાબર શોધી કાઢી અને એમાં સુધારો કરી રહ્યાં છીએ. અમે દરેક હારને ખેલદિલીપૂર્વક લઈ રહ્યાં છીએ અને તનતોડ મહેનતથી પાક્કી તૈયારીઓ કરી રહ્યાં છીએ. અમે જોરદાર વાપસી કરીશું.’

ઇંગ્લૅન્ડમાં ટી-20 વર્લ્ડ કપ રમવા જતાં પહેલાં ભારતીય ટીમ ભૂતકાળની એક સિરીઝને બરાબર યાદ કરી લેશે. એ પાછલી સિરીઝમાં ભારતે ઇંગ્લૅન્ડને એની જ ધરતી પર 3-2થી હરાવ્યું હતું. આગામી વિશ્ર્વ કપ ત્યાં જ રમાવાનો છે અને ઇંગ્લૅન્ડમાં જ પહેલી વખત પેસ બોલર ક્રાંતિ ગૌડે હરીફ બૅટર્સને પોતાની લાઇન અને લેન્ગ્થથી પ્રભાવિત કરી દીધી હતી. ઇંગ્લૅન્ડ જવા રવાના થતાં પહેલાં ભારતીય ખેલાડીઓ બેંગ્લૂરુમાં એક અઠવાડિયાના કૅમ્પ માટે ભેગી થઈ છે. 

વિશ્વ કપ પહેલાં ભારતીય ટીમ ઇંગ્લૅન્ડ સામે ત્રણ મૅચની ટી-20 સિરીઝ રમશે કે જેથી ત્યાંની સ્થિતિથી અનુરૂપ થઈ જવાય. એટલું જ નહીં, બ્રિટિશ ટીમ સામેની એ સિરીઝ ટીમમાં કયા કૉમ્બિનેશન રાખવા એ પણ નક્કી કરવામાં આવશે. વર્લ્ડ કપમાં ભારતની પ્રથમ મૅચ 14મી જૂને પાકિસ્તાન સામે રમાવાની છે.

પાછલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પોતાની પ્રતિષ્ઠાને અનુરૂપ પર્ફોર્મ નહોતી કરી શકી. શું આ વખતે આ ફૉર્મેટમાં સારું રમશે? કૅપ્ટન હરમનપ્રીત કૌર કહે છે, ‘અમે વન-ડેના વર્લ્ડ ચૅમ્પિયન છીએ એટલે હવે ટી-20 વર્લ્ડ કપ જીતવા બાબતમાં પણ અમારા પર માનસિક દબાણ રહેશે અને થોડી હતાશા પણ રહેશે. જોકે મોટી ટૂર્નામેન્ટો માટે અમે પોતાને માનસિક રીતે કેવી રીતે તૈયાર કરીએ છીએ એ સૌથી મહત્ત્વનું છે.’

જેમિમા કહે છે, ‘પૂર્વતૈયારીઓ અમારી ટીમનો અતૂટ હિસ્સો છે. અમે દરેક પડકારને પહોંચી વળવા તૈયાર રહેવામાં માનીએ છીએ. અમે એકદમ યોગ્ય રીતે આગળ વધી રહ્યા છીએ.’ હરમન અને જેમિમાના આ મંતવ્યો સાથે હેડ-કોચ અમોલ મુઝુમદાર પણ સહમત છે અને તેમનું કહેવું છે કે ‘પ્રૅક્ટિસ કૅમ્પ ખૂબ જ પરિણામલક્ષી બની રહેશે.’

જોકે ભારતીય ટીમ હરફનમૌલા ખેલાડી અમનજોત કૌરની ગેરહાજરી જરૂર અનુભવશે. નવેમ્બરના વન-ડે વર્લ્ડ કપમાં તેણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ પચીસ વર્ષીય પેસ બોલરને કમરમાં અસહ્ય દુખાવો છે અને તે સર્જરી કરાવવાની છે. અમોલ મુઝુમદાર તેના વિશે કહે છે, ‘અમનજોત જેવી પ્રતિભાશાળી ખેલાડીને રિપ્લેસ કરવી ખૂબ કઠિન છે. તે સતતપણે સારું પર્ફોર્મ કરી રહી હતી. જોકે ઈજા તો રમતનો એક હિસ્સો કહેવાય. હું આશા રાખું છું કે તે વધુ મજબૂત થઈને વાપસી કરશે.’

ભારતીય ટીમમાં અનુભવ છે અને ભરપૂર આત્મવિશ્ર્વાસ પણ છે. હવે માત્ર જરૂર છે કે ટીમ એક થઈને સારું પર્ફોર્મ કરે અને 2025 પછી 2026માં પણ એક મોટી ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટપ્રેમીઓના દિલોદિમાગ બાગ-બાગ કરી દે.