અમદાવાદ: ભારતીય રમત જગત માટે 8મી માર્ચ ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાઈ ગયો છે. શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી હાઈ વોલ્ટેજ ફાઈનલ મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડને 96 રને પછાડીને ત્રીજી વખત T20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. અમદાવાદ અને ગુજરાત સહિત આખા દેશમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. આ વચ્ચે ભારતીય ટીમના શિરોમણીઓએ પરમાત્માનો આભાર માનવાનું ચૂક્યા નહોતા.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતા જ ચારેબાજુ વિજય ઉત્સવ શરૂ થઈ ગયો હતો. જોકે, આ ભવ્ય સફળતા બાદ મોડી રાત્રે કોઈ હાઈ-પ્રોફાઈલ પાર્ટી કરવાને બદલે કેપ્ટન સૂર્યકુમાર યાદવ, કોચ ગૌતમ ગંભીર અને ICC ચેરમેન જય શાહ સીધા જ અમદાવાદના સુપ્રસિદ્ધ હનુમાન મંદિર પહોંચ્યા હતા. ટ્રોફી સાથે મંદિરની મુલાકાત લેતા આ ત્રણેય દિગ્ગજોની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે અને લોકો તેમની આસ્થાના વખાણ કરી રહ્યા છે.
નોંધનીય છે કે, ફાઈનલ મેચ પહેલા પણ સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીર ટૂ-વ્હીલર પર સવાર થઈને છૂપી રીતે હનુમાન દાદાના દર્શને આવ્યા હતા અને જીત માટે પ્રાર્થના કરી હતી. હનુમાન દાદાએ જાણે તેમની અરજ સાંભળી લીધી હોય તેમ ભારતે શાનદાર વિજય મેળવ્યો. એટલા માટે જીત્યા બાદ તરત જ કેપ્ટન સૂર્યકુમાર ટ્રોફી લઈને આભાર માનવા 'હનુમાન ટેકરી' પહોંચ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમની નજીક આવેલા આ હનુમાન મંદિરમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મંદિરના મહંત ઈશ્વરદાસજી મહારાજે ત્રણેય મહાનુભાવોને આશીર્વાદ આપ્યા હતા. પૂજારીએ જય શાહ અને ગૌતમ ગંભીરને તિલક કરીને વિજયી આવકાર આપ્યો હતો, જ્યારે સૂર્યકુમારનું હાર પહેરાવી વિશેષ સન્માન કરાયું હતું. ટ્રોફી સાથે પ્રાર્થના કરતા આ ખેલાડીઓની આંખોમાં જીતનો આનંદ અને દાદા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા સ્પષ્ટ દેખાતી હતી.