Thu Apr 23 2026

Logo

... તો શું 2030 સુધીમાં પાણી ખતમ થઈ જશે?

2026-03-29 08:56:00
Author: Vina Gautam
Article Image

 

 

વિશેષ પ્લસ - વીણા ગૌતમ

છેલ્લાં ઘણાં વર્ષોથી વિશ્વના અનેક દેશોની સાથે ભારતમાં પણ જળસંકટ ઊભુ થવાનું છે એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે 2030 સુધી ભારત જળસંકટનો શિકાર બની જશે. જોકે આપણે ભારતીયો કોઈ આશંકા કે સમસ્યાઓને ગંભીરતાથી લેવામાં આવે એનાથી ટેવાયા નથી. આ જ કારણ છે કે કરોડો દેશવાસીઓને આ વાત મજાક જ લાગે છે કે ચાર-પાંચ વર્ષોમાં દેશમાં પાણીને લઈને હાહાકાર મચી જવાનો છે. મહાનગરો જેવા કે મુંબઈ, ચેન્નઈ, બેંગ્લૂરુ અને હૈદરાબાદમાં રહેતા લોકોને દર વર્ષે પાણીના કાપનો સામનો કરવો પડે છે. જોકે હજી પણ અનેક લોકો આ સંકટને ગંભીરતાથી નથી લેતા. 

જોકે વાસ્તવિકતા એ પણ છે કે પૃથ્વી પર જે રીતે પાણીનું ચક્ર ફરે છે એને જોતાં પાણી કદી ખતમ નહીં થાય. જાણકારોનું માનવું છે કે જો આપણે હજી પણ પાણીને બચાવવા માટે યોગ્ય પગલાં ન લીધા તો 2030માં પીવાના પાણીને લઈને ભયંકર સમસ્યા નિર્માણ થશે. સમયની સાથે પીવાના પાણીના સ્ત્રોત ધીરે-ધીરે ખતમ થઈ રહ્યા છે. 2018માં નીતી આયોગના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જો મીઠા પાણીને લઈને આપણું વર્તન બદલાયું નહીં તો પીવાના પાણીની સમસ્યા વકરશે એમાં કોઈ બેમત નથી. 

અત્યાર સુધીના અનુમાન પ્રમાણે વર્ષ 2030 સુધી પીવાના પાણીની ઉપલબ્ધતા, ડિમાન્ડની સરખામણીએ પચાસ ટકા ઘટી જશે. એનાથી સ્વચ્છ પાણી દુર્લભ થઈ જશે. ભારતમાં પાણીનું આ સંકટ એક નહીં અનેક કારણોથી ઘેરાયેલું છે. પહેલું સૌથી મોટુ કારણ તો એ છે કે આપણે ભારતીયો સતત ચેતાવણી છતાં પણ પાણીનો વેડફાટ કરીએ છીએ. સરકારની ચેતવણીઓને ખેડૂતો અને શહેરના લોકો કાને ધરતા નથી. આ જ કારણ છે કે આપણો દેશ સૌથી વધુ પાણીનો ઉપયોગ કરવાવાળો દેશ છે. 

કૃષિ પ્રધાન રાજયો જેવા કે પંજાબ અને હરિયાણા પણ પાણીનો બેફામ ઉપયોગ કરે છે. 

જળસંકટનું બીજુ કારણ કૂદકે ને ભૂસકે વધી રહેલી દેશની લોકસંખ્યા અને શહેરીકરણ છે. આજે ભારતમાં એવું કોઈ શહેર નથી જ્યાં પીવાના પાણીને લઈને પૂરી રીતે આત્મનિર્ભર હોય કે પછી ભરપૂર પિવાનું પાણી ઉપલબ્ધ હોય. એથી જ મે મહિના સુધીમાં તો પાણીમાં ઘટાડો જોવા મળે છે. જોકે ભવિષ્યમાં પાણીની તંગી વિકરાળ રૂપ લઈ શકે છે.

મીઠા પાણીના પારંપરિક જળ સ્ત્રોત ઘટવાનું મુખ્ય કારણ તેમની તરફ લોકોનું ઓરમાયું વર્તન છે. જોકે અનેક દશકોથી નિષ્ણાતો એની ચેતવણી આપી રહ્યા છે. ભારતમાં સદીઓથી તળાવો, કૂવા અને વાવડી જોવા મળતા હતા. ભાગ્યે જ કોઈ એવું શહેર હશે જેમાં તળાવ ન હોય. જે પ્રાચીનકાળથી જળસંગ્રહનો મજબૂત આધાર રહ્યો છે. જોકે વિકાસની આંધળી દોટમાં આપણે એને નષ્ટ કર્યા છે. 

બેંગ્લૂરુ જેવા શહેરોમાં પચાસ અને સાંઇઠના દાયકામાં 250 તળાવો હતાં, જે હવે માત્ર 20થી 28 રહ્યા છે. એમાંથી મોટાભાગના તો પાણીના અભાવને કારણે સુક્કાભઠ્ઠ હોય છે. માત્ર વરસાદની ઋતુમાં જ એમાં પાણી હોય છે. 

આજે ગ્લોબલ વોર્મિંગના ભરડામાં આખું વિશ્વ આવી ગયું છે. શહેરોમાં અસહ્ય ગરમી પડી રહી છે. જળસંકટ પણ માથું ઊંચકી રહ્યું છે. 

ચેન્નઈ, બેંગ્લૂરુ, હૈદરાબાદ, દિલ્હી અને પુણે એવા શહેરો છે જ્યાં દર વર્ષે પાણીની અછત પેદા થાય છે. એનું સૌથી મોટું કારણ જળવાયુ પરિવર્તન છે. 

જળવાયુ પરિવર્તનને કારણે વરસાદ અને ઋતુમાં પણ બદલાવ આવ્યો છે. પાણીની સમસ્યાને જોતા એને બચાવવા અને એના ઉપયોગમાં આપણે સજાગતા નથી લાવતાં. લોકોને એમ લાગે છે કે પાણી નહીં મળે તો ટેન્કર મંગાવીશું, પરંતુ લોકો એ વાત સમજતા નથી કે દેશના તમામ લોકોને ટેન્કર વડે પાણી પૂરું પાડવું શક્ય નથી. 

 

એવામાં વરસાદના પાણીનો યોગ્ય રીતે સંગ્રહ કરવો ખૂબ જરૂરી છે. જળસંગ્રહને લઈને આજે પણ લોકોનું વર્તન ઉદાસીન છે. 

 

ખેતરમાં 80 ટકા પાણીનો ઉપયોગ થાય છે. અનાજ અને શેરડીના પાકને પાણીની વધુ જરૂર પડે છે. અનેક રાજ્યોમાં તો આ પાકને કારણે પાણીના સ્તર ખૂબ નીચે ચાલ્યા ગયા છે. એથી ધરતીના પેટાળમાં રહેલા પાણી પણ ખતમ થઈ રહ્યા છે. 

ખેતરમાં ટપક પદ્ધતિ જેવી સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો ખેતરમાં લાગતાં 40 ટકા પાણીનો બચાવ કરી શકાય છે. 

દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં વરસાદ ઘણો સારો એવો વરસે છે, પરંતુ દુર્ભાગ્યની વાત એ છે કે 80 ટકા વરસાદનું પાણી વહી જાય છે. એનો યોગ્ય પ્રમાણમાં સંગ્રહ થતો નથી. એથી જળસંકટથી બચવું હોય તો પારંપરિક જળ સ્ત્રોતની સુરક્ષા કરવી જ રહી.

ભારતમાં જળસંકટના મહત્ત્વના તથ્ય

વિશ્વની 18 ટકા લોકસંખ્યા ભારતમાં છે. જોકે એની સરખામણીએ આપણી પાસે માત્ર ચાર ટકા જ મીઠા પાણીનો સ્ત્રોત છે.

દેશમાં ઉપયોગમાં લેવામાં આવતા કુલ પાણીનો 80 ટકા ભાગ ખેતરમાં વપરાય છે. સૌથી વધુ ભૂ-જળ ઉપયોગ કરનારો દેશ આપણો છે અને એ જ કારણ છે કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં જળસંકટ વધુ ઘેરું છે.

 

નિષ્ણાતો મુજબ 2030 સુધી ભારતમાં પાણીની માગ આજની સરખામણીએ બમણી થઈ જશે. દેશના અનેક શહેરી વિસ્તારોમાં ગરમીમાં અન્ય ઠેકાણેથી પાણીના ટેન્કર મંગાવવામાં આવે છે. 

આ સંકટ આજ-કાલમાં નિર્માણ નથી થયું. હજી પણ સમય છે જળસંકટને અટકાવવાનો. નહીં તો આવનારો સમય ભયાનક રહેશે અને લોકોને પાણી માટે વલખાં મારવા પડશે.