Sun Sep 06 2026

Logo

અમદાવાદમાં ટી-20નો ક્રિકેટોત્સવ માણવા આવી ગયા હજારો પ્રેક્ષકો

2026-02-22 19:31:04
Author: Ajay Motiwala
અમદાવાદમાં ટી-20નો ક્રિકેટોત્સવ માણવા આવી ગયા હજારો પ્રેક્ષકો

ભારત અને સાઉથ આફ્રિકાના સુપરસ્ટાર્સના પર્ફોર્મન્સ જોવા લોકોમાં અનેરો રોમાંચ

અમદાવાદઃ અહીં મોટેરા ખાતે કુલ 1,32,000 સીટ ધરાવતા ક્રિકેટ જગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની મૅચ હોય અને સાઉથ આફ્રિકા જેવી ધરખમ ટીમ સાથે મુકાબલો થવાનો હોય તો કયા ક્રિકેટપ્રેમીને એ ટક્કર જોવાનું મન ન થાય! અમદાવાદ(Ahmedabad)ના આ સ્ટેડિયમમાં અસંખ્ય પ્રેક્ષકો (Spectators) કલાકો પહેલાંથી જ ગોઠવાઈ ગયા હતા અને બીજા પ્રેક્ષકોના ધાડાંના ધાડાં આવતાં ટી-20 વર્લ્ડ કપના બ્લૉકબસ્ટર મુકાબલા માટે ઐતિહાસિક કહી શકાય એવી સ્થિતિ અને માહોલ સર્જાયા છે.

ભારત અને સાઉથ આફ્રિકા બન્ને ટીમ પોતપોતાના ગ્રૂપમાં અપરાજિત રહ્યા બાદ સુપર-એઇટ રાઉન્ડમાં સામસામે આવી છે અને બે વર્ષ પહેલાંના વર્લ્ડ કપની ફાઇનલમાં જે સામાસામી થઈ હતી એનું અહીં અમદાવાદના મેદાન પર પુનરાવર્તન જોવા મળી શકે. 2024ના વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું અને સાઉથ આફ્રિકાએ રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો.

અમદાવાદના સ્ટેડિયમમાં (ટીમ ઇન્ડિયાના ટી-શર્ટમાં હજારો લોકો આવ્યા હોવાથી) જાણે બ્લૂ રંગનો દરિયો જોવા મળી રહ્યો છે. અનેક પ્રેક્ષકો આ ક્રિકેટોત્સવ માણવા અનોખા પોશાકમાં આવ્યા છે અને ઘણા લોકો ચહેરા પર કે હાથ પર ટૅટૂ લગાવડાવીને સ્ટેડિયમમાં પહોંચ્યા છે. બાકી, એકેએક પ્રેક્ષક રોમાંચિત છે.

સાઉથ આફ્રિકાએ પ્રથમ બૅટિંગ પસંદ કરી છે અને ભારતીય બોલિંગ લાઇન-અપની અગ્નિપરીક્ષા થવાની છે. આ રોમાંચક મુકાબલો માણવા દેશ-વિદેશથી પણ ઘણા ક્રિકેટચાહકો આવ્યા છે. ગયા રવિવારે કોલંબોમાં ભારતે પાકિસ્તાનને વન-સાઇડેડ મૅચમાં જોરદાર પછડાટ આપી ત્યાર બાદ હવે સાઉથ આફ્રિકાએ વર્લ્ડ નંબર-વન ભારતની નાગચૂડમાંથી બચવું પડશે. ભારતીય ટીમમાં બે વર્લ્ડ નંબર-વન પ્લેયર (અભિષેક અને વરુણ ચક્રવર્તી) હોવાથી તેમના પર સૌની ખાસ નજર રહેશે.