ટચૂકડા આયરલૅન્ડ સામે વર્લ્ડ ચૅમ્પિયન ભારત પરાસ્તઃ વૈભવને ધરાર ન રમાડવાનું પરિણામ ભોગવ્યું
બેલફાસ્ટઃ નવા ટી-20 કૅપ્ટન શ્રેયસ ઐયરની નવી કૅપ્ટન્સીમાં અને ગૌતમ ગંભીરના કોચિંગમાં વર્લ્ડ ચૅમ્પિયન ભારતનો અહીં આયરલૅન્ડ સામે ઘોર પરાજય થયો હતો. ટી-20 ફૉર્મેટની પ્રથમ ક્રમની ભારતીય ટીમે ક્રિકેટ જગતમાં ટચૂકડા ગણાતા આયરલૅન્ડ (Ireland) સામે એક રનથી પરાજય જોવો પડ્યો એ ભારત (India) માટે અપમાનજનક અને શર્મનાક કહેવાય. શુક્રવારે ભારત પહેલી જ વખત આયરલૅન્ડ સામે પરાજિત થયું અને રવિવારે બીજી તથા અંતિમ ટી-20માં પણ પરાજિત થતાં આયરલૅન્ડે ભારતનો 2-0થી વાઇટવૉશ કર્યો. આ સિરીઝ આયરલૅન્ડના ક્રિકેટ-ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
આઇસીસી સાથે સંકળાયેલા રાષ્ટ્રોમાં આયરલૅન્ડ બહુ નાનો દેશ છે. 12મા ક્રમના આ દેશની ટીમ સામે સર્વોચ્ચ ક્રમાંકિત સિરીઝમાં ભારત સાવ નતમસ્તક થઈ ગયું. ત્રણ દિવસમાં સતત બે ટી-20 હારી જતાં આઇરિશ ટીમે 2-0થી ક્લીન સ્વીપ કરી છે. આયરલૅન્ડે બૅટિંગ મળ્યા બાદ આઠ વિકેટે 154 રન બનાવ્યા હતા. ભારતે જવાબમાં 20 ઓવરમાં નવ વિકેટે 153 રન બનાવ્યા હતા. નવોદિત ફાસ્ટ બોલર પ્રિન્સ યાદવ અને અનુભવી ખેલાડી અર્શદીપ સિંહમાંથી જો કોઈ એક પ્લેયરે એક રન બનાવ્યો હોત તો મૅચ સુપર ઓવરમાં ગઈ હોત અને બે રન બનતાં ભારત જીત્યું હોત. જોકે એ પહેલાં ભારતની મુખ્ય બૅટિંગ લાઇન-અપ પણ ફ્લૉપ ગઈ હતી.
BCCI
હેડ-કોચ ગૌતમ ગંભીર, કૅપ્ટન શ્રેયસ ઐયર તેમ જ ટીમના વરિષ્ઠ ખેલાડીઓથી બનેલા ટીમ મૅનેજમેન્ટે આઇપીએલ-2026માં હાઇએસ્ટ 776 રન બનાવનાર સર્વશ્રેષ્ઠ બૅટ્સમૅન 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને સિરીઝમાં ધરાર ન રમાડીને મોટું બ્લન્ડર કર્યું. સિક્સર સ્પેશિયાલિસ્ટ વૈભવના ધમાકેદાર આરંભ સામે આયરલૅન્ડની ટીમ ઝૂકી ગઈ હોત, પણ તેણે અને તેના અસંખ્ય ચાહકોએ બન્ને મૅચ વખતે નિરાશ હાલતમાં બેઠા રહેવું પડ્યું.
ભારતીય મૂળના ફાસ્ટ બોલર જય મુંદરાની દાવની પહેલી જ ઓવરના પહેલા જ બૉલમાં સૅમસન (0) અને અભિષેક શર્મા (0) વિકેટ ગુમાવી બેઠા હતા. બન્નેને નામે ગોલ્ડન ડક લખાયા હતા. સૅમસન દાવના પ્રથમ બૉલમાં એલબીડબ્લ્યૂ થયો ત્યાર પછી ઇશાન કિશન બૅટિંગમાં આવ્યો અને થોડી વાર બાદ અભિષેકે પોતાના પહેલા જ બૉલમાં હૉલાર્ડને કૅચ આપી દીધો હતો. રાજસ્થાનના ટોંક શહેરનો જય ભારતને સતત બીજી મૅચમાં ભારે પડી ગયો. તેણે અને મૅટ હૉલાર્ડે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. તિલક વર્માએ 46 બૉલમાં પંચાવન રન બનાવ્યા હતા, પણ એ એળે ગયા હતા. કિશન (12 રન), શ્રેયસ (10 રન), અક્ષર (14 રન) શિવમ (20) ભારતને પરાજયથી નહોતા બચાવી શક્યા.