બ્રિસ્ટલ: ગુરુવારે ટી-20 સિરીઝની ચોથી મૅચમાં ભારત (20 ઓવરમાં 7/158)ને યજમાન ઇંગ્લૅન્ડે (13.5 ઓવરમાં 1/159) નવ વિકેટે હરાવીને 3-0થી વિજયી સરસાઈ મેળવી લીધી એ ઇંગ્લૅન્ડ માટે નવા ઇતિહાસ સમાન છે અને ભારત માટે મોટી નામોશી છે. હાલત એવી છે કે ભારતે હવે (0-4થી વાઈટવૉશ થશે તો) ઘણા મહિનાઓથી સાચવી રાખેલી ટી-20ની નંબર-વન રૅન્ક ઇંગ્લૅન્ડને સોંપી દેવી પડશે.
ટી-20 ફૉર્મેટમાં ઇંગ્લૅન્ડ પહેલી જ વખત ભારત સામે શ્રેણી જીત્યું છે. ભારતે 2019ની સાલ પછી (સાત વર્ષે) પહેલી વખત ઉપરાઉપરી બે ટી-20 સિરીઝમાં પરાજય જોવો પડ્યો છે. હવે શનિવારે પણ ભારત હારશે તો ઇંગ્લૅન્ડ 4-0ની ક્લીન સ્વીપ સાથે ટ્રોફી પર પોતાનું નામ લખાવી લેશે અને ભારતની ટી-20ની નંબર વન રૅન્ક ઇંગ્લેન્ડના કબજામાં જતી રહેશે.
વધુ ચિંતાજનક વાત એ છે કે શ્રેયસ ઐયર જેવા કાબેલ બૅટ્સમૅનની કેપ્ટન્સીમાં પહેલી બંને સિરીઝમાં ભારતની હાર થઈ. આયરલૅન્ડે ભારતને પહેલી વખત મૅચમાં અને પછી સિરીઝમાં પરાજિત કરીને પોતાની ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો અને હવે ઇંગ્લૅન્ડ પહેલી જ વખત ટી-20માં ભારત (India) સામેની સિરીઝની ટ્રોફી જીતવામાં સફળ થયું. આ અગાઉની 10માંથી આઠ સિરીઝ ભારતે જીતી લીધી હતી અને બે સિરીઝ ડ્રોમાં ગઈ હતી.
ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લૅન્ડની ટીમની હાલત (બેન સ્ટોક્સની ઓચિંતી નિવૃત્તિને કારણે) ખરાબ છે, કારણકે તાજેતરમાં જ બ્રિટિશ ટીમે ન્યૂ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં 1-2થી પરાજય ખમવો પડ્યો હતો. જોકે ટી-20માં હૅરી બ્રુકના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની ટીમ નવા જોશ અને ઉમંગ સાથે ઉભરી રહી છે.
હૅરી બ્રુકના સુકાનમાં 22માંથી 19 જીત
ટી-20 ફૉર્મેટમાં બૅટ્સમૅન હૅરી બ્રુક ઇંગ્લૅન્ડ (England)નો સૌથી સફળ કેપ્ટન છે. તેના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડ છેલ્લા એક વર્ષમાં 22માંથી 19 ટી-20 મૅચ જીત્યું છે.
હૅરી બ્રુક સફળ, શ્રેયસ નિષ્ફળ
હૅરી બ્રુકને ગયા વર્ષે કેપ્ટન્સી સોંપવામાં આવી હતી અને તે ખૂબ સફળતા મેળવી રહ્યો છે. બીજી તરફ, ભારતના સિલેક્ટરોએ વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટન્સી પાછી લઈ લેવા ઉપરાંત તેને પ્લેયર તરીકે પણ ટીમમાં ન જાળવી રાખ્યો અને હવે શ્રેયસ ઐયરના સુકાનમાં ભારત બૅક-ટૂ-બૅક સિરીઝ હાર્યુ છે.
ભારત પહેલી વખત સતત પાંચ ટી-20 હાર્યું
2007ના પ્રથમ ટી-20 વર્લ્ડ કપનું અને 2024 તથા 2026ના છેલ્લા બંને ટી-20 વિશ્વ કપનું વિજેતા ભારત બે દાયકા જૂના ટી-20ના ઇતિહાસમાં પહેલી વખત લાગલગાટ પાંચ મૅચ હારી ગયું. શ્રેયસ ઐયરની કેપ્ટન્સી તો હવે જોખમમાં છે જ, હેડ-કોચ ગૌતમ ગંભીરની ગાદી પણ નિશાન બની શકે.
શ્રેયસના 80 રન પાણીમાં, સોલ્ટ-બ્રુકની 146ની ભાગીદારી
ભારતે પ્રથમ બૅટિંગ પસંદ કર્યા પછી વૈભવ સૂર્યવંશી (15 રન), અભિષેક શર્મા (16 રન), ઈશાન કિશન (4 રન), અને તિલક વર્મા (11 રન) તેમ જ શિવમ દુબે (22 રન) ફરી સારું પર્ફોર્મ કરવામાં નિષ્ફળ ગયા હતા. ખુદ કેપ્ટન શ્રેયસ ઐયર (80 અણનમ, 49 બૉલ, પાંચ સિક્સર, ચાર ફોર) ઘણા દિવસે સારું રમવામાં સફળ થયો પણ તેની આ ઇનિંગ્સ એળે ગઈ હતી. વૈભવ સૂર્યવંશી સતત બીજી મૅચમાં જોફ્રા આર્ચરનો શિકાર થયો. જોફ્રા આર્ચર અને જૉશ ટન્ગે સૌથી વધુ બે-બે વિકેટ લીધી હતી.
ભારતના 7/158ના જવાબમાં ઇંગ્લૅન્ડે 13.5 ઓવરમાં (37 બૉલ બાકી રાખીને) 1/159ના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. ઇંગ્લૅન્ડની એકમાત્ર જૉસ બટલરની વિકેટ અર્થદીપ સિંહ મેળવી હતી.
હૅરી બ્રુક મૅન ઑફ ધ મૅચ
ઇંગ્લૅન્ડના 159 રનમાં ઓપનર ફિલ સોલ્ટ (59 અણનમ, 42 બૉલ, એક સિક્સર, નવ ફોર) અને હૅરી બ્રુક (79 અણનમ, 35 બૉલ, ચાર સિકસર, આઠ ફોર)ની 146 રનની અતૂટ ભાગીદારીનો સૌથી મોટો ફાળો હતો. હૅરી બ્રુકને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.