Sun Oct 04 2026

Logo

દિલ્હીમાં 13મીએ બ્રિક્સ પરિષદ વચ્ચે ભારત-અફઘાનિસ્તાન ટી-20 રમાશે? આ મોટો નિર્ણય લેવાઈ ગયો

2026-09-10 20:16:35
Author: Ajay Motiwala
દિલ્હીમાં 13મીએ બ્રિક્સ પરિષદ વચ્ચે ભારત-અફઘાનિસ્તાન ટી-20 રમાશે? આ મોટો નિર્ણય લેવાઈ ગયો

નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં એક તરફ આગામી વીકએન્ડમાં (શનિવાર અને રવિવારે) પાંચ મોટા દેશો વચ્ચેની બ્રિક્સ શિખર પરિષદ યોજાવાની છે અને એ જ અરસામાં (રવિવારે) દિલ્હીમાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી-20 સિરીઝની પ્રથમ મૅચનું આયોજન કરવામાં આવ્યું હોવાને કારણે એવી સંભાવના હતી કે ટી-20 મૅચના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવશે, પરંતુ ગુરુવારે સાંજે જાહેર કરવામાં આવ્યું હતું કે આ ક્રિકેટ મૅચ નિર્ધારિત દિવસે (રવિવારે) દિલ્હીમાં જ રમાશે.

ચીનના પ્રમુખ શી જિનપિંગ બ્રિક્સ પરિષદ માટે ભારત આવવાના હોવાનું છેલ્લી ઘડીએ નક્કી થતાં તેમ જ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સહિત ટોચના નેતાઓ, વીવીઆઇપીઓ તેમ જ મહાનુભાવો તથા અધિકારીઓ દિલ્હી આવવાના હોવાથી દિલ્હી ટ્રાફિક પોલીસે સલામતીના બંદોબસ્ત વચ્ચે વાહન-વ્યવહારને કાબૂમાં રાખવાનું મુશ્કેલ બની જશે એવું કારણ આપીને ટી-20 મૅચ અન્ય કોઈ દિવસે અથવા અન્ય કોઈ શહેરમાં રાખવાની વિનંતી કરી હતી.

જોકે દિલ્હી ઍન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ અસોસિયેશન (DDCA) દ્વારા ગુરુવારે દિલ્હી ટ્રાફિકના સત્તાધીશો સાથેની મંત્રણા બાદ જાહેરાત કરવામાં આવી હતી કે બ્રિક્સ પરિષદ હોવા છતાં રવિવારની મૅચ (MATCH) રમાશે જ. અરુણ જેટલી સ્ટેડિયમમાં મૅચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે અને બ્રિક્સની બેઠક કદાચ એ પહેલાં પૂરી થઈ ગઈ હશે. આ સ્ટેડિયમમાં લગભગ પચીસથી ત્રીસ હજાર પ્રેક્ષકો મૅચ જોવા આવશે.

બ્રિક્સ (BRICS) સાથે સંકળાયેલા 11 જેટલા દેશોમાંથી મુખ્ય પાંચ દેશ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા (બી. આર. આઇ. સી. એસ.)ના નામ પરથી બ્રિક્સ શિખર પરિષદનું નામ પડ્યું છે.

ભારતની ધરતી પર અફઘાનિસ્તાન યજમાન

ટી-20 સિરીઝની ત્રણ મૅચ દિલ્હીમાં 13, 15 અને 17મી સપ્ટેમ્બરે રમાશે. દરેક મૅચ નિર્ધારિત દિવસે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. મૂળ તો અફઘાનિસ્તાન આ સિરીઝનું યજમાન છે. તેમની ટીમ અસલામતીના કારણસર અન્ય કોઈ દેશમાં સિરીઝ ન રાખી શકતું હોવાથી તેમને ભારતમાં તેમના વતી શ્રેણી રાખવાની પરવાનગી અપાઈ છે. શ્રેયસ ઐયર ભારતનો અને ઇબ્રાહિમ ઝડ્રાન અફઘાનિસ્તાનનો કૅપ્ટન છે.