Mon Sep 07 2026

Logo

શ્રીલંકા સામે ટેસ્ટ સીરિઝમાંથી બુમરાહ બહાર થતાં કોને લાગી લોટરી? જાણો કોણ છે

2026-08-03 12:14:00
Author: Mayur Patel
શ્રીલંકા સામે ટેસ્ટ સીરિઝમાંથી બુમરાહ બહાર થતાં કોને લાગી લોટરી? જાણો કોણ છે

મુંબઈઃ શ્રીલંકામાં 15મી ઑગસ્ટે ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં ભારતને મોટો ફટકો લાગ્યો હતો. ટીમનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે બહાર થઈ ગયો હતો. બુમરાહ બહાર થતાં આકિબ નબીની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. ઘરેલું ક્રિકેટમાં તે જમ્મુ-કાશ્મીર તરફથી રમે છે. બીસીસીઆઈએ એક નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી હતી.

કોણ છે આકિબ નબી

આકિબ નબી હજુ સુધી ભારત તરફથી કોઈ મેચ રમ્યો નથી. પરંતુ ઘરેલું ક્રિકેટમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કર્યા છે. તેણે રણજી ટ્રોફી 2025-26માં સૌથી વધારે વિકેટ લીધી હતી અને જમ્મુ-કાશ્મીરને પ્રથમ રણજી ટ્રોફી  જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બારામૂલાના 29 વર્ષીય ફાસ્ટ બોલરે અત્યાર સુધીમાં 43 ફર્સ્ટ ક્લાસ મેચમાં 162 વિકેટ ઝડપી છે.

શ્રીલંકા એ સામેની બંને ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો

આકિબ નબી ગત મહિને ઈન્ડિયા એ ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસે ગયો હતો અને શ્રીલંકા એ સામેની બંને ફર્સ્ટ ક્લાસ મેચ રમ્યો હતો. ગૉલમાં રમાયેલી બંને મેચની ચાર ઈનિંગમાં તેણે 6 વિકેટ લીધી હતી. જેમાં પ્રથમ મેચની પ્રથમ ઈનિંગમાં 58 રનમાં 4 વિકેટ ઝડપી હતી. 

છેલ્લી બે રણજી ટ્રોફી સિઝનમાં કુલ 104 વિકેટ 

આ પહેલા જૂન 2026માં અફઘાનિસ્તાન સામે રમાયેલી એક માત્ર ટેસ્ટ મેચમાં આકિબની ભારતીય ટીમમાં પસંદગી થવાની આશા હતી પરંતુ ભારતીય પસંદગીકર્તાએ તેને નજરઅંદાજ કર્યો હતો.  નબીએ છેલ્લી બે રણજી ટ્રોફી સિઝનમાં કુલ 104 વિકેટ ઝડપી છે. જેમાં 2025-26માં 60 વિકેટ લીધી હતી. જેના કારણે જમ્મુ-કાશ્મીર પ્રથમ વખત રણજી ટ્રોફી વિજેતા બન્યું હતું.

24 રનમાં 7 વિકેટ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

આકિબ નબી ડોમેસ્ટિક ક્રિકેટનું જાણીતું નામ છે. 29 વર્ષના નબીએ ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 43 મેચ રમી છે. આ દરમિયાન તેણે 71 ઇનિંગ્સમાં 18.63ની શાનદાર એવરેજથી 162 વિકેટ ઝડપી છે. 24 રનમાં 7 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આકિબ બોલિંગની સાથે સાથે બેટિંગમાં પણ યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેના નામે 999 રન નોંધાયેલા છે, જેમાં 2 અડધી સદી  સામેલ છે.

શ્રીલંકા સામેની ટેસ્ટ સિરીઝ માટે ભારતની અપડેટેડ ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), કે.એલ. રાહુલ (વાઇસ કેપ્ટન), યશસ્વી જેસવાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઇ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, દેવદત્ત પડિક્કલ, સારાંશ જૈન, આકિબ નબી