નવી દિલ્હીઃ જુલાઈ મહિનામાં જ ભારતના ટી-20 ક્રિકેટરો ત્રણ મૅચની સિરીઝ માટે ઝિમ્બાબ્વે (Zimbabwe)ના પ્રવાસે જશે અને એ ટૂર માટેની 15 ખેલાડીની ટીમમાં કેટલાક ચોંકાવનારા ફેરફાર જોવા મળ્યા છે. ખાસ કરીને સંજુ સૅમસન (Samson)ની બાદબાકી સૌથી ચર્ચાસ્પદ થઈ શકે. જોકે ટીનેજ-સેન્સેશન વૈભવ સૂર્યવંશીને ઝિમ્બાબ્વે ખાતેની ટી-20 ટીમમાં જાળવી રાખવામાં આવ્યો છે. ઇંગ્લૅન્ડ સામે રમનારી રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિતની ટીમમાં ઈજાગ્રસ્ત નીતીશ કુમાર રેડ્ડીના સ્થાને શિવમ દુબેનો સમાવેશ કરાયો છે.
ઇંગ્લૅન્ડમાં સંજુ સૅમસનને પહેલી ટી-20માં રમાડ્યા બાદ શનિવારની બીજી મૅચની ટીમમાંથી બહાર કરીને વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાનો મોકો આપવામાં આવ્યો હતો. 2026ના ટી-20 વર્લ્ડ કપના પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ સૅમસને છેલ્લી થોડી ટી-20 મૅચોમાં નિરાશાજનક પર્ફોર્મ કર્યું હોવાથી તેને ઇંગ્લૅન્ડ સામેની ટીમમાંથી બહાર કરીને હવે ઝિમ્બાબ્વેના પ્રવાસ માટેની ટીમમાં પણ નથી લેવામાં આવ્યો.
વર્તમાન ટીમમાંથી છ ખેલાડી બહાર!
અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં આયોજિત સિલેક્શન કમિટીની મીટિંગમાં થયેલી ચર્ચામાં સૅમસનને આરામ આપવામાં આવ્યો કે ડ્રૉપ કરાયો છે એ વિશે સ્પષ્ટ જાણવા નહોતું મળ્યું. જોકે ઇંગ્લૅન્ડમાં સિરીઝ રમી રહેલી ટીમમાં જે ખેલાડીઓ છે એમાં છ ફેરફાર કરવામાં આવ્યા છે. ઝિમ્બાબ્વેના પ્રવાસે પણ શ્રેયસ ઐયરના જ સુકાનમાં ટીમ જશે અને એમાંથી સૅમસન ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, વૉશિંગ્ટન સુંદર અને રવિ બિશ્નોઈને પણ બહાર રાખવામાં આવ્યા છે.
કોને ઝિમ્બાબ્વે જવાનો મોકો મળ્યો?
મૅચ-ફિનિશર ગણાતા રિન્કુ સિંહ અને ફાસ્ટ બોલર મયંક યાદવે ટી-20 ટીમમાં કમબૅક કર્યું છે. પંજાબના વિકેટકીપર-બૅટ્સમૅન પ્રભસિમરન સિંહ, ફાસ્ટ બોલર્સ યશ ઠાકુર તથા અશોક શર્મા તેમ જ લેફ્ટ-આર્મ સ્પિન ઑલરાઉન્ડર હર્ષ દુબેને ડેબ્યૂ કરવાની તક અપાઈ છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટેની ટી-20 ટીમઃ
શ્રેયસ ઐયર (કૅપ્ટન), વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, તિલક વર્મા (વાઇસ-કૅપ્ટન), ઇશાન કિશન (વિકેટકીપર), શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, રિન્કુ સિંહ, હર્ષ દુબે, વરુણ ચક્રવર્તી, પ્રિન્સ યાદવ, યશ ઠાકુર, અશોક શર્મા, મયંક યાદવ અને પ્રભસિમરન સિંહ (વિકેટકીપર).
ઇંગ્લૅન્ડ સામેની વન-ડે ટીમઃ શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર (વાઇસ-કૅપ્ટન), કે. એલ. રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વૉશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બ્રાર અને શિવમ દુબે.