Mon Aug 31 2026

Logo

દેશમાં વૃદ્ધોને અપાતું પેન્શન વર્ષ 2012થી યથાવત, મંત્રાલયના અહેવાલમાં ઘટસ્ફોટ

2026-05-12 16:25:11
Author: Chandrakant Kanoja
દેશમાં વૃદ્ધોને અપાતું પેન્શન વર્ષ 2012થી યથાવત, મંત્રાલયના અહેવાલમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી : કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયના મૂલ્યાંકનમાં મહત્વની વિગત પ્રકાશમાં આવી છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ વૃદ્ધોને આપવામાં આવતું માસિક પેન્શન ખૂબ જ ઓછું છે. જેનું મુખ્ય કારણ મોંધવારી અને ફુગાવો છે. હાલમાં આ પેન્શન રૂપિયા 200 થી 500 ની વચ્ચે છે જે વર્ષ 2012થી વધારવામાં નથી આવ્યું.   

પેન્શનના વાસ્તવિક મૂલ્યમાં આશરે 45 ટકાનો ઘટાડો

આ અહેવાલ મુજબ વધતા  ફુગાવાને કારણે પેન્શનના વાસ્તવિક મૂલ્યમાં આશરે 45 ટકાનો ઘટાડો થયો છે. તેમજ જો તેને  વર્તમાન ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે મૂલવવામાં આવે તો રૂપિયા 200નું સ્થાને તે 353 રૂપિયા હોવા જોઇએ.

નવ રાજયોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું 

આ અંગે હાલમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ (NSAP)ની અસર મૂલ્યાંકન  શીર્ષક સાથે એક અહેવાલ બહાર પાડ્યો હતો. આ મૂલ્યાંકન અભ્યાસ આસામ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ,બિહાર, હરિયાણા, ગુજરાત, જમ્મુ અને કાશ્મીર અને છત્તીસગઢમાં હાથ ધરવામાં આવ્યો હતો. 

ફુગાવાના કારણે વૃદ્ધોની નાણાકીય પરિસ્થિતિ પડકારજનક બની

આ અહેવાલ મુજબ વર્ષ  2012 થી પેન્શનની રકમમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ફુગાવાના કારણે  વૃદ્ધોની નાણાકીય પરિસ્થિતિ પડકારજનક બની છે. આ અહેવાલ મુજબ વર્ષ  2012 માં 60 થી 79 વર્ષની વયના વૃદ્ધ વ્યક્તિઓ માટે માસિક પેન્શનની રકમ રૂપિયા 200, વિધવાઓ (40 થી 79 વર્ષની વયના) અને અપંગ વ્યક્તિઓ 18 થી 79 વર્ષની વયના) માટે રૂપિયા 300 અને 80 અને તેથી વધુ ઉંમરના લાભાર્થીઓ માટે રૂપિયા 500 કરવામાં આવી હતી.