Mon Jul 27 2026

Logo

ભારતમાં ફરી લાગશે 'લોકડાઉન'? પીએમ મોદીની અપીલ પછી સરકારે કરી સ્પષ્ટતા

2026-05-12 19:00:17
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવગ્રસ્ત વાતાવરણને લઈને સમગ્ર એશિયાના દેશ ચિંતામાં છે. એવામાં વધી રહેલા ક્રૂડના ભાવને લઈ વડા પ્રધાન મોદીએ ફ્યૂલ બચાવવાની નાગરિકોને અપીલ કરી છે. આ માહોલ વચ્ચે કેન્દ્રીયમંત્રી હરદીપસિંહ પુરીએ સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, લોકડાઉન લગાવવાની કોઈ યોજના નથી. કેટલીક ખોટી અફવાઓને ફગાવતા મંત્રીએ કહ્યું કે દેશમાં લોકડાઉન લાગુ કરવાની હાલ કોઈ પ્રકારની યોજના નથી. એટલું જ નહીં, વડા પ્રધાન મોદીની અપીલનો હેતુ પણ લોકોમાં કોઈ ભય ફેલાવવાનો નથી. 

સરકારનો હેતુ ડરાવવાનો નથી

મંત્રીએ સ્પષ્ટતા કરતા ઉમેર્યું હતું કે, વડા પ્રધાન મોદીનો હેતુ દેશના નાગરિકોમાં ડર પેદા કરવાનો બિલકુલ નથી. દેશની અર્થ-વ્યવસ્થાને બાહરથી પડી રહેલા આર્થિક ફટકાથી બચાવવાનો છે. નાગરિકોને જાગૃત કરવાનો છે. સરકારે યુદ્ધની સ્થિતિને ગંભીરતાથી લઈને સરક્ષાલક્ષી પગલાં લીધા છે. રસોઈગેસનું ઉત્પાદન 35000 ટન પ્રતિદિવસથી વધારીને 54000 ટન કરી દેવામાં આવ્યું છે. 

વડા પ્રધાન મોદીએ તાજેતરમાં જ દેશવાસીઓને સ્વદેશી ચીજ-વસ્તુઓ અપનાવવા અપીલ કરી હતી.વિદેશી હૂંડિયામણ બચાવી રાખવા આહવાન કર્યું હતું. આ સલાહમાં ફ્યૂલની બચત કરવી પણ સામેલ છે. પેટ્રોલ-ડીઝલનો વપરાશ ઓછો કરવા માટે મેટ્રો, કારપૂલિંગ અને વધુમાં વધુ ઈલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવાની સલાહ આપી છે. 

વર્ક ફ્રોમ હોમની સલાહ

આ ઉપરાંત કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપી છે. આનાથી રસ્તાઓ પર ગાડીઓનું ભારણ ઘટે તેથી ક્રૂડ ઓઈલનો વપરાશ ઘટે, વડા પ્રધાને લોકોને અપીલ કરી હતી કે, ઓછામાં ઓછા એક વર્ષ સુધી કોઈ પ્રકારે સોનાની ખરીદી કરવાનું ટાળવું જોઈએ.વિદેશ યાત્રા કરવાનું પણ ટાળવું જોઈએ. 

ભારત મોટી માત્રામાં સોનું અને ક્રૂડ ઓઈલની આયાત કરતો દેશ છે, જે આયાતને ઘટાડવી એ ભારતના આર્થિક રીતે ફાયદામાં છે. માત્ર ક્રૂડ ઓઈલ જ નહીં ખાદ્ય તેલ પણ ઘટાડવાની સલાહ મોદી આપી રહ્યા છે. 
આ ઉપરાંત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની વાત પર ભાર મૂક્યો છે. મંત્રી પુરીના જણાવ્યા પ્રમાણે, વડા પ્રધાન મોદીની અપીલ એ એક 'વેક અપ કોલ' સમાન છે, જેથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધથી ભારતની તિજોરી પર પડનારા આર્થિક મારને ઘટાડી શકાય. 

આત્મનિર્ભર ભારતમાં યોગદાન

મંત્રીના નિવેદન પરથી એકવાત તો સ્પષ્ટત થાય છે કે, ભારતમાં કોઈ રીતે લોકડાઉન નહીં થાય. સરકારનું સંપૂર્ણ રીતે ધ્યાન એ વાત પર કેન્દ્રીત છે કે,વૈશ્વિક યુદ્ધના કારણે વધી રહેલી ક્રૂડ ઓઈલની કિંમત તથા ડૉલરની અછતથી દેશને કેવી રીતે સુરક્ષિત કરી શકાય? મંત્રીએ એવી પણ ચોખવટ કરી કે આ સમય ડરવાનો નથી, જાગૃત નાગરિક તરીકે ફ્યુઅલની જરૂરિયાત ઓછી કરીને દેશના આત્મનિર્ભર અભિયાનમાં યોગદાન આપવાનો છે.