Sun Oct 04 2026

Logo

સોનાની આયાતમાં 58 ટકાનો ભારે ઘટાડો, ચાંદીનો ઇમ્પોર્ટ 127 ટકા વધ્યો

2026-09-16 15:10:28
Author: Mumbai Samachar Team
સોનાની આયાતમાં 58 ટકાનો ભારે ઘટાડો, ચાંદીનો ઇમ્પોર્ટ 127 ટકા વધ્યો

આ વર્ષે ઓગસ્ટમાં સોનાની આયાતમાં મોટો ઘટાડો નોંધાયો છે. ભારત સરકાર દ્વારા સીમા શુલ્ક એટલે કે કસ્ટમ ડ્યુટીમાં કરાયેલા ભારે વધારાના કારણે સોનાની આયાતમાં આ ઘટાડો જોવા મળ્યો છે. વાણિજ્ય મંત્રાલયના આંકડા પરથી આ માહિતી સામે આવી છે. આંકડા અનુસાર, ઓગસ્ટમાં સોનાની આયાત 57.75 ટકાના ભારે ઘટાડા સાથે ઘટીને 2.3 અબજ ડૉલર રહી ગઈ છે.

સોનાની આયાતમાં આવેલા આ મોટા ઘટાડાને કારણે દેશની વેપાર ખાધ પણ ઘટીને 5 મહિનાની નીચલી સપાટી એટલે કે 26.86 અબજ ડૉલર પર આવી ગઈ છે. જોકે, આ સમયગાળા દરમિયાન ચાંદીની આયાતમાં 127 ટકાનો જંગી ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2026માં ભારતની ચાંદીની આયાત 127 ટકા વધીને 1.02 અબજ ડૉલર થઈ ગઈ છે.

ભારત સરકારે 13 મેથી કિંમતી ધાતુઓ પરની આયાત જકાત (ઈમ્પોર્ટ ડ્યુટી) 6 ટકાથી સીધી વધારીને 15 ટકા કરી દીધી છે. ચાલુ નાણાકીય વર્ષ 2026-27માં એપ્રિલ-ઓગસ્ટ દરમિયાન સોનાની આયાત 3.38 ટકા વધીને 17.47 અબજ ડૉલર થઈ ગઈ, જ્યારે ચાંદીની આયાત 8.81 ટકાના ઘટાડા સાથે 1.74 અબજ ડૉલર રહી હતી.

ઓગસ્ટમાં ભારતે સૌથી વધુ સોનાની આયાત સ્વિટ્ઝર્લેન્ડથી કરી હતી અને તે ગોલ્ડ ઈમ્પોર્ટનો સૌથી મોટો સ્ત્રોત રહ્યો હતો. ઓગસ્ટમાં ભારતના કુલ ગોલ્ડ ઈમ્પોર્ટમાં સ્વિટ્ઝર્લેન્ડનો હિસ્સો આશરે 40 ટકા રહ્યો હતો. ત્યાર પછી, ભારતે કુલ ગોલ્ડ ઈમ્પોર્ટના 16 ટકાથી વધુ હિસ્સો સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)થી મંગાવ્યો હતો અને દક્ષિણ આફ્રિકા આશરે 10 ટકા હિસ્સા સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. દેશની કુલ આયાતમાં સોનાનો હિસ્સો 5 ટકાથી વધુ રહ્યો હતો. ઓગસ્ટમાં સ્વિટ્ઝર્લેન્ડથી થયેલી કુલ આયાત 45.4 ટકા ઘટીને 1.28 અબજ ડૉલર રહી ગઈ હતી.

મહત્વનું છે કે ઓગસ્ટ 2026માં ભારતની મર્ચેન્ડાઇઝ નિકાસ (વસ્તુઓની નિકાસ) વાર્ષિક ધોરણે 26.12 ટકાના જોરદાર વધારા સાથે 43.81 અબજ ડૉલર થઈ ગઈ છે. આ સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસમાં મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી. આ સાથે જ, ઓગસ્ટમાં દેશની આયાત પણ 14.1 ટકા વધીને 70.76 અબજ ડૉલર રહી હતી. આ સમયગાળા દરમિયાન ક્રૂડ ઓઇલ, પ્રોજેક્ટ ગુડ્સ, ઇલેક્ટ્રોનિક સામાન, ચાંદી તેમજ કોલસો અને કોકની આયાતમાં વધારો જોવા મળ્યો હતો.