Wed Aug 19 2026

Logo

ભારતની ગિગ ઈકોનોમીમાં જબ્બર ઉછાળો: 2030 સુધીમાં ગિગ વર્કરોની સંખ્યા 2.35 કરોડ પર પહોંચવાનો અંદાજ

2026-03-23 14:16:00
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: આજના સમયમાં ગિગ અને પ્લેટફોર્મ ઈકોનોમીનો વ્યાપ અત્યંત ઝડપથી વધી રહ્યો છે. ઇ-કોમર્સ માધ્યમો આજના શહેરી જીવનનો ભાગ બની રહ્યો છે, ત્યારે તેના ભાગરૂપે ભારતમાં પણ ગિગ અને પ્લેટફોર્મ ઈકોનોમીનું વિસ્તરણ ખૂબ જ ઝડપથી થઈ રહ્યું છે. ભારતમાં ગિગ વર્કરના મુદ્દા અને અધિકારો પર ચર્ચાઓ ચાલી રહી છે, ભારત સરકારે પણ ગિગ વર્કરના અધિકારો માટે ઘણા મહત્વના નિર્ણયો લીધા છે.  ત્યારે આગામી સમયમાં ભારતમાં ગિગ વર્કરોની સંખ્યામાં ઉછાળો જોવા મળી શકે છે તેમ સરકારનો અંદાજ છે. 

શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, નીતિ આયોગના "ઈન્ડિયાઝ બૂમિંગ ગિગ એન્ડ પ્લેટફોર્મ ઈકોનોમી" રિપોર્ટ મુજબ વર્ષ 2020-21માં દેશમાં ગિગ કામદારોની સંખ્યા 77 લાખ હતી. આ સંખ્યામાં સતત વધારો થવાની ધારણા છે, જે આગામી વર્ષોમાં 2026-27 સુધીમાં 1.62 કરોડ અને 2029-30  સુધીમાં વધીને 2.35 કરોડ સુધી પહોંચવાની સંભાવના છે. પરંપરાગત નોકરીદાતા-કર્મચારી સંબંધોની બહાર રહીને સ્વતંત્ર રીતે કાર્ય કરતા આ કામદારો ભારતની આર્થિક પ્રવૃત્તિઓમાં મહત્વનો હિસ્સો બની રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગિગ કામદારોના સામાજિક ઉત્થાન માટે ભારત સરકારે 'સામાજિક સુરક્ષા સંહિતા, ૨૦૨૦' (Code on Social Security, 2020) અમલમાં મૂકી છે, જે ૨૧ નવેમ્બર ૨૦૨૫થી લાગુ કરવામાં આવી છે. આ સંહિતામાં પ્રથમ વખત 'ગિગ કામદાર' અને 'પ્લેટફોર્મ કામદાર'ની કાયદાકીય વ્યાખ્યા સ્પષ્ટ કરવામાં આવી છે. આ નવા કાયદા હેઠળ, ગિગ કામદારોને જીવન અને અપંગતા કવર, આરોગ્ય સુવિધાઓ, પ્રસૂતિ સહાય અને વૃદ્ધાવસ્થા સંરક્ષણ જેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાઓના અમલીકરણ માટે સરકાર દ્વારા એક વિશેષ 'સામાજિક સુરક્ષા ભંડોળ' સ્થાપિત કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

સરકાર આ ક્ષેત્રના કામદારોના હિતોના રક્ષણ માટે વહીવટી માળખું પણ મજબૂત કરી રહી છે. સામાજિક સુરક્ષા સંહિતા હેઠળ ગિગ અને પ્લેટફોર્મ કામદારોના કલ્યાણ માટે એક 'રાષ્ટ્રીય સામાજિક સુરક્ષા બોર્ડ'  રચવાની જોગવાઈ છે. નીતિ આયોગના અંદાજો મુજબ, ૨૦૨૭-૨૮માં આ કામદારોની સંખ્યા ૧.૮૪ કરોડ અને ૨૦૨૮-૨૯માં ૨.૦૮ કરોડ થવાની અપેક્ષા છે. આમ, વધતી જતી સંખ્યા અને ટેકનોલોજીના માધ્યમથી ઉભી થતી નવી રોજગારીની તકોને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ગિગ ઇકોનોમીને સુરક્ષિત અને વ્યવસ્થિત બનાવવા માટે પગલાં ભર્યા હોવાનું જણાવ્યું હતું.