આવતી કાલે આંતરરાષ્ટ્રીય શતરંજ દિન: યુવા પેઢીને ચેસ તરફ પ્રેરિત કરવા ભારત પાસે હવે વિશ્ર્વનાથન આનંદ ઉપરાંત હવે ગુકેશ, અર્જુન, પ્રજ્ઞાનંદ, દિવ્યા, હમ્પી સહિત અનેક યંગ સ્ટાર્સ મોજૂદ છે
ફોકસ - સાશા
2019માં વિશ્ર્વવિજેતા વિશ્ર્વનાથન આનંદ સાથે ભારતનો યંગેસ્ટ ગ્રૅન્ડમાસ્ટર ડી.ગુકેશ. હાલમાં ગુકેશ વર્લ્ડ ચૅમ્પિયન છે.
દુનિયા ક્યારેક ભારતને શતરંજનું જન્મદાતા માનીને સન્માન દેતી હતી તો આજે વિશ્ર્વએ ભારતને શતરંજનું સુપરપાવર માનીને આ રમતમાં એનું કદ ઘણું વધારી દીધું છે. આ માત્ર ઐતિહાસિક ગૌરવની પુન:પ્રાપ્તિની વાત નથી, પણ આધુનિક ભારતની એ બૌદ્ધિક શક્તિનું પ્રમાણ છે જેણે ખેલકૂદના સૌથી જટિલ મનાતા ક્ષેત્રમાં વૈશ્ર્વિક નેતૃત્વ સ્થાપિત કરવાની દિશામાં ઝડપભેર પગલું માંડ્યું છે, મોટી ફલાંગ ભરી છે.
દર વર્ષે 20મી જુલાઈએ વિશ્ર્વ શતરંજ દિવસ ઉજવવામાં આવે છે. યુવાનિયાઓ માટે કહીએ તો ‘વર્લ્ડ ચેસ ડે.’ આવતી કાલ (સોમવાર, 20મી જુલાઈનો) આ અવસર ફક્ત એક ખેલનો ઉત્સવ નથી, પરંતુ ધૈર્ય, રણનીતિ, દૂરદૃષ્ટિ અને માનસિક અનુશાસનનો પણ તહેવાર છે. ક્રિકેટમાં (ખાસ કરીને ટેસ્ટ અને વન-ડેમાં) ધૈર્યનું ઘણું મહત્ત્વ છે, ફૂટબૉલમાં રણનીતિ બનાવવી અત્યંત જરૂરી હોય છે તેમ જ ટેનિસ સહિતની અન્ય રમતોમાં મનોબળ ખૂબ આવશ્યક હોય છે. જોકે ચેસમાં આ બધુ જરૂરી હોય છે અને એ પણ માત્ર એક નાનકડા ચેસ બોર્ડ પર. બુદ્ધિમતાની આ રમતની ભારત માટે મહત્તા હોવાનું એક કારણ એ પણ છે કે જે રમતની શરૂઆત હજારો વર્ષ પૂર્વે ભારતની ધરતી પર થઈ હતી એમાં ભારતીયોએ હવે સંપૂર્ણ પ્રભુત્વ જમાવવાનું છે.
જેમ ક્રિકેટમાં ભારત ઘણી વખત વર્લ્ડ ચૅમ્પિયન અને નંબર-વન રહી ચૂક્યું છે એમ ચેસમાં પણ ભારત પાસે હાલમાં બે વર્લ્ડ ચૅમ્પિયન છે. પુરુષોમાં એક સમયે વિશ્ર્વનાથન આનંદનું વર્ષો સુધી એકચક્રી શાસન હતું. હાલમાં ડી. ગુકેશ વર્લ્ડ ચેસ ચૅમ્પિયન છે, જ્યારે દિવ્યા દેશમુખ મહિલાઓની ચેસ વર્લ્ડ કપ વિજેતા છે. એ ઉપરાંત, ભારત પાસે પુરુષોમાં અર્જુન એરીગૈસી, પ્રજ્ઞાનંદ, વિદિત ગુજરાતી, નિહાલ સરીન તેમ જ મહિલાઓમાં કોનેરુ હમ્પી, આર. વૈશાલી, હરિકા દ્રોણાવલી વગેરે ચૅમ્પિયનો પણ છે. આ બધા સિતારાઓએ સમગ્ર ચેસ જગતનું ધ્યાન ભારત તરફ આકર્ષિત કર્યું છે તેમ જ નવી પેઢીના ચેસપ્રેમીઓને આ મહાન રમતમાં કારકિર્દી બનાવવા પ્રેરિત કર્યા છે. દિવ્યાએ 2025ના જુલાઈમાં દ્વિવર્ષીય વિશ્ર્વ કપ જીતીને સાબિત કર્યું છે કે ભારતમાં ચેસની રમત પર માત્ર પુરુષોનું વર્ચસ્વ નથી, મહિલાઓ પણ સર્વોચ્ચ ટ્રોફી જીતી શકે છે.
સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે ભારત હવે કોઈ એક ખેલાડી પર નિર્ભર નથી. અગાઉ ચેસ વર્લ્ડમાં ભારતની વાત નીકળતી ત્યારે માત્ર વિશ્ર્વનાથન આનંદનું જ નામ લેવામાં આવતું હતું, પણ હવે અહીં જણાવવામાં આવેલા નામોમાંથી કોઈ પણ એક ખેલાડી ઝળકી જતો જોવા મળે છે. આજે દેશના અલગ-અલગ રાજ્યમાંથી ચેસ જગતને વિશ્ર્વસ્તરિય ખેલાડી મળે છે. ખાસ કરીને તમિળનાડુ, તેલંગણા, મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ર્ચિમ બંગાળ તથા કેરળ જેવા રાજ્યોમાં શતરંજની મજબૂત સંસ્કૃતિ વિકાસ પામી છે. સ્કૂલ સ્તરે સ્પર્ધાઓ વધી ગઈ છે, સ્થાનિક ચેસ ઍકેડેમીઓની સંખ્યા વધી છે તેમ જ ઑનલાઇન કોચિંગે નાના શહેરોના ખેલાડીઓને વિશ્ર્વ સ્તરિય પ્રશિક્ષણ ઉપલબ્ધ કરાવ્યું છે.
વિશ્ર્વનાથન આનંદે 2000ની સાલમાં પહેલી વખત વિશ્ર્વવિજેતા બનીને ભારતની નવી પેઢીને વિશ્ર્વાસ અપાવ્યો કે ભારતીય ખેલાડી વર્લ્ડ ચૅમ્પિયન બની શકે છે. બીજું, કૃત્રિમ બુદ્ધિમતા આધારિત વિશ્ર્લેષણ, ઑનલાઇન પ્લૅટફૉર્મ તથા મૉટિવેશને ખેલાડીઓની તૈયારીઓને અનેકગણી વૈજ્ઞાનિક બનાવી દીધી છે. ત્રીજું, પરિવારો અને સમાજનો દૃષ્ટિકોણ પણ બદલાયો છે. અગાઉ શતરંજને માત્ર શોખ (હૉબી) માનવામાં આવતું હતું, પણ હવે એને સન્માનજનક કારકિર્દીના રૂપમાં જોવામાં આવે છે. આજે આપણા ચેસ સિતારાઓ આંતરરાષ્ટ્રીય ગ્રૅન્ડ માસ્ટર્સને હરાવી રહ્યા છે. આપણા દેશમાં પણ ગ્રૅન્ડ માસ્ટર્સની સંખ્યા વધવા લાગી છે અને ભારત વિશ્ર્વના શતરંજના અગ્રણી રાષ્ટ્રોમાં અચૂક ગણાય છે.
શિક્ષણશાસ્ત્રીઓના મતે ચેસની રમત બાળકોમાં તાર્કિક વિચારધારા, સમસ્યા સમાધાન, સ્મરણ શક્તિ, ધૈર્ય, નિર્ણય લેવાની ક્ષમતા અને એકાગ્રતા વિકસિત કરે છે. આ જ કારણસર દેશની અનેક સ્કૂલો હવે શતરંજને સહ-પાઠ્યક્રમના રૂપમાં સામેલ કરી રહી છે. જોકે પડકારો હજી દૂર નથી થયા. ક્રિકેટની તુલનામાં ચેસને હજી પણ મર્યાદિત આર્થિક અને માળખાકીય સગવડો મળે છે. ગ્રામ્ય ક્ષેત્રોમાં પ્રશિક્ષકોની અછત છે. આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા જરૂરી આર્થિક સહાયતાનો મુદ્દો પણ અનેક પ્રભાવશાળી ખેલાડીઓ સામે વિઘ્ન બની જાય છે. રાજ્યોમાં નિયમિત રીતે લીગ સ્પર્ધાઓ યોજાવી જરૂરી છે, કોર્પોરેટ ક્ષેત્ર વધુ રોકાણ કરે એ પણ આવશ્યક છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓની સંખ્યા પણ જો વધે તો દેશમાં આ રમત તરફ યુવા વર્ગના વધુ લોકો રસ લેતા થઈ જાય.
દુનિયા આજે આડકતરી રીતે એ પણ સ્વીકારે છે કે ભારત શતરંજનું માત્ર જન્મદાતા નથી, આ રમતનું ભવિષ્ય પણ છે. આપણી નવી પેઢીના ખેલાડીઓનો આત્મવિશ્ર્વાસ, આધુનિક પ્રશિક્ષણ પ્રણાલી તથા સતતપણે ભારતીયોને મળતી સફળતા એ વાતનો સંકેત આપે છે કે ભારતીય શતરંજમાં સુવર્ણકાળની શરૂઆત થઈ ચૂકી છે.
વિશ્ર્વ શતરંજ દિન આપણે યાદ અપાવે છે કે કોઈ પણ મહાન ચાલની શરૂઆત ખૂબ વિચારીને, સમજીને ચાલવી જોઈએ. એ જ રીતે જીવનમાં પણ આવા જ અભિગમ સાથે આગળ વધવું જોઈએ. ભારતે આ દિશામાં પ્રથમ ડગલું સદીઓ પૂર્વે માંડ્યું હતું, હવે આ સમય એ વિરાસત (લેગસી)ને આધુનિક ઉપલબ્ધિઓની સાથે જોડીને વિશ્ર્વ શતરંજમાં સ્થાયી નેતૃત્વ સ્થાપિત કરવાનો છે. જો વર્તમાન ગતિ જળવાઈ રહેશે તો આવનારા વર્ષોમાં આપણે વિશ્ર્વ શતરંજના સુપરપાવર બની જ જઈશું.