નવી દિલ્હી: દેશના પાંચ રાજ્યોમાં મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવા માટે ચૂંટણી પંચે કમર કસી છે. જેના પગલે વિધાનસભા ચૂંટણીઓમાં બીએસએફના કર્મચારીઓ મતદારોના ઓળખપત્રોની ચકાસણી કરશે તેમજ CCTV કેમેરાનું નિયંત્રણ પણ તેમની પાસે રહેશે. જોકે, બીએસએફ ડિરેક્ટોરેટ જનરલના આ નિર્દેશનો વિરોધ શરૂ થઈ ગયો છે.
CCTV કેમેરા પર બીએસએફ સંપૂર્ણ નિયંત્રણ રાખશે
આ અંગે મળતી માહિતી મુજબ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન મતદાન મથકો પર મતદારોના ઓળખપત્રોની ચકાસણી બોર્ડર સિક્યુરિટી ફોર્સ ના કર્મચારીઓ કરશે. તેમજ મતદાન મથકો પરના CCTV કેમેરા પર બીએસએફ સંપૂર્ણ નિયંત્રણ રાખશે. CCTV ફૂટેજ પર નજર રાખવા માટે વધારાના કર્મચારીઓને ખાસ તૈનાત કરવામાં આવશે.
અર્ધલશ્કરી દળોના 3 લાખ જવાનોને તૈનાત કરવામાં આવ્યા
દેશમાં આસામ, કેરળ, પુડુચેરી, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે મોટા પાયે કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આ રાજ્યોમાં કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના 3 લાખ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
બીએસએફના એકમોને કાર્ય વિલંબ વિના પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ
આ ઉપરાંત બીએસએફ દ્વારા જાહેર કરાયેલા આદેશોમાં જણાવાયું છે કે આ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે એ સુનિશ્ચિત કરવું આવશ્યક છે કે જો વર્ષ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન આ જ રાજ્યોમાં અગાઉ સેવા આપી હોય તો ઇન્સ્પેક્ટર કે તેનાથી ઉપરના હોદ્દા ધરાવતા કોઈપણ અધિકારીને ફરજ સોંપવામાં ન આવે. આવા અધિકારીઓની યાદી તૈયાર કરવામાં આવશે અને તેમને તાત્કાલિક અસરથી બદલવામાં આવશે. બીએસએફના એકમોને આ કાર્ય વિલંબ વિના પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે.
દરેક મતદાન મથક પર એક પુરુષ અને એક મહિલા બીએસએફ જવાન તૈનાત રહેશે
દરેક મતદાન મથક પર એક પુરુષ અને એક મહિલા બીએસએફ જવાન તૈનાત રહેશે. તેમની ફરજ મતદારોના ઓળખપત્રોની ચકાસણી કરવાની રહેશે. સ્થળ પર સ્થાપિત CCTV કેમેરા સંપૂર્ણપણે આ બે બીએસએફ કર્મચારીઓના નિયંત્રણ હેઠળ રહેશે. આ કર્મચારીઓ ખાતરી કરશે કે CCTV કેમેરા યોગ્ય રીતે કાર્ય કરી રહ્યા છે. તેમજ તેઓ CCTV ફીડનું પણ નિરીક્ષણ કરશે.